Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

આગ બુઝાવવા આગ

પેટની આગ ઠારવા ચુલાની આગ પ્રગટાવવી પડે એ કેવુ !

ચુલા પણ કેવા? સ્થાયી નહીં કામ ચલાવ હોય છે. ત્રણ મોટા પથ્થર કે ઇંટોને વ્યવસ્થીત ગોઠવી દેવામાં આવે એટલે ચુલો તૈયાર : 'શાકનો મેળ પડયો હોય તો ભલે નહીંતર આવા ચુલાઓ પર મઢા જેવા મોટા રોટલા બાજરો, ઘઉ કે મકાઇના લોટમાંથી તૈયાર કરી તેને છાસ કે દુધ સાથે આરોગી પેટ ભરી લેવાતુ હોય છે, આવી અસુવિધાઓ વચ્ચે પણ સંતોષના ઓડકાર લેવાતા હોય છે'

ભગવાને પેટ સર્જીને કહી દીધુ જા હવે તેને ભરવા માટે તો તારે જ દોડવું પડશે! એટલે જ કહેવત પડી છે ને કે 'પેટ કરાવે વેઠ'... માણસ નોકરી કરે, ધંધો કરે કે મજુરી કરે, શા માટે? પેટ ભરવા માટે જ તો!

ત્યારે અહીં રજુ કરેલ ફોટો એક ફુટપાથ પર સળગતા સામુહીક ચુલાઓનો છે. એ દ્રશ્ય જોઇને તરત વિચાર ઝબકે કે આ તે કેવું વિચિત્ર આગ (પેટની) બુઝાવવા માટેય આગ (ચુલાની) સળગાવવી પડે!

રોજનું કમાઇને રોજ ખાનારાઓ દિવસ આખો કાળી મજુરી કરે અને પછી જયાં મુકામ કર્યો હોય તેવી ફુટપાથ કે રોડ સાઇડની ખાલી જગ્યાએ જ ચુલાઓ સળગાવીને રસોઇ તૈયાર કરે છે. શાકનો મેળ પડયો હોય તો ભલે નહીંતર આવા ચુલાઓ પર મઢા જેવા મોટા રોટલા બાજરો, ઘઉ કે મકાઇના લોટમાંથી તૈયાર કરી તેને ચટણી, છાસ કે દુધ સાથે આરોગી પેટ ભરી લેવાતુ હોય છે. તો વળી કયારેક રોટલોને ડુંગળી કે રોટલોને મરચુ ખાઇને પણ ચલાવી લેવાતુ હોય છે. પીત્ઝા, બર્ગરની તો અહીં કલ્પનાય ન હોય!

રાજકોટની જ વાત કરીએ તો દોઢસો ફુટ રીંગરોડ પર સાંજેકના ચકકર મારો તો રોડ સાઇડમાં કયાંક આવા દ્રશ્યો અચુક જોવા મળશે. આ રીતે ફુટપાથ પર બાજુ બાજુમાં કતારબંધ આગના ભડકા જોઇને કોઇ એમ વિચારી લ્યે કે તાપણા કરાયા હશે. પણ ના આ આગના ભઠ્ઠા તાપવા માટે નહીં પરંતુ પેટની આગ ઓલવવા કરાયા હોય છે. આ ગરીબ પરિવારો મોટે ભાગે પરપ્રાંતના હોય છે. પેટીયુ રળવા શહેરોમાં ગમે ત્યાં દંગા નાખીને પડયા રહેતા હોય છે. ખાસ કરીને રાજસ્થાન, યુ.પી. બિહારના કે ગુજરાતના જ આદિવાસી વિસ્તારમાંથી રાજકોટ જેવા શહેરોમાં પેટીયુ રળવા આવનારા લોકો આવી અસુવિધાઓ વચ્ચે પણ સંતોષના ઓડકાર લેતા જોવા મળે છે. આ પરિવારો ભીક્ષુકોથી અલગ પડે છે. આશરોની વ્યવસ્થા ન થઇ શકવાથી ફુટપાથ પર કે ખુલ્લા મેદાનોમાં ગુજારો કરી લ્યે છે. પરંતુ કયાંય માંગવાને બદલે મહેનત કરીને રોજી રળવાની પુરે પુરી સ્વમાનતા તેમનામાં જોવા મળે છે.

આવા સ્થળોએ પણ તેમનો કેટલા દિવસ મુકામ એ કાંઇ નકકી હોતુ નથી. જે વિસ્તારમાં કામ મળે તે વિસ્તારમાં આ લોકો મુકામ કરી લેતા હોય છે. તો વળી પોલીસવાળા કે પાલીકાવાળા તગેડી મુકે ત્યારે ઉચાળા ભરી લેવાની પુરી તૈયારી પણ તેઓએ રાખવી પડે છે.

દિવસના કડીયા કામ, કે રોડ રસ્તાના કામોમાં મજુરી કરવા નિકળી પડે અને સાંજે આવીને ચુલા સળગાવી પેટની તૃષા સંતોષતા હોય છે. તેમ છતા સ્વીકારવું પડે કે તેમનું જીવન ઘણું સતોષી હોય છે. પેટ ભરાય એટલી રોજી મળી રહે એટલે એમને મન વાહ વાહ!

એક નોંધવા જેવી વાત એ પણ લાગી કે આવા ચુલાઓ ઉપર મહિલાઓ કરતા પુરૂષો રસોઇ કરતા વધારે જોવા મળે છે. કેમ કે સહપરિવાર ન હોય અને ફકત પુરૂષ વર્ગ જ મહેનત મજુરી કામે વતન છોડીને અહીં આવ્યા હોય તો તેઓ જાતે જ ચુલા ધમધમાવી રસોઇ બનાવી લ્યે છે.

ચુલામાં બળતળ માટે લાકડાનો કે છાણાનો ઉપયોગ કરાતો હોય છે. ચુલા પણ કેવા? સ્થાયી નહીં કામ ચલાવ હોય છે. ત્રણ મોટા પથ્થર કે ઇંટોને વ્યવસ્થીત ગોઠવી દેવામાં આવે એટલે ચુલો તૈયાર.

હવે આ રીતે ઝુપડુ વારીને આશરો કર્યો હોય ત્યાં વાસણોના ભંડાર તો સાથે ન જ હોય ને! એકાદ તપેલુ કે લોયા જેવુ વાસણ હોય તેમાં રસોઇ થાય છે. રોટલી કે રોટલો ઘડવા માટે લોટ મસળીને તાવડી ઉપર શેકી લેવાય. બસ પછી થાળીની પણ શું જરૂર? હાથમાં જ રોટલો રાખીને કોળીયા ગળે ઉતારી લેવાતા હોય છે.

નશીબમાં હોય તો કયારેક શાકની વ્યવસ્થા થઇ હોય નહી તો ચટણીને રોટલો કે છાસ રોટલો આરોગીને પેટ ભરી લેવાતુ હોય છે. પેટ પુજા પતી જાય એટલે આ ઝુપડા કે ખોલીમાં કે પછી ફુટપાથ ઉપર જ લંબાવી દેવામાં આવે એટલે વહેલી પડે સવાર... ફરી બીજા દિવસે સુરજ ઉગે એટલે કામ ઉપર હાલતા થઇ જવાનું! આવી કઇક દિનચર્યા આ લોકોની હોય છે.

ખાસ કરીને રાજસ્થાન, યુ.પી. બિહારના કે ગુજરાતના જ આદિવાસી વિસ્તારમાંથી રાજકોટ જેવા શહેરોમાં પેટીયુ રળવા આવનારા લોકો આવી અસુવિધાઓ વચ્ચે પણ સંતોષના ઓડકાર લેતા જોવા મળે છે.

'જીના તો હૈ હર હાલમેં, જીતની ભી હો મુશ્કિેલીયા..' એ ગીતની પંકિતઓ અહીં ચરીતાર્થ થતી જવા મળે છે.

-: લેખન :-

મિતેષ આહીર

(9:12 am IST)