Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

કાલે પવનની ગતિ મધ્યમ રહેશે : સવાર કરતાં બપોર બાદ પવનમાં આંશિક વધારો જોવા મળશે

રાજકોટમાં સવારે ૭ કિ.મી. અને સાંજે ૧૨ કિ.મી.ની ઝડપે પવન (કયારેક ઝાટકાના પવનના લીધે ગતિ વધી જાય) ફૂંકાશે : સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ઉત્તર ઉત્તર પૂર્વના પવન રહેશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૩ : હાલમાં ઠંડીમાં રાહત જોવા મળી રહી છે. લઘુતમ તાપમાન નોર્મલ નજીક આવી ગયુ છે અને દિવસનું તાપમાન નોર્મલથી ઉપર થઈ ગયુ છે. જેમ કે રાજકોટ ૧૩.૧ (નોર્મલ ૧૩ ડિગ્રી), કેશોદ ૧૩.૬ (નોર્મલ ૧૧ ડિગ્રી), અમદાવાદ ૧૨ (નોર્મલ ૧૨ ડિગ્રી), અમરેલી ૧૪ (નોર્મલ ૧૧ ડિગ્રી), ભુજ ૧૦.૮ (નોર્મલ ૯ ડિગ્રી) જયારે દિવસનું તાપમાન ૩૦ થી ૩૧ ડિગ્રીએ પહોંચી ગયુ છે હાલ મહત્તમ નોર્મલ તાપમાન ૨૮ થી ૨૯ ડિગ્રી ગણાય.

આવતીકાલે મકરસંક્રાંતિ હોય પવનનું પ્રમાણ કેવુ રહેશે તે જાણવા પતંગપ્રેમીઓ આતુર હોય છે ત્યારે આ અંગે વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવેલ કે સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પવન ઉત્તર અને ઉત્તર પૂર્વના ફૂંકાશે. કચ્છમાં સવારે ઉત્તર, સાંજે ઉત્તર પૂર્વ, ગુજરાતમાં સવારે પૂર્વ પૂર્વના સાંજે ઉત્તર ઉત્તર પૂર્વના ફૂંકાશે. જનરલ પવનની ગતિ મધ્યમ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિ મધ્યમ રહેશે. જેમ કે રાજકોટમાં પવનની ઝડપ ૭ થી ૧૨ કિ.મી.ની અને કયારેક કયારેક ઝાટકાના પવન ફૂંકાય ત્યારે પાંચેક કિલોમીટરનો વધારો થશે. રાજકોટ શહેરમાં સવારે ૭ કિ.મી. અને સાંજે ૧૨ કિ.મી. (ઝાટકાના પવન ફૂંકાય ત્યારે પાંચેક કિ.મી.નો વધારો જોવા મળે.)ની ઝડપે પવન ફૂંકાશે.

જયારે અમદાવાદમાં સવારે ૧૨ થી ૧૭ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ઝાટકાના પવનના લીધે કયારેક પવનની ગતિ ૨૦ થી ૨૫ કિ.મી.એ પહોંચી જશે. બપોર બાદ ૭ થી ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.

(10:53 am IST)