Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

કિસાનપરામાં પાંચ મહિના પહેલા જન્માષ્ટમીની રાતે રજપૂત યુવાન દેવુભા સાકરીયાને સગા બનેવીએ ઝેરવાળો દારૂ પીવડાવી પતાવી દીધાનો ધડાકો

સાળાની હત્યા બાદ સસરાની અઢળક મિલ્કતોનો પોતે વારસદાર બની જશે એવી લાલલ જમાઇ અશ્વિનને જાગતાં તેણે બે મિત્રો સાથે મળી કાવત્રુ પાર પાડ્યાનું ખુલ્યું: ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં વિશેરામાં ઝેર હોવાનો રિપોર્ટ આવ્યા બાદ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્ર્યો

રાજકોટ : પાંચ મહિના પહેલા જન્માષ્ટમીની મોડી રાતે કિસાનપરામાં રહેતાં  ઓમ પંજાબી એન્ડ ચાઇનીઝ નામે વેપાર કરતાં ૨૬ વર્ષિય કારડીયા રજપૂત યુવાન દેવુભા રમેશભાઇ સાકરીયાને તેના બનેવી સહિતના શખ્સો બેભાન હાલતમાં ઘરે મુકી ગયા હતાં. બીજા દિવસે તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો. આ યુવાને વધુ પડતો દારૂ પી લેતાં તેનું મોત થયાનું જે તે વખતે તેના બનેવીએ કહ્યું હતું. પણ પરિવારજનોને મૃત્યુ શંકાસ્પદ જણાતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયુ હતું. તેનો રિપોર્ટ આવતાં ધડાકો થયો છે. દેવુભાનું મોત ઝેરથી થયાનું ખુલતાં એ-ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ખળભળાટ મચાવતી વિગતો સામે આવી હતી. દેવુભાને તેના જ સગા બનેવી અશ્વિન ડોડીયા સહિતે દારૂમાં ઝેર ભેળવી પાઇ દઇ હત્યા કર્યાનું ખુલ્યું છે. દેવુભા તેના પિતાની પુષ્કળ મિલ્કતનો એકમાત્ર વારસદાર હતો, તેના મોત પછી મિલ્કતોનો માલિક પોતે બની જાય તે માટે થઇને બનેવી અશ્વિને સાળાની હત્યા કર્યાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

ઘટનાની વિગતો જોઇએ તો  સાતમ- આઠમના તહેવારો વખતે ૨૪/૮/૧૯ના એટલે કે જન્માષ્ટમીની મોડી રાત્રે કિસાનપરામાં રહેતાં અને કિસાનપરાથી અન્ડરબ્રિજ તરફ જતાં રોડ પર ખોડિયાર વોટર સપ્લાય અને ઓમ પંજાબી-ચાઇનીઝ ફૂડ નામે ધંધો કરતાં કારડીયા રજપૂત યુવાન દેવુભા રમેશભાઇ સાકરીયા (ઉ.૨૬)નું ભેદી રીતે મોત નિપજ્યું હતું. મોડી રાતે ચારેક શખ્સો તેને બેભાન હાલતમાં હોટેલ પાસે મુકીને જતાં રહ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ, પરંતુ ત્યાં તેણે દમ તોડી દીધો હતો. જે તે વખતે મૃતહેદનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરી વિસેરા લઇ ફોરેન્સિક લેબમાં તપાસાર્થે મોકલાયા હતાં. જેનો રિપોર્ટ આવતાં તેમાં દારૂ સાથે ડાયોકલોરવોસ નામના ઓર્ગેનો નોન-થાયો ફોસ્ફરસ નામના રાસાયણિક પ્રકારનું ઝેર હોવાનું સામે આવતાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું.

એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા અને ટીમે હત્યાનો ભોગ બનેલા યુવાન દેવુભા સાકરીયાના પિતા રમેશભાઇ થોભણભાઇ સાકરીયા (કારડીયા રજપૂત) (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી તેના જ સગા જમાઇ અશ્વિન રાઘવજીભાઇ ડોડીયા (રહે. રજપૂતપરા મેઇન રોડ રાજકોટ), તેના મિત્રો નરેશ ઉર્ફ પોલીયો નરસીભાઇ સરવૈયા (રહે. ભવાનીનગર-૨, રામનાથપરા પાસે) તથા અમિત ભીખાભાઇ ગુંદરી (ચોૈહાણ) સામે કાવત્રુ ઘડી હત્યા નિપજાવવાનો અને હત્યાનો ભોગ બનનારના ખિસ્સામાંથી ૯૦ હજારની રોકડ કાઢી લેવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવથી રજપૂત પરિવારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.

(1:18 pm IST)
  • કોંગ્રેસ સાથેના સંબંધો સામાન્ય બનશે કે કેમ એ તો આગામી સમય જ કહેશે: ડીએમકે પાર્ટી વડા એમ. કે. સ્ટાલિન પર ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા આજની કોંગ્રેસના નેતૃત્વ, હેઠળ મળેલ CAA વિરોધી બેઠક માં ડીએમકે પક્ષ હાજર રહેલા નહિ access_time 8:25 pm IST

  • દુબઈ શરજાહ સહિત યુનાઈટેડ આરબ અમીરાતમાં ઠેર ઠેર વરસાદ- કરા રવિવારે પણ પડયા છેઃ સતત ૩ દિવસથી વરસાદી માહોલ છે access_time 12:56 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST