Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

સર્વે જીવ પ્રત્યે કરુણા એજ રાજય સરકારનો અભિગમ:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે પશુ-પક્ષી સારવાર માટે બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ : કરુણા અભિયાન : ડાયલ ‘૧૯૬૨’ દ્વારા મૂંગા પશુ-પક્ષીઓની ખાસ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અપાશે

રાજકોટ:દરેક જીવ પ્રત્યે કરુણા એ જ રાજ્ય સરકારનો અભિગમ હોવાની જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પશુ પક્ષીની સારવાર માટે બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું રાજકોટમાં શ્રી કરુણા ફાઉન્ડેશન દ્વારા (એનીમલ હેલ્પ લાઇન) અને જિલ્લા વહીવટી તંત્ર (કલેકટરશ્રી), જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી વિગેરે દ્વારા ત્રિકોણબાગ ખાતે કરૂણા અભિયાન અંતર્ગત ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે શરૂ કરાયેલ કંન્ટ્રોલ રૂમની શુભેચ્છા મુલાકાત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લીધી હતી. અને પશુ-પક્ષી સારવાર માટે બે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કર્યુ હતું અને દરેક જીવ પ્રત્યે કરૂણા એજ રાજય સરકારનો નિર્ધાર હોવાનું જણાવ્યું હતું

મકરસંક્રાતી પર્વ નિમિતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સર્વ પ્રજાજનોના જીવનમાં સુખ-શાંતી અને પ્રગતીનો સુર્યોદય થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

   મુખ્યમંત્રી રૂપાણીએ ’જીવ ત્યાં શીવ' સુત્ર થકી રાજય સરકાર તમામ જીવ પ્રત્યે સંવેદના અને કરુણાનો ભાવ રાખી સર્વેના કલ્યાણાર્થે  આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું.

 ૧૦૮ ઇમરજન્સી સર્વીસની  જેમ ઘાયલ થયેલા પશુ-પક્ષીઓની સારવાર માટે રાજય સરકાર દ્વારા  કરુણા અભિયાન અંતર્ગત ખાસ ૧૯૬૨ ઇમરજન્સી સર્વીસ શરૂ કરવામાં આવી હોવાનું અને આ અભિયાન થકી અનેક મુગાં પશુ-પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હોવાનું આ તકે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવી કહયું હતું.

ઉતરાણ પર્વ નિમિતી ૭૫૦ થી વધુ સ્થળોએ ઘવાયેલા પક્ષાીઓની સારવાર માટે કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હોવાનું તેમજ રાજકોટ ખાતે સો થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

એનિમલ હેલ્પ લાઇન દ્વારા ત્રિકોણબાગ, કાલાવાડ રોડ, વાવડી, પેડકરોડ, માધાપર ચોકડી, સહીત ૯ સ્થાનોએ ૨૦ નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા પક્ષી  સારવાર કંન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. રાજકોટ જિલ્લામાં ૧૯૬૨ હેલ્પલાઇન ઘવાયેલા પશુઓ માટે કાર્યરત રહેશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષી સંરક્ષણ માટે ગુજરાત સરકારે શ્રેષ્ઠ અભિગમ અપનાવીને તા. ૨૦ જાન્યુઆરી સુધી રાજય વ્યાપી કરુણા અભિયાન ૨૦૧૮ હાથ ધરવામાં આવેલ છે. ઘવાયેલા પક્ષીઓની સારવાર  માટે ૧૦૮ની જેમ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ – હેલ્પલાઇન નંબર ૧૯૬૨ શરૂ કરાયેલ છે. આ અભિયાનમાં રાજય સરકારના વન વિભાગ, પશુપાલન વિભાગ, અન્ય વિભાગો અને સ્વેચ્છિક  સંસ્થાઓ  સહયોગ આપી રહયા છે.

   કરુણા અભિયાન દરમિયાન દરરોજ સવારે ૭ થી સાંજના ૬ કલાક સુધી રાજયના દરેક તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત કરાયેલ છે. ૬૭૫ પશુ દવાખાનાઓમાં ૪૫૩ પશુ ચિકિત્સકો, ૨૩૫૩ સ્વયંસેવકો અને વન વિભાગના ૨૬૧૯ કર્મયોગીઓ ઘાયલ પક્ષીઓની સારવાર માટે તત્પર રહેલ છે. ઘાયલ પક્ષીઓને બચાવવા ૭૬૪ ટીમો અને કપાયેલા પતંગોના દોરા કાઢવા ૫૮૪ ટીમો જોડાયેલ છે.

 આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પશુ-પક્ષીના સારવાર માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપાયેલ એમ્બ્યુલન્સ વાન  તથા સ્વ.મુકતાબેન હરીલાલ મહેતાની તથા ભારતીબેન કિરિટભાઇ શાહના પરીવારે ભોજાણી પરિવાર દ્વારા.૪.૫૦ લાખ ખર્ચની અપાયેલ એમ્બ્યુલન્સ વાહનની લોકાર્પણ વિધિ કરી હતી

  આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી દ્વારા દાતા પરિવારના ભરતભાઇ તથા જગદીશભાઇ ભીમાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

  પ્રારંભમાં  સૌનું સ્વાગત ટ્રસ્ટના અગ્રણી ચંદ્રકાંતભાઇ શેઠે કર્યુ હતું અને જણાવ્યું હતું કે આ વખતે જનજાગૃતિના પરિણામે ઓછા પક્ષીઓને ઇજા થયેલ છે. જીવદયા માટે ૫૧ હજાર સંકલ્પપત્રો ભરાયેલ છે. 

 આ ઉતરાણ દરમિયાન ઇજા પામનાર અને કાયમી ઉડી ન શકનાર પક્ષીઓને ટ્રસ્ટ દ્વારા દતક આપવામાં આવે છે જેના ભાગરૂપે પ્રથમ પક્ષી દતક લેનાર કલેકટર ડો.વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના હસ્તે પક્ષી અર્પણ કરવામાં આવેલ હતું     

  આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્રાજ, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, ગુ’જરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી,મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય ,નાયબ મેયર ડો દર્શીતાબેન શાહ,ધારાસભ્યો ગોંવિંદભાઇ પટેલ,અરવિંદભાઇ રૈયાણી,લાખાભાઇ સાંગઠીયા,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કલેકટર ડો.વિક્રાંત પાંડે, નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા,શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સર્વશ્રી મિતલ ખેતાણી,ધીરૂભાઇ કાનાબાર પ્રતીકભાઇ સાંગાણી,રમેશભાઇ ઠકકર.મયુરભાઇ શાહ,માધવભાઇ દવે, રાજુભાઇ ધૃવ,રામભાઇ મોકરીયા,ઘનશ્યામભાઇ ઠકકર,શહેરના વરિષ્ઠ આગેવાનો, ટ્રસ્ટના હોદેદારો, જુનાગઢની પશુપાલન કોલેજના પ્રિન્સીપાલ ડો.ટાંક, ડો.અરવિંદ ગડારા, શહેર ભાજપના હોદેદારો વગેરે ઉપસ્થિત રહયા હતા.   

(7:57 pm IST)