Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રવિવારથી રેસકોર્ષમાં ભગવદ્દ ગીતા જ્ઞાનયજ્ઞઃ અદ્દભુત શોભાયાત્રા

દાસીજીવણ સત્સંગ મંડળ અને રાજકોટ વૈષ્ણવ સંઘના ઉપક્રમે આયોજનઃ પૂ.દ્વારકેશલાલજી કથાનું રસપાન કરાવશે

રાજકોટ,તા.૧૩: શહેરની વૈષ્ણવ સંસ્થાઓ દાસજીવણ સત્સંગ મંડળ અને રાજકોટ વૈષ્ણવ સંઘના સંયુકત સેવા ઉપક્રમે રવિવાર, તા.૧૫ ડિસેમ્બર થી શનિવાર, તા.૨૧ ડિસેમ્બર- સાત દિવસ સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ''શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞ''નું ભવ્યાતિભવ્ય આયોજન થયું છે. આચાર્યપીઠેથી કડી- અમદાવાદના મર્મજ્ઞ વકતા યુવા વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહોદયશ્રી દરરોજ બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી ભગવદ્દ ગીતાનું સરળ અને સુપાચ્ય રસપાન કરાવશે.

પ્રથમ દિવસે કથાના મંગલ પ્રારંભ પૂર્વે રાજકોટના મુખ્ય જાહેર રાજમાર્ગો પર અતિ

શોભાયમાન વિશાળ શોભાયાત્રા નીકળશે.

આ શોભાયાત્રા શહેરીજનોએ કયારેય નિહાળીન ન હોટ એવી ભવ્ય, અદ્દભુત અને દર્શનીય હશે. આ શોભાયાત્રાની વિગતો આપતા આયોજનના પ્રચાર ઈન્ચાર્જ સરગમ કલબ રાજકોટના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા જણાવે છે કે, મ્યુઝિક બેન્ડ અને નાસિક ઢોલના કર્ણપ્રિય તાલે શહેરમાં ફરનાર આ શોભાયાત્રામાં કેસરી રંગના ગણવેશમાં શોભતી ૩૦૦ ઉપરાંત કળશધારી બહેનો, ઢોલક- મંઝિરાના તાલે ધૂન બોલાવતી શહેરના વિવિધ ધૂનમંડળોની બહેનોના સમુદાયની આગળ બે જીપ બગીઓ, બે ઘોડાગાડી, ૪ ખુલ્લી જીપ, ૧૦૮ મોટર સાયકલ પર કેસરી ખેસધારી યુવાનો, ૨૫૧ વિવિધ પ્રદર્શન કલાકારો, જેમાં ૬૦ મુંબઈના, ૨૨ કેરાળા રાજયના, ૧૧૦ વડોદરા અને ૪૦ નેશનલ એવોર્ડ વિજેતા ચેતનભાઈ ગઢવીના કલાકારોની સામેલગીરી હશે. શોભાયાત્રામાં હાથી અને ઘોડેસવારીના દ્રશ્યો શોભાયાત્રાનું આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત ભગવદ્દ ગીતાની ઝાંખી કરાવતો તથા મહાભારત યુધ્ધના સંપૂર્ણ દર્શન કરાવતા વિશાળ ફલોટસ શહેરીજનો માટે દર્શનીય બની રહેશે.

ગુણવંતભાઈ ડેલાવાળાએ આપેલ માહિતી મુજબ ગીતા જ્ઞાનયજ્ઞના સાત દિવસે દરમ્યાન રાજયના વિવિધ શહેરોના વૈષ્ણવ ધર્મ સંસ્થાનોના વંદનીય આચાર્યો હાજરી આપશે. કથાના પ્રથમ દિવસ ૧૫, ડિસેમ્બરે કડી- અમદાવાદના પૂ.જયદેવ લાલજી મહોદય શ્રી અને રાજકોટના રૂષિરજી મહોદયથી, દ્વિતીય દિન ૧૬, ડિસેમ્બરે અમરેલીના પૂ.દ્વારકેશલાલજી મહોદયથી અને અમદાવાદના પૂ.અભિષેક મહોદયથી, તૃતિયદિન તા.૧૭ ડિસેમ્બરે અમદાવાદના પૂ.કૃષ્ણકુમાર મહોદયથી, ચતુર્થદિન તા.૧૮ ડિસેમ્બરે પોરબંદરના પૂ.શૈલેષકુમાર મહારાજશ્રી, રાજકોટના અભિષેક મહારાજશ્રી તથા પોરબંદરના પૂ.વસંતકુમાર મહારાજથી, છઠ્ઠા દિવસ ૨૦ ડિસેમ્બરે રાજકોટના પૂ.વ્રજેશકુમારજી મહોદયશ્રી અને સાતમા દિવસે, તા.૨૧ ડિસેમ્બરે કડી- અમદાવાદના પૂ.યદુનાથ મહોદયશ્રી કથામંડપમાં પધરામણી કરીને કથા શ્રવણ કરશે. વૈષ્ણવ શ્રોતાઓને તેઓના દર્શનનો લાભ મળશે.

રાજકોટમાં પ્રથમ વખત યોજાનાર ''શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞ''નો સર્વાંગી સફળ અને પ્રજાભિમુખ કરવા ભવ્ય આયોજનના સારથિઓ રમેશભાઈ ધડુક, નૈમિષભાઈ ધડુક, ગુણવંતભાઈ ડેલાવાળા, વિઠ્ઠલભાઈ ધડુક, અરવિંદભાઈ ગજજર, અલ્પેશભાઈ ખંભાયતા, સુર્યકાન્તભાઈ વડગામા, પોપટભાઈ ભાલારાના માર્ગદર્શન હેઠળ વિવિધ વ્યવસ્થાપક સમિતિઓમાં ૫૦૦ ઉપરાંત વૈષ્ણવ સેવકો સેવાઓ આપી રહ્યા છે.

આ પ્રેરણાદાયી જ્ઞાનયજ્ઞનું ટીવીની લક્ષ્ય અને આસ્થા- ભજના ચેનલ ઉપરથી લાઈવ ટેલીકાસ્ટ- જીવંત પ્રસારણ થશે. ભારત સહિત વિશ્વના અનેક દેશોના લાખો દર્શક- શ્રોતાઓ ભગવદ્દ ગીતા જ્ઞાનયજ્ઞનો ઘરે બેઠાં લાભ લઈ શકશે. આ આયોજન સંબંધી માહિતી માટે અરવિંદભાઈ ગજજર મો.૯૪૨૭૨ ૦૭૧૨૧, પોપટભાઈ ભાલારા મો.૯૮૨૫૦ ૭૯૦૬૯ તથા સૂર્યકાન્તભાઈ વડગામા મો.૯૪૨૬૮ ૧૯૮૩૪નો સંપર્ક કરવા કથા આયોજકોની યાદીમાં જણાવાયું છે

શ્રી કૃષ્ણની બાળલીલાના દ્રશ્યો નિહાળી ભાવિકો આનંદમય બનશે

સાબરમતી આશ્રમના ચરખાના દ્રશ્યો પણ નિહાળવા મળશે

રાજકોટઃ કથામંડપ સમીપ વિશાળ ડોમ પરિસરમાં યોજાનાર વિવિધ દર્શનીય પ્રદર્શનીયઓની વિસ્તૃત વિગતોમાં જણાવાયું છે  કે ''ભગવાન શ્રી કૃષ્ણની ચરણરજ આજે પણ જયાં વિદ્યમાન છે. એવી પવિત્ર અને પુણ્યશાળી ભૂમી વ્રજની આબેહૂબ ઝાંખી કરાવતી પ્રદર્શનીમાં જતીપુરા, ગિરીરાજજીની પરિકમાનો માર્ગ, યમુનાજીના લાઈવ દર્શન, બરસાના, રાધામંદિર, નિધિવન, બાંકે બિહારી મંદિર, મથુરા, શ્રી કૃષ્ણની જન્મભૂમિ ગોકુલમાં નંદરાયજીનો મહેલ, બાળલીલા અને ગૌચરલીલાના દ્રશ્યો જોઈને ભાવિકો આનંદિત થશે. આ ઉપરાંત મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિના પરિપ્રેક્ષ્યમાં તેમના જીવંત જીવન ચરિત્રના દ્રશ્યો, સાઉથ આફ્રિકા, દાંડીયાત્રા અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ચરખા સહિતના દ્રશ્યો ગાંધીજીની યાદગીરીને તાજી કરશે. આ જ્ઞાનવર્ધક પ્રદર્શન નિહાળવાનો સમય સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધીનો રહેશે. જીજ્ઞાષુ પ્રેક્ષકો કતારબધ્ધ સંપૂર્ણ પ્રદર્શનનું દર્શન કરી શકાશે''

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા

વિશ્વભરમાં ભારતીય માનવ સંસ્કૃતિની ધજા ફરકાવતો અદ્દભુત અને અવિનાશી મહાધર્મગ્રંથ

મહાભારતના યુધ્ધના મેદાનમાં શ્રીકૃષ્ણ- અર્જુન સંવાદરૂપે વેદવ્યાસ ઋષિએ શ્લોકબધ્ધ કરેલી ગીતા ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખ કહેવાયેલી પવિત્ર અને પ્રેરક વાણી છે. પાંચ હજાર વર્ષ પૂર્વે કહેવાયેલું આ બ્રહ્મજ્ઞાન દરેક શતાબ્દિમાં ગીતા તરીકે જ ઓળખાતું આવ્યું છે. વિશ્વના તમામ ધર્મ સંપ્રદાયોએ  ગીતાની મહત્તા ગાઈ છે, ગીતાના બ્રહ્મજ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્તિ થતી હોવાનું દરેકે સ્વીકાર્યું છે. જગતની ૧૪૦૦ જેટલી જુદી જુદી ભાષાઓમાં આ મૂલ્યવાન ગ્રંથનો અનુવાદ થઈ ચૂકયો છે. ગીતા કોઈ સંપ્રદાયનો ગ્રંથનથી પણ ભૂતળ ઉપરના હરકોઈ માનવીને નિર્મળ જીવનની પ્રેરણા આપતો દરેક દેશકાએ જીવંત ધર્મગ્રંથ છે. ગીતાજીના શ્રધ્ધાપૂર્વક વાચન, શ્રવણ અને આચરણથી કર્મના બંધનોમાંથી છૂટકારો મળે છે. મહાભારતના યુધ્ધની ભૂમિ ઉપર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનનને કહે છે, હે ધનંજય ! ''મરણ વખતે મારૃં સ્મરણ કરતાં કરતાં જે મનુષ્ય શરીર છોડી જાય છે તે મારા સ્વરૂપે પામે છે...'' હે પાર્થ! સત્પુરૂષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું.

''સર્વ વ્યાપક, નિયામક પરમાત્મા છે અને તેની અંશ શકિતરૂપે જીવાત્મા છે તથા તેની ક્રિયા શકિતરૂપે પ્રકૃતિ છે, આમ પરમાત્મા, જીવાત્મા અને પ્રકૃતિ ત્રણે અનાદિ તત્વો છે'' એવો નિર્ણય સ્પષ્ટતાથી કહેનારૃં તથા પ્રાપ્ત કાર્યો રહેવું અને કર્મના બંધનો થાય નહિ એવી સરળ સાધના સમજવનારું તથા મનુષ્યના કલ્યાણ માટે વ્યવહારિક અને આધ્યત્મિક સમજણનો રાજમાર્ગ બતાવનારૃં ગીતાજ્ઞાન આપીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે એવા જગદ્ગુરૂ યોગેશ્વર શ્રીકૃષ્ણને વારંવાર વંદન કરીએ.

(3:48 pm IST)