Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

મંદીના માહોલને દૂર કરવા BOIની અનોખી પહેલ : લોન આપવા 'હર ઘર દસ્તક' અભિયાન

ઉદ્યોગ, કૃષિ સેકટરથી લઇને ગૃહ, કાર સહિતની લોનની આકર્ષક યોજનાઓ : રાજકોટમાં સ્ટાર મહોત્સવ યોજાયો : ર૦૦ કરોડની લોનની મંજુરી અને વિતરણ : પત્રકારોને માહિતી આપતા બેંકના જનરલ મેનેજર પી.કે. સિંહા

બેંક ઓફ ઇન્ડીયાના જનરલ મેનેજર (મુંબઇ) પી.કે. સિંહાએ પત્રકારોને સંબોધન કર્યું હતું તે સમયની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૩ : દેશમાં પ્રવર્તતા મંદીના માહોલને દૂર કરવા ભારત સરકારના નિર્દેશથી સરકારી બેંક એવી બેંક ઓફ ઇન્ડીયાએ એક અનોખી પહેલ 'હર ઘર દસ્તક' અભિયાન ચલાવી સમાજના વિવિધ સેકટર અને વર્ગને આકર્ષક લોન આપવાનું અભિયાન શરૂ કર્યું છે જે અંતર્ગત આજે અહીં 'સ્ટાર મહોત્સવ' યોજી રૂ. ર૦૦ કરોડની લોનની મંજુરી તથા લાભાર્થીઓને તેનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું બેંકના જનરલ મેનેજર પી.કે. સિંહાએ પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, 'હર ઘર દસ્તક' અભિયાન હેઠળ લોન આપવાનો કાર્યક્રમ ૧ મહિનો ચાલશે જે હેઠળ કૃષિ, ઉદ્યોગ, ગૃહ, કાર સહિતની લોનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અમિભયાન થકી લોકોની-સમાજની જરૂરીયાતો પૂરી કરવાનો છે. આ અભિયાન થકી પ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી તરફ આગળ વધવા અન મંદીના માહોલને દૂર કરવાનો છે. આ માટે બેંક પોતાનું યોગદાન આપી રહેલ છે.

જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક, બેંક ઓફ ઇન્ડીયા દ્વારા સૌરાષ્ટ્રની જનતાને વિવિધ લોન ઉત્પાદનોના વિતરણ માટે 'હર ઘર દસ્તક' નામની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને આજે તા. ૧૩મી ડીસેમ્બર, ર૦૧૯ના રોજ 'સ્ટાર મહોત્સવ-હર ઘર દસ્તક' કાર્યક્રમનું આયોજન રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન હોલ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.

બેંક ઓફ ઇન્ડિયાની હેડ ઓફીસ, મુંબઇથી જનરલ મેનેજરશ્રી પી.કે. સિંહા તથા રાજકોટના ઝોનલ મેનેજર શ્રી મનોજ કુમાર, ડે. ઝોનલ મેનેજર શ્રી તુષાર હાટે અને ડે. ઝોનલ મેનેજર (રિકવરી) શ્રી રાજેશ કુમાર એ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જનરલ મેનેજરશ્રી પી.કે. સિંહા દ્વારા સમાજના વિવિધ વર્ગના લોન લાભાર્થીઓને લોન મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રૂ. ર૦૦ કરોડ જેવી રકમની લોનની મંજૂરી અને વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ ગ્રાહકોને આર્થિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેતી ક્ષેત્ર અને ખેડુતોની આવક, બધા માટે મકાન, મહિલા સશકિતકરણ, એમએસએમઇ વૃદ્ધિ અને સમર્થન, નિકાસ માટે ધિરાણ, મુદ્રા અને સ્ટેન્ડ અપ ઇન્ડીયા યોજના દ્વારા ધિરાણ સહાય, ભારતમાં બેન્કીંગના ડિજિટલાઇઝેશન માટે, આપણા સૌરાષ્ટ્ર ક્ષેત્રની પ્રાથમિકતાની ગોઠવણીમાં બેન્કીંગ દ્વારા જીવન સરળતા વધારવા બેંક ઓફ ઇન્ડિયાની વિશિષ્ટ ભૂમિકા અને સિદ્ધિ વિશે ગ્રાહકોને સંબોધન કર્યું હતું.

(3:42 pm IST)