Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

આજી રિવરફ્રન્ટ પ્રોજેકટમાં ભગવતીપરા ઝુંપડપટ્ટી સ્થળાંતરની મડાગાંઠઃ ધારાસભ્ય પાસે ટોળુ દોડયું

કોર્પોરેશને ભૂર્ગભ ગટરની પાઇપલાઇન નાખવા માટે ઝુંપડપટ્ટીનો સર્વે હાથ ધરતા ટોળેટોળાઃ કામગીરી અટકાવાઇઃ ઝુંપડાના બદલામાં ફલેટની માંગણી

ઝુંપડાના બદલામાં ફલેટ આપોઃ રાજકોટઃ આજી નદીમાં રીવરફ્રન્ટ બનાવવા માટે જરૂરી ભુગર્ભ ગટરની મુખ્ય પાઇપ લાઇન નાખવામાં નડતરરૂપ નદી કાંઠે આવેલ ભગવતીપરા ઝુંપડપટ્ટીના સ્થળાંતર માટે આજે કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે સર્વે શરૂ કરતા આ ઝુંપડપટ્ટીના રહેવાસીઓનું ટોળુ ભાજપના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ઓફીસે દોડી ગયું હતું તે વખતની તસ્વીર. રહેવાસીઓએ તંત્ર દ્વારા તેઓને ઝુંપડાના બદલામાં આવાસ યોજનામાં ફલેટ આપવા માંગ ઉઠાવી હતી.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૩: શહેરના મહત્વકાંક્ષી પ્રોજેકટ એવા આજી રીવરફ્રન્ટમાં નદીના શુધ્ધિકરણ માટે અત્યંત જરૂરી એવી ભુગર્ભ ગટરની ઇન્ટરસેફટીંગ પાઇપ લાઇન નાખવા માટે નદીના કાંઠે આવેલ ભગવતીપરા વિસ્તારની કાચા-પાકા મકાનોની ઝુંપડપટ્ટીનું સ્થળાંતર જરૂરી છે. આથી કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે આજે સવારે આ ઝુંપડપટ્ટીનો સર્વે હાથ ધર્યો તે વખતે રહેવાસીઓના ટોળાએ કામગીરી રોકાવી અને આ બાબતે ભાજપના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ઓફીસે દોડી જઇ અને ઝુંપડાવાસીઓને તેઓના ઝુેંપડાના બદલામાં ઝુંપડાવાસીઓ કહે તેટલી સંખ્યામાં  આવાસ યોજનાના ફલેટ આપવા માંગ ઉઠાવી હતી.

આ બાબતે કોર્પોરેશનના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજી રીવરફ્રન્ટ માટે નાખવામાં આવનાર ભુગર્ભ ગટરની ઇન્ટરસેફટીગ પાઇપ લાઇનના પ્રોજેકટમાં નડતરરૂપ એવી નદીના કાંઠામાં આવેલી ભગવતીપરા વિસ્તારને લાગુ ઝુંપડપટ્ટીનું ડિમોલીશન કરી અને તેના ડીમોલીશન અસરગ્રસ્તોને કોર્પોરેશનની પાકા ફલેટની આવાસ યોજનામાં મકાન આપી સ્થળાંતર કરવા માટે આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓ દ્વારા આ ઝુંપડપટ્ટીમાં  કેટલા મકાનોનું ડીમોલીશન કરવું પડશે તેનો સર્વે અને ડીમારકેશન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

પરંતુ આ કાર્યવાહી શરૂ થતા જ સ્થાનીક  ઝુંપડાવાસીઓનું ટોળુ એકત્રીત થઇ ગયું હતું અને સર્વેનું કામ રોકાવી રહેવાસીઓનું ટોળુ સીધુ જ સામા કાંઠે આવેલ ભાજપના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ઓફીસે  દોડી ગયેલ. જયાં શ્રી રૈયાણીને રહેવાસીઓએ  એવી રજુઆત કરી હતી કે તેઓની ઝુંપડપટ્ટીનું ડીમોલીશન થયા બાદ તેમાં મકાન ગુમાવનાર કોઇ પણ વ્યકિતને અન્યાય થાય નહિ અને તમામને આવાસ યોજનામાં ફલેટ મળે તે માટે પારદર્શક અને કોઇ જ ગેરરીતી વગર ઝુંપડાવાસીઓની સહમતીથી પાકા ફલેટ આપવામાં આવે તે પ્રકારે સર્વેની કામગીરી હાથ ધરી.

આ રજુઆતના પ્રત્યુતરમાં શ્રી રૈયાણીએ  ઝુંપડાવાસીઓને ખાત્રી આપી હતી કે બે દિવસમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાવી અને કોઇ પણ ઝુંપડાવાસી ફલેટ વગરનો  રહી ન જાય તે પ્રકારે કાર્યવાહી કરવા યોગ્ય કરાશે.

(3:19 pm IST)