Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રાજકોટ-ગોંડલ હાઈવે પર ડુંગળી વેરાતાં લોકોએ મચાવી લૂંટફાટ

-યાર્ડમાં ડુંગળી વેચવા જતા ખેડૂતના ટ્રેકટરમાંથી બોરી તૂટતાં ડુંગળી ભોજપરાના પાટિયા પાસે ઢોળાઈ ગઈ

રાજકોટ-ગોંડલ હાઇવે પર ડુંગળી ભરીને પસાર થઈ રહેલા એક ટ્રેકટરમાંથી કેટલીક બોરીઓ નીચે પડી જતાં રસ્તા પરથી પસાર થતા લોકોએ ડુંગળી માટે રીતસરની લૂંટ  મચાવી હતી. નેશનલ હાઈવે પર પૂરઝડપે પસાર થઈ રહેલા વાહનોની વચ્ચે લોકોએ જીવની પરવા કર્યા વગર મોંઘેરી ડુંગળીને મફતમાં લઈ લેવા માટે તુટી પડ્યા હતા.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં ડુંગળીની ભારે અછત છે અને દેશભરમાં ડુંગળી અત્યારે રૂ.80થી રૂ.100ની એક કિલોના ભાવે વેચાઈ રહી છે. દેશના કટેલાક રાજ્યોમાં ડુંગળીનો પાક નિષ્ફળ જવાના કારણે ડુંગળીની તંગી સર્જાયેલી છે.

આ અંગે મળતી વિગત મુજબ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જઈ રહેલા ખેડૂતના ટ્રેક્ટરમાંથી બોરી તૂટી જતાં રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામના પાટીયા પાસે ડુંગળી વેરાઈ ગઈ હતી. ટ્રેકટરમાંથી ડુંગળી નીચે પડતાં જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેમ લોકો મોંઘાએ મોલની ડુંગળી લઈ લેવા રીતસરની લૂંટ મચાવી હતી.

હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પણ બે ઘડી માટે તો અવાચક રહી ગયા હતા અને સડક પર ડુંગળીની લૂંટ મચાવી રહેલા લોકો સાથે વાહન ન અથડાઈ જાય તે માટે તેમને બ્રેક મારવી પડી હતી. યુવાનોની સાથે-સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી.

(12:28 am IST)