Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

જિલ્લા પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત નહિ તો બજેટ નામંજુર કરાવવાનો ખેલ

પંચાયતની રાજકીય દિશા અને દશા નક્કી કરવામાં જસદણનું પરિણામ અસરકર્તા : બજેટ નામંજુર કરાવવા સાદી બહુમતી જરૂરીઃ બે વખત બજેટ નામંજુર થાય તો પંચાયત સુપરસીડનો રસ્તો સાફ

રાજકોટ, તા. ૧૩ :. જિલ્લા પંચાયતના રાજકારણમાં હાલ જસદણની પેટાચૂંટણીના કારણે ટાઢોડુ છે. તા. ૨૩મીએ જસદણનું પરિણામ આવી જાય પછી સખળડખળ થવાની સંભાવના છે. જસદણનો જનાદેશ પંચાયતના રાજકીય ભાવિ પર નોંધપાત્ર અસર થશે. કોંગ્રેસ જીતે તો પંચાયતના બાગીઓ અને ભાજપને ફટકો લાગશે પણ ભાજપ જીતે તો પંચાયતમાં નવાજૂની કરવા માટે નવેસરથી પ્રયાસ થઈ શકે છે. પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તમાં સફળતા ન મળે તો ફેબ્રુઆરીમાં સાદી બહુમતીથી બજેટ નામંજુર કરાવી પંચાયત સુપરસીડનો માર્ગ વધુ મોકળો કરવાની ભાજપે તૈયારી રાખ્યાનું જાણવા મળે છે.

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં ભાજપ પ્રેરિત બાગીઓનું રાજ છે. ભાજપની જ સરકારે બિનખેતીની સત્તા પાછી ખેંચી લેતા એકરના હિસાબે ગવાયેલો કારોબારીનો મહિમા ઘટી ગયો છે. કારોબારીના માધ્યમથી સભ્યો ખેંચવાના દિવસો પૂરા થઈ ગયા છે છતા બજેટની બાબતમાં કારોબારીની ભૂમિકા રહે છે. બજેટ પહેલા કારોબારીમાં મંજુર થાય છે પછી સામાન્ય સભામાં આવે છે. સામાન્ય સભાએ તા. ૩૧ માર્ચ સુધીમાં બજેટ મંજુર કરવુ ફરજીયાત છે.

આ વખતે લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને અનુલક્ષીને બજેટ બેઠક ફેબ્રુઆરીમાં જ મળે તેવી સંભાવના છે. બજેટ સર્વાનુમતે અથવા હાજર પૈકી સાદી બહુમતીથી મંજુર કરી શકાય છે. જિલ્લા પંચાયતમાં ૩૬ સભ્યો ચૂંટાયેલા છે. પ્રમુખ, ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવા માટે ઓછામાં ઓછા ૨૪ સભ્યોનું સમર્થન જરૂરી છે. બજેટ મંજુર કરવામાં માત્ર સાદી બહુમતીની જરૂર છે. તમામ સભ્યો સામાન્ય સભામાં હાજર હોય તો ૧૯ કે તેથી  વધુ સભ્યોના ટેકાથી બજેટ મંજુર કે નામંજુર કરી શકાય છે. કોંગ્રેસમાંથી આવેલા ૮ સભ્યો અને ભાજપના ચૂંટાયેલા ૨ સભ્યો મળી કુલ ૧૦ સભ્યો ખૂલ્લેઆમ કોંગ્રેસની સામે છે. બાકીના બાગીઓ અને અસંતુષ્ટો મળીને ૧૯ સભ્યો થઈ જવા બાબતે ભાજપ આશાવાદી છે. એક વખત બજેટ નામંજુર થાય તો વિકાસ કમિશનર બીજી વખત તક આપી શકે છે. બીજી વખત પણ બજેટ નામંજુર થાય તો પંચાયત સુપરસીડ તરફ જાય છે. બાકીની મુદત માટે નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી વહીવટદાર શાસન આવી શકે. રાજકીય ઉથલપાથલ વખતે અન્ય સમીકરણ પણ સંભવ છે.

મુખ્યમંત્રી જાહેરમાં પંચાયત તોડવાના મતલબનું જે બોલ્યા તે ફોગટ ન જાય તે માટે ભાજપ પંચાયતના સુકાનીઓ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા માંગે છે. બદલાયેલા સંજોગોમાં તે શકય ન બને તો બજેટ નામંજુર કરાવી નવાજૂની સર્જવા સુધીની તૈયારી હોવાનું જાણવા મળે છે.

(4:09 pm IST)