Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો પુસ્તક મેળો યોજાશે

ટોચના ૩૦૦ પ્રકાશનોના સ્ટોલઃ પુસ્તકોના ભંડારમાં લાખો વાંચકો ઉમટી પડશેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશેઃ સૌરાષ્ટ્રભરની શાળા-કોલેજો ભાગ લેશેઃ યુનિવર્સિટી ખાતે બેઠક મળી

રાજકોટ, તા., ૧૩: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનેકવિધ શૈક્ષણીક અને સામાજીક કાર્યો અવિરત થઇ રહયા છે ત્યારે લોકોમાં વાંચનની રૂચી વધુ વિકસે તે માટે ઐતિહાસિક રાષ્ટ્રીય કક્ષાના પુસ્તક મેળાનું આયોજન થઇ રહયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે આગામી ૯ ફેબ્રુઆરીથી પ દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો પુસ્તક મેળો યોજાશે. જેમાં દેશભરના ટોચના અને જેનું સૌથી વધુ પુસ્તકોનું વેચાણ થયું છે તેવા ૩૦૦ થી વધુ પ્રકાશકોના સ્ટોલ ભાગ લેશે. રાષ્ટ્રીય કક્ષાના પુસ્તક મેળા માટે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનનો પણ સહકાર મળી રહયો છે.

રાજકોટના આંગણે યોજાનાર આ ઐતિહાસિક પુસ્તક મેળામાં સાહિત્ય, મેડીકલ, આર્થિક, સામાજીક, યાત્રા-પ્રવાસ, દેશ-વિદેશના સફળ પુરૂષોની જીવન ગાથા વર્ણવતા પુસ્તકો, સંશોધન પત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાને અનુરૂપ પુસ્તકો સહિતના વૈવિધ્યસભર શ્રેણીબધ્ધ વાંચન સામગ્રી ઉપલબ્ધ રહેશે. આ પુસ્તક મેળામાં દેશની નામાંકીત પ્રતીભા અને સારા વકતા ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનાર આ પુસ્તક મેળાના આયોજન માટે ખાસ બેઠક મળી હતી. જેમાં વિવિધ કમીટી બનાવી અને લાખ્ખો પુસ્તકપ્રેમીઓ આ પુસ્તક મેળામાં  મુલાકાત લ્યે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની એક કમીટી બનાવવામાં આવી રહી છે.

(4:03 pm IST)