Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રાજકોટમાં સોમવારે ૨૦૦૦ બાળકો 'સ્વચ્છતા સાંકળ' સર્જશે

બોર્ઘી ઈન્ડિયા અને વિલ ઈન્ડિયા ચેન્જ ફાઉન્ડેશન ઈતિહાસ રચશે : ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાશે : ૮૦થી વધુ શાળાના બાળકો સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમમાં જોડાશે : અપના રાજકોટ... અપના રાજકોટ... ગીત પણ અર્પણ કરાશે : બાલભવનમાં તૈયારી

રાજકોટ, તા. ૧૩ : સાવરણી કે સાવરણા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. પરંતુ બ્રશ પણ સાફસફાઈ કરવા માટે એટલુ જ ઉપયોગી છે. રાજકોટ શહેરમાં આગામી સોમવારે એક રેકોર્ડ થવા જઈ રહ્યો છે. શાળાના બે હજાર બાળકો 'સ્વચ્છતા સાંકળ' રચનાર છે. ૮૦થી વધુ શાળાના બાળકો આ કાર્યક્રમમાં જોડાનાર છે. આ સાથે સ્વચ્છતા વિશેનું એક ગીત પણ લોન્ચ કરવામાં આવનાર છે.

બોર્ઘી ઈન્ડિયા અને વીલ ઈન્ડિયા ચેન્જ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજીત થનાર છે. આગામી ૧૭મીના સોમવારે સવારે ૯ થી ૯:૩૦ દરમિયાન ૧૫૦૦ થી ૨૦૦૦ બાળકો બાલભવનના પટાંગણમાં બ્રશ જેવા આકારની આકૃતિ બનાવી માનવસાંકળ રચશે. આ કાર્યમાં શહેરની ૮૦થી વધુ શાળાના બાળકો ભાગ લેનાર છે. આ માનવ સાંકળનું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાશે.

આ કાર્યક્રમની સાથોસાથ રાજેશ દ્વિવેદી દ્વારા ગાયેલું ગીત 'અપના રાજકોટ... અપના રાજકોટ....' લોન્ચ કરવામાં આવશે. જે રાજકોટ શહેરની જનતાને સ્વચ્છતા પ્રેરવાની સાથે અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાની, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર વિ. ઉપસ્થિત રહેશે.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત આવતીકાલે ૧૪મીના શુક્રવારે શહેરની વિવિધ શાળાઓમાં ડ્રોઈંગ અને નિબંધ સ્પર્ધા યોજાશે. જેમાંથી વિજેતા થયેલ બાળકોને પ્રમાણપત્ર ઈનામોથી નવાજવામાં આવશે.

૧૭મીના બાલભવનમાં હજારો બાળકો બ્રશ જેવી આકૃતિનું માનવસાંકળ રચી ઈતિહાસ રચશે. વધુને વધુ બાળકોને જોડાવવા આહવાન કરાયું છે.

તસ્વીરમાં ''અકિલા''ના એકિઝકયુટીવ એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા સાથે ચર્ચા કરી રહેલા વીલ ઈન્ડિયા ચેન્જ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ શ્રી બિશ્વદીપરોય ચૌધરી દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)