Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

એઇમ્સની ટીમ રાજકોટમાં: પરાપીપળિયા-ખિરસરામાં સર્વે

એઇમ્સનાં પ્રતિનિધિઓ સાથે ગાંધીનગરથી પૂનમચંદ તથા રાજકોટના ઓમપ્રકાશ જોડાયાઃ ભૌગોલીક પરિસ્થિતિઓનો ઉંડો સર્વે શરૂ

રાજકોટ, તા., ૧૩: શહેરમાં આંતર રાષ્ટ્રીય કક્ષાની એઇમ્સ હોસ્પીટલ આપવા માટે છેલ્લા બે વર્ષથી રાજકોટવાસીઓ ઝઝુમી રહયા છે અને આ બાબતે રાજય સરકારને રાજકોટમાં એઇમ્સ માટે પરા પીપળીયા અને ખીરસરાની જમીન યોગ્ય હોવાની દરખાસ્ત પણ મોકલી દીધી છે. જે અન્વયે આજે એઇમ્સની ટીમ રાજકોટમાં આવી છે અને આ બાબતનો સર્વે શરૂ કરી દીધો છે.

આ અંગે કલેકટર કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટને એઇમ્સની સુવિધા મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કમ્મર કસી છે આથી રાજકોટ કલેકટરે શહેરની ભાગોળે આવેલ પરા પીપળીયાને  ખીરસરા ખાતે એઇમ્સ માટે વિશાળ જમીન ઉપલબ્ધ બની શકે તેમ હોવાની દરખાસ્ત પણ રાજય સરકારને મોકલી આપી હતી.

આ દરખાસ્તના અનુસંધાને આજે કેન્દ્રમાંથી એઇમ્સની ટીમના પ્રતિનિધિઓ રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓની સાથે ગાંધીનગરના અધિકારી પૂનમચંદ તથા રાજકોટના ઓમપ્રકાશ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને આ ટીમે પરા પીપળીયા તથા ખીરસરાની રૂબરૂ સ્થળ મુલાકાત લઇ એઇમ્સ જે સ્થળે બનાવી શકાય તે જમીનની ભૌગોલીક સ્થિતિ, આસપાસના ટેકેરાળ વિસ્તારો, હાઇવે, તળાવ, ઓવરબ્રીજ, અંડરબ્રીજ વગેરે તમામ પરિસ્થિતિનો ઉંડાણપુર્વક અભ્યાસ કયો હતો. આમ એઇમ્સની ટીમ ની મુલાકાત અને આ સર્ર્વેથી રાજકોટને એઇમ્સની સુવિધા મળે તેવી આશા પ્રબળ બની છે.

(3:57 pm IST)