Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મોટા મવા પાસે સંજય પરમારને બેનીયા દેવીપૂજકે પાઇપના ઘા ફટકાર્યાઃ રોકડ લૂંટી લીધાનો આક્ષેપ

સંજય પર હુમલો થતાં ભાઇ રવિ પરમારને મદદ માટે બોલાવતાં તેના ઉપર પણ ધારીયાથી હુમલો થયો

રાજકોટ તા. ૧૩: મોટા મવા લક્ષ્મીના ઢોળે રહેતાં રિક્ષાચાલક સંજય શાંતિલાલ પરમાર (ઉ.૨૭) નામના વણકર યુવાન પર રાત્રીના દસેક વાગ્યે મોટા મવા કર્ણાવતી પાર્ટી પ્લોટ નજીક બેનીયા દેવીપૂજક નામના શખ્સે પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. સંજયએ એવો આક્ષેપ કર્યો છે કે પોતાના પર હુમલો કરી રૂ. દસ હજારની રોકડ લૂંટી લેવામાં આવી હતી.

સંજય સિવિલમાં દાખલ થયા બાદ તેનો ભાઇ રવિ શાંતિલાલ પરમાર (ઉ.૨૪) પણ પોતાના પર બેનીયા અને તેના દિકરાએ ધારીયાથી હુમલો કર્યાની રાવ સાથે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. સંજયના કહેવા મુજબ પોતે રિક્ષા લઇને નીકળ્યો ત્યારે બેનીયો સહિતના શખ્સો દારૂ પી રસ્તા વચ્ચે ઝઘડો કરતાં હોઇ પોતે વચ્ચેથી પસાર થતાં બેનીયો ઉશ્કેરાઇ ગયો હતો અને હુમલો કરી રોકડ પડાવી લીધી હતી. મદદ માટે પોતાના ભાઇ રવિને બોલાવતાં બેનીયાએ તેના દિકરા સાથે મળી રવિને પણ ધારીયાથી ઘાયલ કર્યો હતો. તાલુકા પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી છે.

દૂધ સાગર રોડના ભરત પર ચુનારાવાડમાં હુમલો

બીજા બનાવમાં દૂધ સાગર રોડ ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં ભરત બટુકભાઇ ધામેચા (કોળી) (ઉ.૩૬) નામના પાનના ધંધાર્થી યુવાન પર સાંજે ચુનારાવાડ ચોકમાં હતો ત્યારે સંજય કોળી, મુન્નો કોળી અને એક મહિલાએ ડખ્ખો કરી છરી-ધોકાથી હુમલો કરતાં સિવિલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૫)

(12:07 pm IST)