Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ભગવતીપરા પુલ નીચેથી મળેલી હિન્દીભાષી સગર્ભાની ૧૦૮માં ડિલીવરીઃ પુત્રને જન્મ આપ્યો

પ્રસુતિની પીડા સાથે કણસતી હતી ત્યારે કોઇએ ૧૦૮ને જાણ કરીઃ હોસ્પિટલે પહોંચે એ પહેલા જ ડિલીવરી થઇઃ માનસિક અસ્વસ્થ જેવી લાગતી મહિલા સગર્ભા કઇ રીતે થઇ તે અંગે રહસ્ય : મહિલા પોતે ઝારખંડની હોવાનું અને પોતાનું નામ કલ્પના આવાસી હોવાનું કહે છેઃ સાથે ચારેક વર્ષની બાળકી પણ છે

રાજકોટ તા. ૧૩: શહેરના પારેવડી ચોક નજીક ભગવતીપરાના પુલ નીચે એક સગર્ભા મહિલા પ્રસુતિની પીડા સાથે કણસતી હતી ત્યારે કોઇ જાગૃત નાગરિકે ૧૦૮ને ફોન કરતાં ઇએમટી ધર્મેશભાઇ બારૈયા તથા પાઇલોટ હિતેષ સોલંકી પહોંચી ગયા હતાં અને તાકીદે આ સગર્ભાને ૧૦૮માં લઇ ઝનાના હોસ્પિટલે ખસેડવા તૈયારી કરી હતી. પરંતુ હોસ્પિટલે પહોંચે એ પહેલા રસ્તામાં ૧૦૮માં જ ડિલીવરી થઇ ગઇ હતી અને આ સગર્ભાએ પુત્રને જન્મ આપ્યો હતો.

તેણીને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. ૧૦૮ના ઇએમટીએ ડિલીવરી કરાવી હતી. એ પછી આ મહિલાને તેના વાલીવારસ અને નામ સરનામા વિશે પુછતાં તેણીએ પોતે મુળ ઝારખંડ ગુડગાંવની હોવાનું અને પોતાનું નામ કલ્પના સુમન આવાસી (ઉ.૨૨) હોવાનું કહ્યું હતું. તેમજ પોતાની સાથે એક ચારેક વર્ષની બાળકી હોઇ તે પોતાની દિકરી હોવાનું રટણ કર્યુ હતું. હિન્દીભાષી એવી આ મહિલાએ ખુબ પ્રયાસો બાદ ૧૦૮ના સ્ટાફને આ વિગતો જણાવી હતી. સગર્ભા કઇ રીતે બની? પતિ કે બીજા કોઇ પરિવારજનો રાજકોટમાં છે કે કેમ? તે વિશે કોઇ માહિતી જણાવી નથી.

બી-ડિવીઝનના એએસઆઇ સુધાબેન પાદરીયા અને રાજદિપસિંહે પણ મહિલા પાસેથી વિગતો મેળવી તે જ્યાંથી મળી એ પુલ નીચે તથા આસપાસમાં તપાસ કરી હતી અને તેણીને કોઇ ઓળખે છે કે કેમ? તેની તપાસ કરી હતી. પરંતુ મહિલાને કોઇ ઓળખતું હોય તેવું મળ્યું નહોતું. આ મહિલા સ્વસ્થ થશે એ પછી પોલીસ ફરીથી તેની પુછતાછ કરી તેના વિશે વધુ માહિતી મેળવવા પ્રયાસ કરશે. હાલમાં તેણીને સિવિલની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. (૧૪.૫)

(12:07 pm IST)