Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

મ.ન.પા.માં પદાધિકારીઓના કાંડા કાપી નાખવામાં આવ્યા ?

સ્થાનિક કાર્યક્રમોમાં કયા કયા મહેમાનોને બોલાવવા તે પણ ઉપરથી જ નક્કી કરાય છે ? લોકાર્પણ - ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમો માટે પણ મંજુરી લેવાની : હાલમાં મ.ન.પા.માં માત્ર એક-બે હોદેદ્દારોને જ પ્રોત્સાહન અપાય છે : અન્ય મહત્વનું સ્થાન ધરાવતા પદાધિકારીઓ શોભાના ગાંઠિયાની જેમ કાર્યાલયની શોભા વધારે છે : કાર્યકરો અને કોર્પોરેટરોમાં ફેલાયો કચવાટ : ગરમા-ગરમ ચર્ચા

રાજકોટ તા. ૧૩ : ગુજરાતમાં ભાજપે નવા મુખ્યમંત્રીની સરકાર રચ્યા બાદ સંગઠન અને વહિવટી ક્ષેત્રે ધરખમ ફેરફારો કર્યા છે. આ દરમિયાન મ.ન.પા.માં પણ ધીમેધીમે ભાજપ હાઇકમાન્ડે કંટ્રોલ લેવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી સ્થાનિક કક્ષાના જુના - પીઢ આગેવાનોને મ.ન.પા.ના નિર્ણયોમાં સામેલ કરવામાં આવતા કાર્યક્રમોમાં પણ સ્થાન અપાતુ હતું પરંતુ હવે કાર્યક્રમોમાં કયા - કયા મહેમાનોને મંચ પર સ્થાન આપવું ? તેના હસ્તે ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવું ? તે બાબતના નિર્ણયો પણ ઉપરથી મંજુરીથી લેવાનું શરૂ થતાં મ.ન.પા.ના મુખ્ય પદાધિકારીઓના કાંડા કપાઇ ગયા જેવી સ્થિતિ સર્જાઇ છે.

આ અંગે મ.ન.પા.ની લોબી તેમજ કાર્યક્રમોમાં ચર્ચાતી વિગતો મુજબ જ્યારે દેશમાં કયાંય ભાજપનું નામ નિશાન ન હતું. વિપક્ષ કોંગ્રેસનો તપતો સૂરજ હતો ત્યારે એકમાત્ર રાજકોટ મ.ન.પા.માં ભાજપનું શાસન હતું ત્યારથી લઇ અત્યાર સુધી મ.ન.પા.માં ભાજપના સ્થાનિક - પીઢ અનુભવી આગેવાનોને દરેક નિર્ણયમાં સામેલ કરાતા હતા. કાર્યક્રમોમાં સ્થાન અપાતું હતું. પરંતુ ત્યારપછી પ્રદેશ કક્ષાએ સંગઠનમાં ધરખમ ફેરફારો થયા સિનિયરોને આરામ આપી યુવાનોને શાસન ધુરા સોંપવાની નવી નીતિ અમલી બનાવાઇ અને આથી હાલમાં ભાજપના ૭૦ ટકા જેટલા કોર્પોરેટરો યુવા અને લોકો માટે પણ નવા ચહેરા છે. પ્રથમ વખત જ ચુંટાયેલા યુવા કોર્પોરેટરને મેયર પદનું સર્વોચ્ચ સ્થાન અપાયું. પછી ધીમે ધીમે મ.ન.પા.માં સ્થાનિક જુના આગેવાનો અને કાર્યકરોને મહત્વ આપવાનું બંધ થયું. જેના કારણે કચવાટ ફેલાવા લાગ્યો અને શહેર ભાજપમાં જુથવાદ ફરી ચર્ચામાં આવ્યો.

દરમિયાન હાલમાં તો મ.ન.પા.માં માત્ર એક-બે પદાધિકારીઓને પ્રોત્સાહન અપાતુ હોવાનું દેખાઇ રહ્યું છે. બાકીના પદાધિકારીઓ માત્ર કાર્યાલયમાં બેસી કાર્યાલયની શોભા વધારી રહ્યા હોઇ તેવી પ્રતિતી કાર્યકરોમાં થઇ રહી છે અને હવે તો મ.ન.પા.ની મોટી યોજનાઓના ખાતમુહૂર્તો અને લોકાર્પણો માટે કયા - કયા મહેમાનોને આમંત્રણ આપવું, કોને ડાયસ પર સ્થાન આપવું અને કોના હસ્તે ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવું ? તેના નામો પણ ઉપરથી નક્કી કરી અને પછી જ આમંત્રણ પત્રિકા ફાઇનલ થતી હોવાની ગરમા-ગરમ ચર્ચાએ કાર્યકરોમાં જોર પકડયું છે. 

(3:49 pm IST)