Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ઘર વિહોણા ૩પ લોકોને નિઃશુલ્ક આશ્રય ભોજનની વ્યવસ્થા કરાવવા મ.ન.પા.ની ઝુંબેશ

મેયર પ્રવિણ ડવ અને મ્યુ.કમિશ્નર અમિત અરોરા હાજર રહી ફુટપાથ પર રહેતા લોકોને રેઇન બસેરામાં મોકલ્યા

શહેરનાં હાર્દ સમા રેસકોર્સ રીંગરોડ પરની ફૂટપાથ પર રહેતા ભિક્ષુકોનાં પરિવારોને શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલા રેનબસેરામાં સ્થળાંતરની કામગીરી મ્યુ.કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગઇકાલ રાત્રીના ૧૦ વાગ્યે રેસકોર્સ રિંગ રોડ પર નાં લોકોને રેન બસેરામાં જવા  મેયર પ્રદીપ ડવ તથા કમિશ્નર અમિત અરોરાએ સ્થળ પર જઈ સમજાવ્યા હતા. તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૩ : ઘરવિહોણા લોકોને રેનબસેરામાં નિઃશુલ્ક આશ્રય તથા ભોજન આશ્રય મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજકોટ શહેર પોલીસના સહયોગથી રેસકોર્સ રીંગરોડ તથા રેસકોર્સ સંકુલમાં ગત રાત્રે મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની હાજરીમાં ડ્રાઈવ યોજાઈ હતી અને હજુ પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

આ કામગીરી દબાણ હટાવ શાખાની ટીમ, પ્રોજેકટ શાખાની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ, ગાર્ડન શાખાની ટીમ, રેસકોર્સ સંકુલના અધિકારી / કર્મચારીની ટીમ તથા વિજીલન્સ ટીમ દ્વારા રાજકોટ શહેર પોલીસના સહયોગ સાથે સંયુકત ડ્રાઈવ કરવામાં આવી હતી. શિયાળાની ઋતુના પ્રારંભે ઘરવિહોણા લોકોને ઠંડીથી રક્ષણ અને પોષક આહાર પણ મળી રહે તેવા હેતુથી હાથ ધરાયેલ ડ્રાઈવ દરમ્યાન ૩૦ જેટલા લોકોનું રેનબસેરા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું.

આ મેગા ડ્રાઈવમાં દબાણ હટાવ વિભાગ દ્વારા જાહેર સ્થળો, રસ્તા/ફૂટપાથ કે ટ્રાફિક આઈલેન્ડ આસપાસ અડચણરૂપ થતા લોકોનો સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરવામા આવેલ.

આ ડ્રાઈવ દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ આસપાસ આશ્રય લેતા લોકોને કાઉન્સેલિંગ કરી, જેઓ આશ્રય ધરાવતા નથી તે લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત રેનબસેરામાં આશરો લેવા સમજ આપેલ હતી. પ્રોજેકટ શાખા તથા આશ્રયસ્થાનોની સંચાલક NGO દ્વારા ઘરવિહોણા લોકોને રેનબસેરાથી માહિતગાર કરી સીટી બસ મારફત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

આ પ્રકારની ડ્રાઇવ આગામી દિવસોમાં પણ કરવામા આવશે. હાલ શિયાળાની મોસમ શરૂ થનાર હોઈ, ઠંડીના કારણે ઘરવિહોણા લોકોને સલામતી માટે નીચેની વિગતે નજીકના આશ્રયસ્થાનો ખાતે આશ્રય લેવા મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(3:48 pm IST)