Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ક્રાંતિકારી સંત પૂ.પારસમુનિ મ.સા.નો કાલે ભવ્ય નગર પ્રવેશઃ ગોંડલ રોડ (વે.) સંઘમાં પદાર્પણઃ શુક્રવારે કાચના જિનાલયે પધારશે

ગાદીના ગામ ગોંડલમાં યશસ્વી- ભવ્ય ચાતુર્માસ પૂર્ણ કરી :ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.આર્શીવચન પાઠવશેઃ શોભાયાત્રા- નવકારશી- વ્યાખ્યાન સહિતના આયોજનઃ કાચના જિનાલયે સંત- સતીજીઓના દર્શન- વાણીનો લાભ મળશે

રાજકોટ,તા.૧૩: ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.ગુરૃદેવ શ્રી ગિરિશચંદ્રજી સ્વામીના સુશિષ્યા મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૃદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના કૃપાપાત્ર સુશિષ્ય ક્રાંતિકારી સંત પૂ.શ્રી પારસમુનિ મ.સા.ગોંડલ ગાદીના ગામનું યશસ્વી અને ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પૂર્ણ કરી રાજકોટ નગર પધારી રહ્યા છે. ત્યારે કાલે તા.૧૪ગુરૃવારે સવારે ૭ કલાકે સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, પી.ડી.એમ.કોલેજથી ભવ્યાતિ ભવ્ય નગર પ્રવેશ શ્રી ગોંડલ રોડ (વેસ્ટ) સ્થા.જૈન સંઘ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે શોભામાં અભિવૃધ્ધિ કરવા તેમજ પૂ.પારસમુનિ મ.સા.ને નગર પ્રવેશ કરાવી, આશિષ આપવા ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા. પધારશે. તેમજ ગોંડલ વેસ્ટમાં સુંદર ચાતુર્માસ પૂર્ણ કરી શ્રીસંઘની ગૌરવ ગાથામાં વૃધ્ધિ કરનાર પૂ.ઉષાબાઈ મ.સ., પૂ.વીણાબાઈ મ.સ., પૂ.જાગૃતિબાઈ મ.સ.ના દર્શનનો લાભ સર્વને પ્રાપ્ત થશે.

વર્ધમાન મહિલા મંડળના બહેનો અષ્ટમંગલ તેમજ સુશોભિત આગમ ધારણ કરશે, પુત્રવધુ મંડળના બહેનો સોનેરી કળશ ધારણ કરી ગુરૃદેવને આવકારશે. જૈન શાળાના બાળકો અલગ- અલગ ડ્રેસ દ્વારા વિવિધ વેશભૂષામાં આવી પૂ.ગુરૃદેવનું સ્વાગત કરશે. તેમજ યુવાપેઢી દ્વારા નોખુ- અનોખુ અલૌકિક સ્વાગત પૂ.ગુરૃદેવનું કરવામાં આવશે.

આ અવસરે સર્વને પધારવા પ્રમુખ નવિનભાઈ બાવીશી, ફાઉન્ડર ટ્રસ્ટી, કિરીટભાઈ શેઠ, મંત્રી કિર્તીભાઈ શેઠ, યુવા ટીમના મનિષભાઈ પારેખ, નિદેશભાઈ વખારીયા આદી સર્વ ઉત્સાહી સંઘ સેવકોએ ભાવના વ્યકત કરી છે. કાર્યક્રમ બાદ નવકારશીનું આયોજન કરવામાં આવેલ છે.

કાચનું જિનાલય

જૈન શાશનમાં એમ કહેવાય છે કે સાધુ સાધ્વી શ્રાવકો- શ્રાવીકીઓનો સંયોગ થાય એટલે પચ્ચીસમો તિર્થકર ભગવાનની ભવ્યાતિત ભવ્ય રચના થાય છે. તે નાની ઉંમરમાં ૨૨ વર્ષ પહેલા દિક્ષા લઈને મહારાષ્ટ્રમાં ગયેલ હતા અને આજે મહારાષ્ટ્રને ઘેલુ કર્યુ છે. તે પૂ.પારસમુનિ નવકારમંત્રના ભિષ્મપિતા ગુરૃદેવ જગદીશમુનિના શિષ્ય નાનકડી ઉંમરમાં ૨૨ વર્ષમાં શાસ્ત્રોમાં પારંગત વ્યાખ્યાન વિશારદ બનેલા છે અને પૂ.ક્રાંતિકારી તેજસ્વી પારસમુનિ મહારાજ સાહેબ શ્રમજીવીમાં પ્રથમ વાર પધારે છે. જેથી સેંકડો શ્રાવક- શ્રાવીકાઓ તેમના દર્શન માટે અધીરા બન્યા છે.ધર્મ સાથે સંસારમાં રહીને પણ ''જયણા'' કેમ કરી અનંતુ પુણ્ય કેમ મેળવી શકાય તેનો રાજમાર્ગ ક્રાંતિકારી સંત બતાવી રહેલ છે. પ્રદુષણ તેમજ સમાજના નિયમો અનુષ્ઠાનો દ્વારા કેમ પાળી શકાય તે માટે આવો દર્શન કરો, પધારો, પારસમુનિ મહારાજ સાહેબ, શ્રમજીવી ઢેબર રોડ, ગુરૃકુળ સામે, કાચના જિનાલયના મેનેજીંગ ટ્રસ્ટી કિશોરભાઈ કોરડીયાની નાતંદુરસ્ત તબિયત હોવાથી તેમના નિવાસસ્થાને તા.૧૫ને શુક્રવાર સવારે ૭ થી ૭:૪૫ સુધી દર્શન ધર્મ ચર્ચા કરશે. ત્યારબાદ ૭:૪૫ થી ૮:૧૫ સુધી બેંડ વાજાના સુરીલા સંગીત સાથે કાચના જિનાલયે પધારશે.

ત્યારબાદ ૮:૧૫ થી ૯:૧૫ જાહેર વ્યાખ્યાન સાથે દર્શન લાભ મળશે. પૂ.કાંતાબાઈ મહાસતીજીના શિષ્યો ઉષાબાઈ મહાસતીજી, વિણાબાઈ મહાસતીજી, જાગૃતિબાઈ મહાસતીજી તેમજ ગોંડલ સંપ્રદાયના પૂ.તારાબાઈ મહાસતીજી થાણા- ૩, તથા નેમીસુરી સમુદાયના સાધ્વીજી અતુલયસાશ્રીજી શિષ્ય ત્રિદશયશાશ્રીજી તથા ધર્મસુરિના પૂ.બા મહારાજ સાહેબના શિષ્યા જિગ્નસાશ્રીજી આદિ થાણાનો વ્યાખ્યાનમાં દર્શન લાભ થશે.

ત્યારબાદ ૯:૧૫ થી ૧૦ સુધી નવકારસી ભકિત લાભ સુ.શ્રાવિકા સ્વ.પુષ્પાબેન કિશોરભાઈ કોરડીયા પરિવારવતી થશે, પાસ વ્યાખ્યાનમાં અપાશે. ભવ્ય દર્શન લાભ લેવા કિશોરભાઈ કોરડીયાની યાદીમાં જણાવાયું છે.

સંત જયાં જાય ત્યાં સોનુ સોનુ થાય, સંત જયાંથી જાય ત્યાં સુનુ સુનુ થઈ જાય : પૂ.પારસમુનિ

કાલે રાજકોટમાં ગોંડલ રોડ (વે.) સંઘમાં નગર પ્રવેશ

રાજકોટ,તા.૧૩: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૃદેવ શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત સદ્દગુરૃદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.ચાતુર્માસ પરિવર્તન કરી તા.૧૨ના બિલિયાળા પધાર્યા.

ગોંડલ નવાગઢ સ્થા.જૈન સંઘ- ગોંડલ, દાદા ડુંગર ગુરૃ ગાદી ઉપાશ્રયમાં યશસ્વી અને રેકોર્ડબ્રેક ચાતુર્માસ પૂર્ણ કરી બિલિયાળા કરમશીભાઈની વાડીમાં પધાર્યા. પૂ.ગુરૃદેવ સંગાથે ૮ વર્ષથી લઈને ૮૦ વર્ષના વૃધ્ધ સુધી ૨૦૦ શ્રાવક- શ્રાવિકાઓએ પદયાત્રા કરી ગુરૃદેવના પ્રથમ વિહારમાં સહભાગી બન્યા પદયાત્રા દરમ્યાન માર્ગમાં અનેક ગુરૃભકતોએ અનેક પ્રભાવના કરી.

ગોંડલ સંપ્રદાય પ્રમુખ પ્રવિણભાઈ કોઠારીએ જણાવેલ કે અનેક વ્યકિતઓના સહયોગ અને સહકારથી ચાતુર્માસ યશસ્વી બન્યુ. ચાતુર્માસ દરમ્યાન પૂ.ગુરૃદેવે સંઘ અને શ્રાવકોને ખૂબ આપ્યુ છે. સંઘ સદૈવ પૂ.ગુરૃદેવનો ઋણી રહેશે. બીજારોપણ કર્યુ છે તો તે બીજ વટવૃક્ષ ત્યારે બને છે. જયારે તેની માવજત થાય માટે હે ગુરૃદેવ ! આપે રોપેલ બીજનું જતન કરવા, કાળજી લેવા કલ્પતુ ચાતુર્માસ આપો તેવી વિનંતીને દોહરાવી હતી. નવકારશી શ્રીસંઘ દ્વારા રાખવામાં આવેલ.

પૂ.ગુરૃદેવે જણાવેલ કે સંત તો વહેતી નદી સમાન છે. મુનિ જીવન વહેતા પાણી અને ચાલતી હવા જેવું છે. સંત અને સૂરજ કયારેય અકે જગ્યા પર રોકતા નથી. વ્યકિતના જીવનમાં પરિવર્તન થવું જોઈએ, પરિવર્તન વિકાસ અને કલ્યાણની ધુરી છે. સદૈવ માટે અમારા સ્મરણો અને સ્મૃતિઓમ આપના હૃદયમાં મૂકીને જાવ છું. તમારા સૌની યાદોને અંતરમાં અવધારીને જાવ છું. હું જાવ છુ, પાછા આવવા માટે જાવ છુ. હું કયાંય નહીં જાવ આપ સર્વના હૃદયમાં રહીશ.

(4:09 pm IST)