Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

માત્ર ૨૫ દિવસના લગ્ન બાદ પતિ વિરૂદ્ધ માસિક ૭૦ હજારનું ભરણ પોષણ મળવાની પત્નિની અરજી રદ્દ

પત્નિ સ્વછંદી જીવન જીવે છેઃ મિત્ર સાથે રહેતી હોય ભરણ પોષણ મળી શકે નહિ

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટમાં નવલનગર વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેતા જાગૃતીબેન મનોજભાઈ ત્રિવેદીએ તેમના પતિ રાજુ ઉર્ફે મનોજભાઈ ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી સામે ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ - ૧૨૫ હેઠળ ભરણ પોષણની રકમ મેળવવા અરજી કરેલ અને તેમા મહિને રૂ. ૭૦,૦૦૦ની માંગણી કરેલ. સદરહુ કામમાં પુરાવાના અંતે ફેમીલી કોર્ટના જજશ્રી એન.કે. પરીખે અરજદાર ભરણ પોષણ મેળવવાની અરજી રદ્દ કરવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, આ કામના અરજદાર જાગૃતીબેન મનોજભાઈ ત્રિવેદીએ ફેમીલી કોર્ટમાં અરજી દાખલ કરી એવી રજૂઆત કરેલ કે, આ કામના સામાવાળા તથા તેના કુટુંબીજનો પોતાની માનસિકતા મુજબ અરજદારને મેણાટોણા મારતા તેમજ મારકુટ કરતા હતા તેમજ તા. ૩૦-૩-૧૮ના રોજ સવારના સામાવાળાઓએ ઢીકાપાટુનો માર મારી પહેરેલ કપડે કાઢી મુકેલાની તેમજ રૂ. ૫,૦૦,૦૦૦ લીધા વગર નહી આવવા જણાવેલ અને અરજદારને ભાડાના મકાનમાં રહેવા માટે ફરજ પાડેલ. જેથી આ કામના અરજદારે સામાવાળા પતિ પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટે ભરણ પોષણ મેળવવા રૂ. ૭૦,૦૦૦ની માંગણી કરતી અરજી દાખલ કરેલ હતી.આ કામમાં અરજદાર તરફે એવી રજૂઆત કરેલ કે, આ કામના સામાવાળા ગ્લાસ એન્ડ ગ્રાફીકસના નામે ડેકોરેટીવ ગ્લાસ, સન ગ્લાસ, કાસ્ટીંગ ગ્લાસનુ ખૂબ જ મોટાપાયે કામ કરી દર માસ રૂ. ૧,૫૦,૦૦૦થી વધુની આવક મેળવે છે. તેમજ પોતાની માલિકીની હુંડાઈ કંપનીની ઈમેઝ કાર પણ ધરાવે છે. તેમજ સામાવાળાની માતા કેટરીંગનો ધંધો કરીને રૂ. ૫,૦૦,૦૦૦ ઉપર આવક ધરાવે છે અને સામાવાળાના ઘરમાં ભૌતિક સુખ સગવડતાના તમામ સાધનો છે અને સામાવાળા ઉપર અન્ય કોઈની જવાબદારી નથી જેથી સામાવાળા અરજદારને રૂ. ૭૦,૦૦૦ ચૂકવે તેવી માંગણી કરેલ.

સામાવાળા તરફે એવી રજૂઆત કરવામાં આવેલ કે, અરજદાર તા. ૩૦-૩-૧૮ના રોજ સવારના ૧૦.૩૦ વાગ્યે ઘરેથી સ્વેચ્છાએ નીકળી ગયેલ છે. સાંજ સુધી પરત નહીં આવતા સામાવાળાએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ગુમશુદાની જાહેરાત કરેલ અને ત્યાર બાદ સીસીટીવી ફુટેજ ચેક કરતા અરજદાર તેના મિત્ર સાથે ઘરમાંથી તમામ ચીજવસ્તુઓ લઈને સ્કૂટર પર જતા રહેલ છે, તેવી હકીકત આવતા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં અરજદાર તથા તેના મિત્ર સામે આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી)નો ગુન્હો પણ નોંધાયેલ.

વધુમાં સામાવાળા તરફે એવી રજૂઆત કરવામાં આવેલ કે સામાવાળા સાથે અરજદાર માત્ર ૨૫ દિવસનું લગ્નજીવન છે. ૨૫ દિવસમાં એવો શું દુઃખ-ત્રાસ આપેલ કે અરજદાર ઘર છોડીને જતુ રહેવુ પડે તેવો કોઈ પુરાવો રજુ રાખેલ નથી કે તેવો કોઈ પુરાવો તપાસેલ નથી.

આ કામમાં સામાવાળા તરફે એવી રજૂઆત કરવામાં આવેલ કે, સામાવાળા મોટી આવક ધરાવતા હોય તો પણ સ્વછંદી જીવન જીવવા માટે થઈને અરજદારને ભરણ પોષણની રકમ આપી શકાય નહી, સમગ્ર પડેલ પુરાવો તેમજ દસ્તાવેજી પુરાવાઓ ઉપરથી એવુ રેકર્ડ પર આવે છે કે અરજદાર સ્વછંદી જીવન જીવવાની ટેવવાળા છે અને સ્વેચ્છાએ ઘર છોડીને પોતાના મિત્ર ભાર્ગવ જોષી સાથે રહે છે, જ્યારે આવા રેકર્ડ પર પુરાવો આવતો હોય ત્યારે તેવા સંજોગોમાં હાલના અરજદારને ભરણ પોષણ મળી શકે નહીં.ઉપરોકત રજુઆત દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈ અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે સામાવાળાએ અરજદારનો વિમા કારણે ત્યાગ કરેલ હોવાનું પુરવાર કરવામાં અરજદાર નિષ્ફળ ગયેલ હોય સામાવાળાની આવકના પુરતા સાધનો ધરાવતા હોવા છતાં અરજદાર સામાવાળા પાસેથી ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૧૨૫ અન્વયે કોઈ ભરણ પોષણ મેળવવા હક્કદાર બનતા ન હોય અરજદારની અરજી નામંજુર કરવામાં આવે છે તેમજ અરજદારની વચગાળાનું ભરણ પોષણ મેળવવાની અરજી તળે થયેલ હુકમ પણ રદ કરવામાં આવે છે.

આ કામમાં સામાવાળા રાજુભાઈ ઉર્ફે મનોજભાઈ ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, હર્ષીલભાઈ શાહ, વિજયભાઈ પટગીર, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વિજયભાઈ વ્યાસ, રાજેન્દ્રભાઈ જોષી રોકાયેલા હતા.

(3:55 pm IST)
  • રાજકોટમાં ચાંદી રૂ.૯૦૦ ઉછળી, સોનું રૂ.૧૫૦ વધ્યું ટ્રમ્પે ચીન સામે બોર્ડર એગ્રીમેન્ટની નવી શરત મૂકતાં ટ્રેડવોરનું સમાધાન ટલ્લે ચડતાં વિશ્વમાર્કેટમાં સોનું-ચાંદી સુધરતાં લોકલ માર્કેટમાં અસર જોવા મળીઃ રાજકોટમાં સોનુ ૧૦ ગ્રામના રૂ.૩૯૫૫૦, હોલમાર્કના રૂ.૩૮,૫૦૦ અને ચાંદીના એક કિલોના રૂ.૪૬,૦૦૦ access_time 6:02 pm IST

  • નવસારી: વાંસદામાં સતત બીજા દિવસે ભૂંકપના આંચકા અનુભવાયા :લોકોમાં ભયનો માહોલ access_time 10:36 pm IST

  • સુરતને દેવદિવાળીની ભેટ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઃ કુલ ૮૫૫ હેકટર જમીન રિઝર્વેશનથી મુકત કરાઈ : ૧૬૬૦ હેકટર જમીનના ૨૦૧ જેટલા વિવિધ રિઝર્વેશનમાંથી ૩૦વર્ષથી ચાલતા પ્રશ્નનું નિવારણ access_time 11:35 am IST