Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

પોલીસ પ્રજાનો મિત્ર...રોકડ, બે મોબાઇલ સાથેની ભુલાયેલી થેલી બે દિકરીઓને હાથોહાથ પરત કરી

સોરઠીયા વાડી સર્કલ પાસે વાહન ચેકીંગમાં રહેલા પીએસઆઇ ધાખડા, વિજયસિંહ ઝાલા સહિતે થેલી લેભાગુના હાથમાં આવે એ પહેલા હસ્તગત કરી

રાજકોટ તા. ૧૩: પોલીસ પ્રજાનો મિત્ર...આ ઉકિતને પોલીસ અનેક વખત યથાર્થ ઠેરવે છે. ગત સાંજે સોરઠીયા વાડી ચોકમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા તથા હરદેવસિંહ જાડેજા વાહન ચેકીંગમાં હતાં ત્યારે સીટી બસ સ્ટોપ પર એક થેલી ફંફોળતો એક શખ્સ જોવા મળતાં શંકા ઉપજતાં તેને થેલી કોની છે? તે અંગે પુછતાં એ શખ્સે બસ ઉપડી ગઇ તેમાં બેસી ગયેલી બે બહેનો આ થેલી ભુલી ગયાનું કહ્યું હતું. એ શખ્સે અંદર બે મોબાઇલ ફોન અને રોકડ પણ હોવાનું કહ્યું હતું. પોલીસે આ થેલી હસ્તગત કરી હતી અને અંદર રહેલા મોબાઇલ ફોનમાંથી નંબરો શોધી સંપર્ક કરવા તજવીજ કરી હતી. એ દરમિયાન બે દિકરીઓ ચિંતાતુર થતી બસ સ્ટોપે આવી હતી અને પોતાની પર્સ, રોકડ, મોબાઇલ સાથેની થેલી ખોવાઇ ગયાનું કહેતાં ત્યાં ઉભેલા ક્રાઇમ બ્રાંચના સ્ટાફે તેણીને થેલી પરત કરતાં જ બંને બહેનો ખુશખુશાલ થઇ ગઇ હતી. આ બંને આજીડેમ ચોકડીએ જવા બસમાં બેઠી હતી. કંડકટરે ટિકીટ માટે પૈસા માંગતા થેલી ભુલાઇ ગયાની ખબર પડતાં બસ ઉભી રખાવી રિક્ષા મારફત પરત આવી હતી. પોલીસ ત્યાં હાજર હોઇ થેલી પોલીસના હાથમાં આવી ગઇ હતી.  અન્યથા કોઇ લેભાગુ લઇ ગયું હોત.

(3:54 pm IST)