Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરાવવાનો પ્રારંભ

તા. ૧૩ નવે.થી ૧ર ડીસે. સુધી ધો. ૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના નિયમિત, રીપીટર, ખાનગી સહિતના વિદ્યાર્થીઓના ફોર્મ ભરાશે

રાજકોટ તા. ૧૩ :.. આગામી માર્ચ માસમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષા લેવાનાર છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું સુચારૂ સંચાલન માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે.

આજથી ધો. ૧ર સામાન્ય પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ થયું છે. જે એક મહિનો ચાલશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ સામાન્ય પ્રવાહ, વ્યવાસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધો. ૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ માર્ચ-ર૦ર૦ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓન લાઇન તા. ૧૩-૧૧-ર૦૧૯ બપોરના ૧૪ કલાકથી તા. ૧ર-૧ર-ર૦૧૯ ના રોજ રાત્રીના ૧ર કલાક સુધી બોર્ડની વેબસાઇટ   www.gseb.org  પરથી ભરી શકાશે.  જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.

ધો. ૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના તમામ નિયમીત, રીપીટર, પૃથ્થક, ખાનગી નિયમિત, ખાનગી રીપીટર વિદ્યાર્થીઓના આવેદન પત્રો  ફરજીયાત ઓન લાઇન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબ સાઇટ ઉપર મુકવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ જણાવવાનું કે  Online  Form  ની   Copy શાળા પાસેથી મેળવી તમામ વિગતો મેળવી લેવાની રહેશે. સંસ્કૃત મધ્યમાના આવેદનપત્રો રાબેતા મુજબ Offline મોકલી આપવાના રહેશે તેમ નાયબ નિયામક શ્રી યાદીમાં જણાવ્યું છે.

(3:38 pm IST)