Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન

બ્લડપ્રેશરથી બ્રેઈનડેડ હેમલ કાલાવડીયાની બે કિડની, લીવર અને ચક્ષુઓનું અંગદાન

ત્રણ દર્દીઓની જીંદગીમાં આવશે નવો ઉજાસ - ઉમંગ

રાજકોટ, તા. ૧૩ : બ્લડ પ્રેશરની બ્રેઈનડેડ થઈ ગયેલા ઉપલેટાના હેમલ કાલાવડીયાએ બે કિડની, લીવર અને ચક્ષુઓનું અંગદાન થતા ૩ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ઉમંગ આવશે.

ઉપલેટાના રહેવાસી હેમલભાઈ છગનભાઈ કાલાવડીયા (ઉ.વ.૪૨) ફલેકસ બેનર બનાવવાનો વ્યવસાય કરતા હતા. એમને બ્લડપ્રેશર વધી જવાથી તા.૫-૧૧ના રોજ પેરાલીસીસ થઈ ગયુ. વધારે સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે શીફટ કર્યા. તપાસ કરતા માલૂમ થયુ કે તેમના મગજમાં ખૂબ જ મોટુ હેમરેજ થઈ ગયુ છે. એમનું તાત્કાલીક ઓપરેશન કરવામાં આવ્યુ. (તા.૬-૧૧) દર્દીને ઓપરેશન પછી ઘણો સારો સુધારો થતો હતો પરંતુ કુદરતે આ રીકવરીનો સાથ ન આપ્યો અને ગઈકાલે મોડીરાત્રે ફરીથી બીજી જગ્યાએ બ્રેઈન હેમરેજ થયુ અને એમનંુ બ્રેઈનડેડ થઈ ગયુ.ફરીથી બધી સારવાર શરૂ કરી પરંતુ એ કારગત નિવડી નહીં. આથી એમની સારવાર કરનાર ડો.કાંત જોગાણીએ તેમના સંબંધીઓને દર્દીનું બ્રેઈનડેડ થઈ ગયુ છે એવું જણાવ્યુ.

આ વખતે ડો.કાંત જોગાણી અને ડો.બી.જે. પટેલે દર્દીને બ્રેઈનડેડ થઇ ગયુ છે અને તેમના અંગોનું દાન કરી શકાય એવુ સમજાવ્યુ. આવા કપરા સમયમાં એમના સગા પત્નિ હર્ષાબેન, દીકરા રોહિતભાઈ અને પ્રતિકભાઈ, ભાઈ જયેશભાઈ, કાકા અજયભાઈ કાલાવડીયા, ફુવા મનસુખભાઈ અઘેરા, કાકા વિનુભાઈ કાલાવડીયા તથા અન્ય કુટુંબીજનોએ હેમલભાઈના અંગોનું દાન કરવાનું નક્કી કર્યુ.

જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો.દિવ્યેશ વિરોજાને જાણ કરી. તેઓએ જરૂરી તપાસ કરી અને અમદાવાદની કિડની ઈન્સ્ટીટ્યુટ (આઈ.કે.ડી.આર.સી.)માં જાણ કરી. દર્દીની બ્રેઈનડેડ સ્થિતિની તપાસ ન્યુરોસર્જન ડો.કાંત જોગાણી, ન્યુરો ફિઝીશ્યન ડો.જીગર પારેખ, ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.ચિરાગ માત્રાવડીયા, મેડીકલ એડમીનીસ્ટ્રેટર ડો. દર્શન સીણોજીયાએ કરી. આ કાર્યમાં વોકહાર્ટ હોસ્પિટલના મેનેજમેન્ટ તથા અશોક ગોંધીયા મેમોરીયલ ટ્રસ્ટનો સંપૂર્ણ સહયોગ રહ્યો.

વોકહાર્ટ હોસ્પિટલના આઈસીયુના ડોકટર ડો.વિશાલ ભાલોડી, ડો.હર્ષલ ભટ્ટ, ડો.આશિષ શાહ, ડો.જલ્પા બોરડ, અને આઈસીયુના સ્ટાફનો પણ ખૂબ જ સહકાર મળેલો. દર્દીનું ઓપરેશન કરવા માટે અમદાવાદની કિડની હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફની ટીમ રાજકોટ આવવા નીકળી ગઈ છે. આજે રાત્રે દર્દીનું ઓપરેશન કરી બંને કિડની, લીવર અને બંને આંખોનું દાન કરવામાં આવશે. બંને કિડની અને લીવર અમદાવાદની કિડની હોસ્પિટલમાં ત્રણ દર્દીઓને નવી જીંદગી આપશે અને ચક્ષુદાનથી રાજકોટમાં ઓપરેશન કરી બે વ્યકિતઓને રોશની આપશે. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સમાજ સેવકો નીતિનભાઈ ઘાટલીયા અને ભાવનાબેન મંડલી પણ આ અંગદાન સમયે હાજર રહ્યા હતા.

(1:01 pm IST)