Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

રાજનગર ચોકમાં રાતે છરી સાથે આતંક મચાવનાર બે ઝડપાયાઃ સીપી કચેરીના લીમડા નીચે લાવી પુછતાછ

કારણ વગર ગાળાગાળી કરી બાલાજી પાન પાસે ઉભેલા પટેલ વેપારી ગોપાલભાઇ કાપડીયાને પડખામાં ઇજા કરી ખૂનની ધમકી આપીઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યોઃ ઓફિસમાં તપાસઃ દારૂની ખાલી બોટલો જોવા મળી'તીઃ નવદીપસિંહ જાડેજા અને હરકિશનસિંહ જાડેજાને ક્રાઇમ બ્રાંચ-એસઓજીએ નાના મવાથી પકડ્યા

તસ્વીરમાં છરી સાથે આવતો શખ્સ, તેને જોઇ ભાગતા લોકો, હુમલો કરી પરત ભાગતો શખ્સ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. નીચેની તસ્વીરમાં ઝડપાયેલા બંને શખ્સ નવદીપસિંહ જાડેજા તથા હરકિશનસિંહ જાડેજા અને ક્રાઇમ બ્રાંચના એસીપી તથા ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: નાના મવા રોડ પર રાજનગર ચોક પાસે બાલાજી પાન બહાર ગત રાતે અગિયારેક વાગ્યે એક શખ્સે અચાનક છરી સાથે ધસી આવી ગાળાગાળી કરી ત્યાં ઉભેલા પટેલ વેપારી પર એક શખ્સે છરીથી હુમલો કરી કમર પાછળઇજા કરી ખૂનની ધમકી આપી આતંક મચાવતાં નાસભાગ મચી ગઇ હતી. આ ડખ્ખાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ તપાસ શરૂ કરી હતી. હુમલાખોરનું નામ મળી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તેની ઓફિસમાં પણ પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં દારૂની ખાલી બોટલ અને પાણીની બોટલો જોવા મળી હોઇ ડખ્ખો કરતાં પહેલા આ શખ્સે છાંટોપાણી લીધાનું સમજાઇ રહ્યું છે. દરમિયાન આ ડખ્ખામાં બે શખ્સો સામેલ હોવાનું ખુલતાં ક્રાઇમ બ્રાંચે શોધખોળ આદરી આજે બપોરે બંનેને ઝડપી લીધા બાદ પોલીસ કમિશનર કચેરીના પ્રખ્યાત લીમડા નીચે લાવી પુછતાછ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ રાજનગર ચોક પાસે બાલાજી પાન બહાર રાત્રીના અગિયારેક વાગ્યે એક શખ્સ અચાનક છરી લઇ ધસી આવતાં ત્યાં દૂકાન બહાર પોતાના મિત્ર સાથે ઉભેલા સુર્યમુખી હનુમાનજી સામે લક્ષમણધામ સોસાયટી-૨માં રહેતાં પટેલ વેપારી ગોપાલભાઇ રામજીભાઇ કાપડીયા (પટેલ) (ઉ.૩૫)ને ગાળો દેતાં તેણે ગાળો દેવાની ના પાડતાં આ શખ્સે ઉશ્કેરાઇ જઇ છરી કાઢી મારી નાંખવાની ધમકી આપી હતી અને ઘા ઝીંકી દેતાં ડાબી બાજુ કમરની પાછળના ભાગે ઇજા થઇ હતી.

બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, માલવીયાનગર પી.આઇ. ચુડાસમા તથા ડી. સ્ટાફની ટીમ અનએએસઆઇ કે. કે. માઢક, હરૂભા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ફૂટેજમા઼ દેખાતું હતું કે છરી લઇને એક શખ્સ દોડી આવતાં જ લોકોમાં નાસભાગ મચી જાય છે. એ પછી તે હુમલો કરી પરત રોડ તરફ ભાગે છે અને રસ્તામાં પણ એક ટુવ્હીલર ચાલકને અટકાવી ડખ્ખો કરતો દેખાય છે. પોલીસે વિશેષ તપાસ કરતાં હુમલાખોરનું નામ નવદિપસિંહ જાડેજા હોવાનું સામે આવતાં ગોપાલભાઇ કાપડીયાની ફરિયાદ પરથી આઇપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. હુમલા પાછળ કોઇ કારણ સામે આવ્યું નથી. હુમલાખોર નશામાં હોવાની ચર્ચા થઇ રહી હોઇ અને તેની ઓફિસ રાજનગરમાં જ હોવાની માહિતી મળતાં પોલીસે ત્યાં દરોડો પાડતાં તે મળી આવ્યો નહોતો. પણ દારૂની ખાલી બોટલો અને પાણીની બોટલો મળી હતી. નવદીપસિંહ સાથે બીજો એક શખ્સ પણ ડખ્ખામાં સામેલ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમી પરથી નવદિપસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.૨૪-રહે. નાના મવા સર્કલ, વિરલ સોસાયટી) તથા હરકિશનસિંહ પ્રદિપસિંહ જાડેજા (ઉ.૨૧-રહે. ઘંટેશ્વર)ને નાના મવા પાસેથી ઝડપી લીધા હતાં. બંનેને પોલીસ કમિશનર કચેરીના લીમડા નીચે લાવી પુછતાછ કરવામાં આવી હતી. નવદિપસિંહ કેબલ કનેકશનની ઓફિસ ધરાવે છે અને તેનો મિત્ર હરકિશનસિંહ આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. તે જયપાલસિંહ જાડેજાનો ભત્રીજો થતો હોવાનું પોલીસે કહ્યું હતું.

એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ એચ. એમ. ગઢવીની ટીમના પીએસઆઇ એ. એસ. સોનારા, એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ એચ.એમ.રાણા, અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ રાણા સહિતે આ કામગીરી કરી હતી.

(3:53 pm IST)