Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

એસ.સી., એસ.ટી., ઓબીસીને મળતી ગ્રાન્‍ટ ઉપયોગી યોગ્‍ય જગ્‍યાએ કરોઃ કાલે આવેદન

બિરસા- આંબેડકર સ્‍વાધિકાર આંદોલન દ્વારા ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયાને આવેદન

રાજકોટ,તા.૧૩: એસ.સી., એસ.ટી., ઓબીસીને મળતી ગ્રાન્‍ટનો યોગ્‍ય જગ્‍યાએ ઉપયોગ કરવા બિરસા આંબેડકર સ્‍વાધિકારી આંદોલન દ્વારા જણાવાયું છે. આ અંતર્ગત આવતીકાલે તા.૧૪ના બુધવારે બપોરે ૩ વાગે જયગીત સોસાયટી મેઈન રોડ, આત્‍મીય કોલેજની બાજુમાં, કાલાવડ રોડ ખાતે અનુ.જાતિ અને અનુ.જનજાતિના ભાઈ- બહેનો એકત્રીત થઈ અને ધારાસભ્‍ય શ્રી લાખાભાઈ સાગઠીયાને આવેદન આપશે.

આ અંગેની યાદીમાં જણાવ્‍યા મુજબ લગભગ છેલ્લા ચાર દાયકાથી આદિવાસી સમાજ માટેની આદિજાતી પેટા યોજના અને દલિત સમાજ માટેની ખાસ અંગભુત યોજનાઓ પાછળ લાખો- કરોડો રૂપિયા ખર્ચવા છતા લાભાર્થીઓને નહીવત લાભ પહોંચવાને કારણે આદિવાસી સમાજ અને દલિત સમાજમાં જીવન ધોરણમાં હજી સુધી બિલકુલ સુધારણા થયેલ નથી. આ વર્ગોનો મોટો સમુહ તો હજુ પણ ગરીબીની રેખા નીચે પ્રાથમીક અને દયનીય જીવન જીવી રહ્યો છે. કેન્‍દ્ર સરકારના નિતી આયોગની ભલામણ હોવા છતા, આ વર્ગની સમસ્‍યાઓ અને જરૂરીયાતોને ધ્‍યાને લઈ યોજનાઓ અને જે મામુલી બજેટ ફાળવવામાં આવે છે. તેમાંથી અન્‍ય કાર્યક્રમો/ યોજના અને સરકારની વાહવાહી કરવાના પ્રચાર- પ્રસારમાં મસમોટા ખર્ચાઓ કરવામાં આવે છે. આદિવાસી સમાજ અને દલિત સમાજ માટે યોજનાઓની એન.જી.ઓ દ્વારા કરાતી અમલવારીમાં ફકત એન.જી.ઓ. જ સમૃધ્‍ધ થઈ છે. જયારે લાભાર્થી વધર્ષોથી લાચાર અરજદાર રહ્યો છે.

આ રીતે આ વર્ગો માટેની યોજનાઓની અમલવારી ચાલશે તો આવનારા બીજા ૧૦૦ વર્ષમાં પણ આ વર્ગોનો સર્વાંગી વિકાસ કરવો એક દિવા સ્‍વપ્‍ન જ બની રહેશે. ત્‍યારે આ વર્ગોના વિકાસના દરેક ક્ષેત્રોને આવરી લેતી યોજનાઓની નવેસરથી અગ્રતા નકકી કરવી, પુરતુ બજેટ ફાળવવું, ભૌતીક લક્ષ્યાંકો નકકી કરવા, બજેટની ફાળવણી સામે ચોકકસ લાભાર્થીઓને ૧૦૦ ટકા ખર્ચ કરવા, અમલવારીમાં પાદર્શીતા લાવવી, પ્રગતીની સમીક્ષા અને સમયાંતરે મુલ્‍યાંકન કરવા સહિતની જોગવાઈઓ કરતું એક બીન સરકારી વિધેયક ગુજરાત અનુસુચિત જાતી પેટા યોજના (નાણાકીય સાધનોના આયોજન, ફાળવણી અને ઉપયોગ) બાબત વિધેયક- ૨૦૧૮, દસાડા વિધાનસભાના યુવા જાગૃત અને ધારાસભ્‍ય શ્રી નૌશાદભાઈ સોલંકી દ્વારા પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલ છે.

તસ્‍વીરમાં સમસ્‍ત એસ.સી./ એસ.ટી. સમાજના સર્વેશ્રી નરેશ સાગઠીયા, નરેશભાઈ પરમાર, માધુભાઈ ગોહિલ, પુષ્‍પાબેન બોખાણી, પી.પી.શ્રીમાળી, મુકેશભાઈ પરમાર, સુરેશભાઈ બથવાર, ગોવિંદભાઈ વઘેરા, આર.ડી.પરમાર, રમેશભાઈ કોલી, મહેન્‍દ્રભાઈ મીર, રમેશભાઈ મુછડીયા, પ્રવિણભાઈ ચાંડપા, માવજીભાઈ રાખશીયા, અરવીંદભાઈ મુછડીયા, અશોકભાઈ વાળા, નારણભાઈ બગડા, હરેશભાઈ પરમાર, પ્રવિણભાઈ મુછડીયા અને જીત વાઘેલા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(4:03 pm IST)