Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

માતા-પિતાના અંગુઠાનો સ્પર્શ મંત્ર કરતાં પણ અધિક જ્ઞાન-વિકાસનું કારણ હોય છેઃ પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના બ્રહ્મઘોષે જ્ઞાનપૂજન : ૨ હજાર બાળકોની જ્ઞાનપંચમીની આરાધના

રાજકોટઃ તા.૧૩,  આત્મજ્ઞાનના ઊંચા ઊંચા શિખરો સર કરીને, જીવનની ક્ષણ ક્ષણ જ્ઞાનભાવમાં રમણ કરીને, હજારો હજારો ભાવિકોને સત્યનું ભાન કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રી મુખેથી જ્ઞાનના દેવ એવા શ્રુતદેવતાને આહવાન  આપવા સાથે કરાવવામાં આવેલાં જ્ઞાનપૂજનની આરાધનામાં જોડાઈને હજારો ભાવિકો ધન્ય ધન્ય બન્યાં હતાં.

શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા-ઓમાનવાલા ઉપાશ્રયના ઉપક્રમે  શ્રી ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં જ્ઞાનપંચમીના પાવન અવસર નિમિત્ત્।ે આયોજિત કરવામાં આવેલાં જ્ઞાન પૂજન અનુષ્ઠમનના પ્રારંભે અત્યંત અહોભાવ પૂર્વક શ્રી રોયલપાર્ક સંઘના દ્વારે ડુંગર દરબાર સુધીની જ્ઞાનયાત્રામાં લુક એન લર્ન જૈન જ્ઞાનધામના નાના નાના અનેક બાળકો જોડાયા હતાં. અને જ્ઞાન તેમજ જ્ઞાનદાતા એવા સદ્દગુરુ ભગવંત પ્રત્યે જયકાર કરીને   રાજમાર્ગોને ગુંજવી દીધાં હતાં.

ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં નાના નાના બાળકોએ અત્યંત અહોભાવપૂર્વક પૂજય ગુરુ ભગવંતના પ્રવેશ વધામણાં કર્યા હતાં. કાર્યક્રમના પ્રારંભે લુક એન લર્નના બાળકો દ્વારા  સ્વાગત નૃત્યની પ્રસ્તુતિ  કરવામાં આવી હતી.

પ્રભુ કથિત જ્ઞાનવૃધ્ધિકર એવા દસ અમૂલ્ય નક્ષત્રમાંનાં પૂર્વાષાઢા નક્ષત્રના દુર્લભ યોગમાં આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રી એ નાભિના નાદથી વિશિષ્ટ પ્રકારના મંત્રોચ્ચારપૂર્વક શ્રુત દેવતાઓને આહવાન આપીને જ્ઞાન પ્રાગટ્યની ત્રણ તબક્કામાં આરાધના કરાવવામાં આવી હતી. એની સાથે જ ઉપસ્થિત સર્વને આપવામાં આવેલાં સુતરના તાંતણા પર વિશેષ રૂપે જ્ઞાનવિધિ કરાવવામાં આવી હતી.

 આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રીએ અત્યંત બાળસહજ શૈલીમાં જ્ઞાનપ્રાગટ્ય અને જ્ઞાનવિકાસની સમજ આપતાં કહયું હતું કે, જેમ જેમ જ્ઞાનની આરાધના, જ્ઞાનનું પૂજન અને જ્ઞાન દેવતાનો વિનય કરવામાં આવે છે એમ એમ અંતરની અનંત જ્ઞાનશકિતઓ ખીલતી જતી હોય છે. વડીલજનો, ગુરુજનોનો કદી અવિનય ન કરીને એમનો વિનય કરનારા, જ્ઞાનની આરાધના કરનારા, શ્રુત દેવતાઓનું પૂજન અને ગણધર ભગવંતોને નમસ્કાર કરનારને જીવનમાં કદી કોઈ પુસ્તક ખોલ્યાં વિના પણ જ્ઞાનનું પ્રાગટય થઇ જતું હોય છે. એનાથી પણ વિશેષ જે પોતાના માતા-પિતાના જમણા પગના અંગૂઠાનો દરરોજ વિનયભાવે સ્પર્શ કરીને આશીર્વાદ પામતાં હોય છે તે મંત્ર કરતાં પણ વધારે અસરકારક બનીને સુપર મેમરીના ધારક બની જતા હોય છે. અને ભગવાન મહાવીર બતાવેલાં જ્ઞાનવૃદ્ઘિ કરાવનારા દસ નક્ષત્રના યોગમાં જ્ઞાન આરાધના કરવાથી જ્ઞાનનો વિકાસ થતો હોય છે.

રાજકોટ લુક એન લર્નના નાના બાળકો દ્વારા પ્રસ્તુત હું જ્ઞાની બનીશ નાટિકામાં બાળકો દ્વારા જ્ઞાનને પ્રગટ કરવા માટેના આવશ્યક ગુણોનો પરિચય કરાવામાં આવ્યો હતો. આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રીના શ્રીમુખેથી પ્રગટતાં મંત્રોચ્ચાર દ્વારા અભિમંત્રિત દેવાધિષ્ઠિત એવા મંગલ કળશને ઘરે લઈ જવાનો અમૂલ્ય લાભ  દીપ હિતેનભાઈ મહેતા અને  મીર મીમલભાઇ જોષીએ લીધો હતો. તથા  હર્ષ દોશીરાષ્ટ્રસંત પૂજયશ્રીના શુભ હસ્તે કળશ મેળવી સહભાગી બન્યા હતા.

(3:38 pm IST)