Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જાહેર રજાઓમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય અર્થે વિદ્યાર્થીઓને ન બોલાવવા જાહેરનામું

 રાજકોટ તા.૧૩ :- રાજકોટ શહેર તથા ગ્રામ્ય જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જોવા મળતા આપઘાતના બનાવો રોકવા, વિદ્યાર્થીઓને માનસિક તનાવનો ભોગ બનતા અટકાવવા તેમજ તેઓના કોઇ પ્રશ્નો હોય તો તેનો ઉકેલ શાળા કક્ષાએથી લાવવા માટે રાજકોટ જિલ્લાના  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.બી.પંડયા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

 સરકારી, અર્ધસરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, ટ્રસ્ટો સંચાલિત તેમજ સ્વનિર્ભર સહિતની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોએ કેન્દ્ર તેમજ રાજય સરકાશ્રીએ જાહેર કરેલ જાહેર રજાઓ તેમજ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટસ એકટ-૧૮૮૧ હેઠળ જાહેર કરેલ રજાઓના દિવસે વિદ્યાર્થીઓને શૈક્ષણીક કાર્ય અર્થે શાળાએ કે શાળાએ નક્કી કરેલ અન્ય સ્થળે બોલવી શકાશે નહીં.

 પ્રસંગોપાત જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય અર્થે શાળાએ કે શાળાએ નક્કી કરેલ અન્ય સ્થળે બોલાવવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય તો શાળાએ કચેરીના કામકાજના ચોખ્ખા ૭ દિવસ પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ અરજી કરી પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કે સરકારશ્રીના કોઇપણ વિભાગના આદેશ અન્વયે જાહેર રજાઓમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય તો તેવા પ્રસંગે આ જાહેરનામાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમ તા ૦૩/૦૧/૨૦૧૯ સુધી સમગ્ર રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

(3:07 pm IST)