Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

માનવ જીવડા સમજી લેજે

માનવ જીવડા સમજી લેજે               આ કાયા નથી રહેવાની

ભાથુ તારૂ બાંધી લેજે              ત્યાં જરૂર પડશે ખાવાની

સંસારમાં રહીને સંત બનજે              દુખિયાની સેવા કરવાની

રડતાના તું આંસુ લુછજે           ફરજ પાળજે હસવાની

માતા - પિતાની સેવા કરજે              તક છે આશિષ લેવાની

ગુરૂ ચરણમાં વંદન કરજે                કંઠી ગુરૂની પહેરવાની

સાંઈઠ વર્ષે તુ ત્યાગી બનજે             નહિંતર ફજેતી થવાની

પાંચ પચીસનું પુણ્ય કરજે               સુવાસ તારી રહેવાની

સમય લઈને ભજન કરજે               જરૂર છે રામનામ ગાવાની

ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની                ત્યારે વેળા થશે જાવાની

લાકડા ભેળા બાળી દેશે           હશે ઉતાવળ નાવાની

લોટ પાણીનો લાડવો મુકશે             જરૂર નથી તારે ખાવાની

હાડકા લઈને હાલતો થાશે               રાખ તારી ઉડી જાવાની

બાર દિવસ હાલતો થાશે                ઉતાવળ લાડવા ખાવાની

સોળમા દિવસે વરસી વાળશે            ઉતાવળ સોગ મૂકવાની

ત્રીજા વર્ષે શ્રાદ્ધમાં ભેળવે                કાગને વાસ નાખવાની

પ્રાણ સગી છે આ દુનિયા                ઘડીકમાં ભૂલી જાવાની

માટે સંતો ભકતો કહે છે           જરૂર છે સમજી લેવાની

:: સંકલન :: અશોક હિન્ડોચા (રાજકોટ) મો. ૯૪૨૬૨ ૦૧૯૯૯)

(3:03 pm IST)