Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ચાલો... પૂ.જલારામબાપાની શોભાયાત્રામાં જોડાઈ અને કૃતજ્ઞ બનીએ

રાત્રે બોલો જય જલારામ, સવારે વાગે સુખનો આલરામ : એકતા અને સંગઠનમાં ખૂબ જ શકિત ભરેલી છે

રાજકોટ શહેર એટલે રંગીલુ, મોજીલુ, આનંદમય શહેર, છતાંય એટલું જ ધાર્મિક, આધ્યાત્મિક, સાત્વિકતાનો મહાસાગર રાજકોટમાં પ્રેમથી હિલોળા લેતો હોય છે. કથા, સપ્તાહ, ભાગવત, રામનવમી કે જન્માષ્ટમી કે તેની શોભાયાત્રા નવરાત્રિના ડિસ્કો ડાંડીયા હોય કે દિવાળીની ઉજવણી રાજકોટવાસી દરેક અવસરને પ્રેમથી ઉજવે છે અને એમાં પણ રાજકોટનો લોહાણા રઘુવંશીની વસ્તી રાજકોટમાં વધારે છે. લોહરાણા કહીએ કે રઘુવંશી કે જલારામ ભકતો રાજકોટની રઘુવીર યુવા સેના નામની સંસ્થાએ પૂજય જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે શોભાયાત્રાની શરૂઆત કરી અને નવી પ્રણાલિકા શરૂ કરી જે ખરેખર તેના આયોજકો હોદેદારો ધન્યવાદને પાત્ર છે. ધીમે ધીમે દર વર્ષે રઘુવંશીની અને જલારામ ભકતોની સંસ્થાઓને સામેલ કરી અને જલારામ જન્મોત્સવ સમીતી બનાવી. પૂજય જલરામબાપાની જયંતિની શોભાયાત્રામાં ગણ્યા ગાઠયા કાર્યકરો, રઘુવંશીઓ અને જલારામભકતો હોય છે. આટલું સરસ પૂજય બાપાની જન્મજયંતિ ઉજવવાનું આયોજન / શોભાયાત્રા હોય તો પછી હજારોની સંખ્યામાં જલારામ ભકતો, રઘુવંશીઓ કેમ નથી જોડાતા? કોર્પોરેશન, ધારાસભા, સંસદની ચૂંટણી વખતે રઘુવંશી સમાજને નામે કંઇક નિવેદનો થતા હોય છે. જયારે આ તો પૂ.જલારામબાપાની શ્રધ્ધાની વાત છે. રઘુવંશી સમાજના શ્રેષ્ઠી દાતાઓ પોતાનો સહકાર આપતા જ હોય છે, તો પછી રઘુવંશીઓ અને જલારામ ભકતો કયા કારણોસર શોભાયાત્રામાં કેમ નથી જોડાતા?

પૂ.જલારામબાપાની ૨૧૯મી જન્મજયંતિએ રઘુવંશીઓ જલરામ ભકતો ભાઈઓ- બહેનો, બાળકો, વડીલો બધા પૂજય બાપામાં શ્રધ્ધા રાખી એકતાનો સૂર પુરાવી, પૂ.જલારામબાપાની આવતીકાલેબુધવારે શોભાયાત્રામાં જોડાઈને ખરા અર્થમાં શોભાયમાન બનાવી તેવી  ભકતોને બે હાથ જોડી પ્રાર્થના છે, રાજકોટના દરેક મોટા વિસ્તારમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા જલારામ જયંતિની મહાપ્રસાદ સાથે ભવ્ય ધાર્મિક ઉજવણી થાય છે તે બધા આયોજકો પણ અભિનંદનને પાત્ર છે અને આ રીતે પણ પૂજય બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. દરેક રઘુવંશીએ પોતાના ઘરના આંગણામાં રંગોળી કરવી જોઈએ અને દિવડા પ્રગટાવવા જોઈએ.

આ વર્ષથી સંકલ્પ કરીએ કે દરેક રઘુવંશી પરિવારમાંથી બે વ્યકિત શોભાયાત્રામાં જોડાઈને પૂ.જલારામબાપાની કૃપા અને આર્શિવાદ મેળવીએ અને ધન્યતાનો અનુભવ કરીએ. પૂ.જલારામબાપા સર્વેનું કલ્યાણ કરેએ જ પ્રાર્થના અને અભ્યર્થના...

બીપીન વસાણી, કલાકાર, રાજકોટ, મો.૯૮૨૪૨ ૪૮૦૨૭

(3:00 pm IST)