Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ભણવું નહોતું ગમતું એટલે ધોરણ-૧૨ કોમર્સની વિદ્યાર્થીની ઉર્વિશા ઉંધાડએ ઝેર પી જિંદગી ટૂંકાવી

લક્ષમણ પાર્કની વિદ્યાર્થીની હાલમાં મવડી રોડ પૂનમ સોસાયટીમાં માસા-માસીના ઘરે રહી બારદાનવાલા સ્કૂલમાં ભણતી હતીઃ એકની એક દિકરીના મોતથી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: મવડી રોડ પર પટેલ બોર્ડિંગ પાસે પૂનમ સોસાયટીમાં રહેતી ઉર્વિશા પ્રવિણભાઇ ઉંધાડ (પટેલ) (ઉ.૧૮) નામની ધોરણ-૧૨ કોમર્સની વિદ્યાર્થીનીએ ભણવું ગમતું ન હોવાને કારણે ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ઉર્વિશાના માતા ઇન્દુબેન અને પિતા પ્રવિણભાઇ ગ્રીનલેન્ડ ચોકડીએ લક્ષમણ પાર્કમાં રહે છે. તેણી મવડી રોડની બારદાનવાલા સ્કૂલમાં ધોરણ-૧૨ કોમર્સમાં ભણતી હતી. ઘરથી સ્કૂલ દૂર પડતી હોઇ પહેલા આ સ્કૂલ નજીક બોર્ડિંગમાં એડમિશન લીધી હતું. પણ ત્યાં રહેવું ન ફાવતાં પૂનમ સોસાયટીમાં માસી મંગુબેન ચંદુભાઇ કોઠીયાના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. ગઇકાલે સવારે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં ઉલ્ટીઓ કરતી હોઇ સ્વજનોને જાણ થતાં ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ સારવાર દરમિયાન ગત રાત્રે તેણીએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ ડો. ખુશ્બુબેન મારફત થતાં માલવીયાનગરના પીએસઆઇ જે. એ. ખાચર અને રાઇટર કલ્પેશભાઇએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ઉર્વિશાનેે અભ્યાસ કરવો ગમતો ન હોઇ જેથી કંટાળીને આ પગલું ભરી લીધું હતું. તે એક ભાઇથી મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. એકની એક દિકરીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બેભાન હાલતમાં ચિરાગ બગડા અને લીલાબેન નૈયાના મોત

નાના મવા જયભીમનગર-૪માં રહેતો ચિરાગ મુકેશભાઇ બગડા (ઉ.૧૮) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તાલુકાના હેડકોન્સ. આર. જી. ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બીજા બનાવમાં ગાંધીગ્રામ શયામનગર-૩માં રહેતાં લીલાબેન બાબુભાઇ નૈયા (ઉ.૪૬) રાત્રે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:55 pm IST)