Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ખોખડદળના પુલ પાસે છકડો રિક્ષા અને બાઇક અથડાતાં શાપરના બાવાજી યુવાનનું મોતઃ મિત્ર ખાંટ યુવાનને ઇજા

બંને મિત્રો રાજકોટ રણુજા મંદિર પાસે સગાને મળવા આવી રહ્યા હતાં: જગદીશ ખાંટ સારવારમાં

તસ્વીરમાં બાવાજી યુવાનનો નિષ્પ્રાણ દેહ અને ઇજાગ્રસ્ત રજપૂત યુવાન જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: કોઠારીયા સોલવન્ટ નજીક ખોખડદળના પુલ પાસે સર્વિસ રોડ પર બપોરે છકડો રિક્ષા અને બાઇક સામ-સામે અથડાતાં બાઇક ચાલક શાપરના બાવાજી યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. જ્યારે તેની સાથેના મિત્ર રજપૂત યુવાનને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો છે.

જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળ રહેતો અને બાપુ તરીકે ઓળખાતો આશરે ૩૦ વર્ષનો બાવાજી યુવાન પોતાનું હોન્ડા નં. જીજે૩એએન-૫૪૩૦ હંકારી રાજકોટ આવતો હોઇ તેણે પોતાની સાથે મિત્ર જગદીશ દેવાયતભાઇ રાઠોડ (ખાંટ) (ઉ.૩૦)ને પણ લીધો હતો. બંને મિત્ર રાજકોટ ખોખડદળના પુલ પાસે પહોંચ્યા ત્યારે સામેથી છકડો ચાલકે અકસ્માત સર્જતા બાઇક ચાલક બાવાજી યુવાન અને પાછળ બેઠેલો મિત્ર જગદીશ રાઠોડ બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી.

૧૦૮ના ઇએમટી મનુભાઇ આહિર અને પાઇલોટ નરેશભાઇએ બંનેને સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ બાવાજી યુવાનનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત જગદીશના કહેવા મુજબ તેને મૃતક સાથે નવી-નવી દોસ્તી થઇ હોઇ તેનું સાચુ નામ આવડતું નથી. પણ તેને બધા બાપુ-બાપુ કહીને બોલાવે છે. તે પરિણીત છે અને સંતાન પણ છે. તેને તેના સગાને ત્યાં રાજકોટ કામ હોઇ પોતે પણ તેની સાથે આવ્યો હતો. મૃતકના સગા સંબંધીને શોધવા પોલીસે તજવીજ કરી હતી. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને રાઇટર દિગ્વીજયસિંહ રાણાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:40 pm IST)