Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

૯૩ કિલો ઇમિટેશનના માલની ચોરીનો ભેદ ખુલ્યોઃ સોખડા-બારવણના બે શખ્સ પકડાયા

બી-ડિવીઝનના પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, કોન્સ. કિરણભાઇની બાતમી પરથી અવીશ કોળી અને મિત્ર શૈલેષ કોળીની ધરપકડઃ ચોરાઉ માલ રાખનાર અનિલ ચાવડાની શોધખોળ : જ્યાં ચોરી કરી એ જ કારખાનામાં અગાઉ શૈલેષ કામ કરતો હતોઃ દિવાળીમાં પૈસાની જરૂર હોઇ મિત્ર સાથે મળી હાથફેરો કર્યો'તો

રાજકોટ તા. ૧૩: ધનતેરસના દિવસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવ ચેમ્બર્સમાં આવેલા દિનેશભાઇ છગનભાઇ શીંગાળાના કારખાનામાંથી રૂ. ૪૪૧૩૦ની કિંમતના ઇમિટેશનના ૯૩ કિલો માલની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલી નાંખી રાજકોટના સોખડા અને બારવણ ગામના બે મિત્ર કોળી શખ્સોને પકડી લીધા છે. ચોરેલો મુદ્દામાલ લઇ ત્રીજો શખ્સ ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

દિનેશભાઇના કારખાનામાંથી તસ્કરો પિત્તળના પારાનું બાચકુ, પિત્તળના તારના ત્રણ બંડલો, ૩૦ કિલો ટાંચણી જેવો છુટક માલ ચોરી ગયા હતાં. આ મામલે ઘરમેળે તપાસ કર્યા બાદ પરમ દિવસે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. દરમિયાન પીએસઆઇ એમ. એમ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ અને કોન્સ. કિરણભાઇ પરમારને બાતમી મળી હતી કે આ ચોરીમાં સોખડાનો અવિશ ઉર્ફ આયુષ ધીરૂભાઇ મકવાણા (ઉ.૨૧-રહે. સોખડા) તથા શૈલેષ લાખાભાઇ સોરાણી (ઉ.૨૦-રહે. બારવણ)ની સંડોવણી છે અને આ બંને બાઇક પર નવાગામના રસ્ેતથી પસાર થવાના છે.

આ બાતમીને આધારે વોચ રાખી બંનેને જીજે૩કેએલ-૪૦૯૧ નંબરના બાઇક પર નીકળતાં પકડી લઇ વિશીષ્ટ ઢબે પુછતાછ કરતાં બંનેએ ચોરીની કબુલાત આપી હતી. ચોરાઉ મુદ્દામાલ મોરબી રોડ પર બજરંગ પાર્ક-૨માં રહેતાં અનિલ ચાવડા પાસે હોવાનું બંનેએ કબુલતાં બંનેની ધરપકડ કરી અનિલની શોધખોળ હાથ ધરી છે. ચોરીમાં વપરાયેલુ બાઇક કબ્જે કરાયું છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી આર. એસ. ટંડેલની સુચના તથા પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં આ ડિટેકશન થયું હતું. હેડકોન્સ. મનોજભાઇ મકવાણા, કોન્સ. કેતનભાઇ નિકોલા, હરપાલસિંહ વાઘેલા પણ ટીમમાં સામેલ હતાં.

આયુષ કેટરીંગનું કામ કરે છે. જ્યારે શૈલેષ અગાઉ જ્યાં ચોરી કરી એ દિનેશભાઇના કારખાનામાં જ કામ કરતો હતો. તેને અગાઉ કાઢી મુકાયો હતો. દિવાળી પર પૈસાની ખેંચ હોઇ જેથી મિત્ર આયુષ સાથે મળી ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને આ પ્લાન પાર પાડ્યો હતો.

(11:15 am IST)