Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કિશોર રામાણી લાખોના દેણામાં ડુબી ગયો'તો : ૨૬ લાખ ચુકવવા ન પડે એટલે જ જયેશની હત્યા કરી'તી

જયેશ રામાણીના હત્યારા કિશોર રામાણી, તેના ભાઇ અને પિતાના રિમાન્ડ પુરા થતાં જેલહવાલે : કબીરવન સોસાયટીના યુવાનનો ભોગ લેનારા પટેલ શખ્સ કિશોરે પોતાના કોૈટુંબીક સાળા સાથે પણ ઠગાઇ કરતાં જેલમાં જવું પડ્યું'તું: રિમાન્ડ દરમિયાન બહાર આવેલી વિગતો

રાજકોટ તા. ૧૨: સામા કાંઠે સંત કબીર રોડ પર કબીરવન સોસાયટી-૨માં રહેતાં અને ઘર બેઠા ચાંદીકામ કરતાં જયેશ છગનભાઇ રામાણી (ઉ.૩૫) નામના લેઉવા પટેલ યુવાનને તા.૫ના રોજ  કુવાડવાના જીયાણા ગામે ચાંદીના ૨૬ લાખની ઉઘરાણી માટે કિશોર ચનાભાઇ રામાણીના ઘરે ગયો ત્યારે કિશોરે તેના પિતા ચનાભાઇ અને ભાઇ જીતેન્દ્ર સાથે મળી જયેશને બળજબરીથી એસિડ પીવડાવી દેતાં સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં કિશોર પણ ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ થયો હતો અને પોતાના પર જયેશે છરીથી હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં આ ઘટનામાં કિશોર, તેના ભાઇ જીતેન્દ્ર અને પિતા ચનાભાઇ રામાણીએ કાવત્રુ રચી એસિડ પાઇ જયેશની હત્યા કરી પુરાવાનો નાશ કર્યાની વિગતો સામે આવતાં તે મુજબ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. આજે રિમાન્ડ પુરા થતાં બપોરે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે કરવા હુકમ થયો હતો.

પ્રારંભે તો કિશોર રામાણી (ઉ.૨૮)એ  પોતાની પાસે જયેશે ૫ લાખની ઉઘરાણી કરી ે છરી ઝીંકી ઇજા કર્યાની અને બાદમાં જયેશે જાતે ઝેર પી લીધાની સ્ટોરી ઘડી કાઢી હતી. પણ કુવાડવા પોલીસની તપાસમાં કાવત્રુ રચી જયેશની હત્યા કરવામાં આવ્યાનું ખુલતાં તે મુજબ ગુનો નોંધી કિશોર, તેના ભાઇ અને પિતાની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતાં  રિમાન્ડ મંજુર થયા હતાં. આ રિમાન્ડ આજે પુરા થતાં ત્રણેયને કોર્ટ હવાલે કરાયા હતાં. 

રિમાન્ડ દરમિયાન પોલીસ સમક્ષ કિશોરે હત્યાની કબુલાત આપી છે. તે લાખોના દેણામાં ડુબી ગયો હતો. જયેશ રામાણીના ૨૬ લાખ ચુકવવા ન પડે તે માટે તેણે તેનો કાંટો કાઢી નાંખ્યાનું પણ ખુલ્યું છે. પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે અનેક લોકો પાસેથી કિશોર રામાણીએ મોટી રકમો લઇને ધુંબા મારી દીધા હતાં. ખુદ તેના કોૈટુંબીક સાળા સાથે પણ ઠગાઇ કરતાં તે અંગે ગુનો નોંધાતાં કિશોરને અગાઉ થોડા દિવસ માટે જેલમાં પણ રહેવું પડ્યું હતું.  ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પી.આઇ. એમ.ડી. ચંદ્રવાડીયા, એએસઆઇ હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી સહિતે આ કેસની તપાસ કરી છે.

(3:15 pm IST)