Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

લોહાણા મહાજન સમિતિની ચૂંટણી બિનવિવાદ- બિનહરીફ સંપન્ન

બંધારણની પ્રક્રિયાનું અક્ષરસઃ પાલનઃ ૪૨ વેપારીઓ, ૧૩ તબીબો, ૮ પ્રોફેશનલોનો સમાવેશ : કિરીટભાઈ ગણાત્રાની મધ્યસ્થી : મહાજન સમિતિમાં મહિલાઓને પ્રાધાન્ય : મહાજન પ્રમુખપદના સક્ષમ દાવેદારોએ ફોર્મ પરત ખેંચીને કે ઉમેદવારી ન કરી

રાજકોટ તાઃ ૧ર રાજકોટમાં વિશાળ વસ્તી ધરાવતા લોહાણા સમાજમાં લોહાણા મહાજનની ચુંટણીની ચર્ચાઓને કારણે તથા મહાજન પ્રમુખ માટેની પ્રક્રિયા માટે છેલ્લા દિવસોમાં જે કંઇ ચડાવ ઉતાર આવ્યા તેને કારણે જ્ઞાતીનું વાતાવરણ ડહોળાઇ રહયુ હતુ. રાજકારણમાં જ્ઞાતી હોવી જોઇએ તેને બદલે જ્ઞાતીમાં રાજકારણ પ્રવેશી જાય તેવી ભિતી સર્જાઇ હતી. જો લોહાણા સમાજમાં ચુંટણી થાય તો સમાજમાં તડા પડે તેવી સ્થિતી સર્જાઇ હતી અને આમય જે કંઇ પ્રક્રિયા ચાલતી હતી તે બંધારણને સુસંગત ન હતી.

લોહાણા સમાજના હિત ચિંતક આગેવાનોએ આ પરિસ્થિતિમાંથી અને આ મુશ્કેલી ભર્યા સમયમાંથી જ્ઞાતી બહાર નીકળે અને સમરસ પેનલની વરણી થાય કે જેમાં સમાજના ખરા અર્થના શ્રેષ્ઠીઓનો સમાવેશ હોય તે માટે લોહાણા સમાજના સંખ્યાબંધ આગેવાનોએ  સૌરાષ્ટ્રના લોકપ્રિય સાંઘ્ય દૈનિક ''અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો સંપર્ક સાધી લોહાણા સમાજમાં મહાજન સમિતીનું કાર્ય સર્વાનુમતે, ર્નિર્વિધ્ને થાય અને કોઇ જાતનો વિવાદ ન થાય તે રીતે સમગ્ર પ્રક્રિયા પાર પાડવા માટે લેખિત વિનંતી કરવા સાથે વરણીની તમામ સતાઓ શ્રી કિરીટભાઇને સુપ્રત કરી.જ્ઞાતીના હિતમાં શ્રી કિરીટભાઇ ગણાત્રાએ આગેવાનોની લાગણીનો સ્વીકાર કર્યો હતો. 

સૌપ્રથમ તો લોહાણા સમાજના અનુભવી એવા આગેવાનો પાસેથી નામાંકન થયેલ નામાંકિત લોહાણા સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓની યાદીઓ મંગાવી અને આ યાદીમાંથીજ પસંદગી કરવાની હોય સમાજના આગેવાનોએ પણ હોશે હોશે સમાજના  વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓને ચકાસી ચકાસીને યાદીઓ મોકલી. આનંદ અને હર્ષની વાત એ છેકે લોહાણા સમાજના બહોળા અનુભવી અને વિવિધ ક્ષેત્રમાં નામના ધરાવતા આગેવાનોએ એ યાદીમાં સામેથી ઉદારતા દાખવી પોતાના બદલે સમાજના અન્ય શ્રેષ્ઠીઓને તક મળે તે માટે તેઓએ પોતાના નામ જાતે જ મોકલેલ લીસ્ટમાં સામેલ ન કરી અભૂતપૂર્વ અને ઐતિહાસીક ઉદારતાના દર્શન કરાવ્યા અને અહીંથીજ ખરા અર્થમાં આજ સુધીમાં ભાગ્ય બન્યુ હોય તેવી લોહાણા જ્ઞાતીની એકતાની અભૂતપૂર્વ ઝાંખી જોવા મળી છે.

લોહાણા મહાજન સમિતીના સભ્યોની ચુંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય અને સાથો સાથ બંધારણના મુળભુત સિદ્ઘાંતો, પ્રાવધાનો અને પ્રક્રિયાઓને લક્ષમાં રાખીનેજ થાય તે માટે ચુંટણી પ્રક્રિયાના અધિકારી તરીકેની જવાબદારી કાયદેઆઝમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં જાણીતા હોવાની સાથો સાથ સૌરાષ્ટ્રની અનેક વિવિધ સહકારી બેંકો તથા સંસ્થાઓની ચુંટણીનું સફળતા પૂર્વક ચુંટણી અધિકારી તરીકે સંચાલન કરી ચુકેલા આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ. ડો.પુરૂષોત્તમભાઇ પીપરીયાને સુપ્રત થઇ હતી તે પહેલા જોઇન્ટ ચેરીટી કમિશ્નર શ્રીના હુકમનું પાલન કરવા માટે સમાજના વિવિધ ક્ષેત્રના અનુભવી શ્રી હિરાભાઇ માણેક, શ્રી નવીનભાઇ ઠકકર, સુ.શ્રી વિણાબેન પાંધી, શ્રી રામભાઇ બરછા, શ્રી એ.ડી. રૂપારેલ અને શ્રી અનીલભાઇ વણઝારા મળી કુલ છ આગેવાનોની ચુંટણી સંચાલન માટે નિમણુંક કરી અને આમ ચુંટણી પ્રક્રિયાનો કોઇપણ જાતના વાદ વિવાદ અને હુસાતુસી વગર ઐતિહાસિક યાત્રા આગળ ચાલી. ભારે વ્યસ્તતા વચ્ચે અકિલા પરીવારના મોભી અને લોહાણા સમાજના અગ્રણી મુરબ્બી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તમામ પ્રક્રિયા પારદર્શક રીતે ચાલે તે માટે બારીક નજર રાખી.

લોહાણા સમાજમાં જ્ઞાતીના વિશાળ હિતને ધ્યાને લઇ સમાજના આગેવાનો પણ આ એકતા યાત્રામાં હોશે હોશે સામેલ થઇ અને તેઓએ પણ લોહાણા સમાજના વિવિધ ક્ષેત્રના સ્વચ્છ છબી ધરાવતા શ્રેષ્ઠીઓ પસંદ થાય તે માટે ખુબજ જહેમત લઇ યાદીઓ તૈયાર કરી અને યાદીઓ સુપ્રત કરી. લોહાણા સમાજના અનુભવીઓના નીચોડ આધારે તૈયાર થયેલી યાદીને લક્ષમાં રાખીને મહાજન સમિતીના સભ્યોની શ્રેષ્ઠ પસંદગી થઇ. આ ઘટના માત્ર રાજકોટ લોહાણા મહાજનની ''શાન'' તો બની પરંતુ એને માત્ર રાજકોટની શાન કહેવાના બદલે દેશના લોહાણા સમાજના ઇતિહાસમાં ભાગ્યેજ બન્યુ હોય તેવું બન્યાનું નિઃસંકોચ કહી શકાય.

બંધારણના અક્ષરસઃ પાલન મુજબ આખી પ્રક્રિયાને અંતે સમિતીમાં જે સભ્યો પસંદ થયા તે પણ આજ સુધી ભાગ્યેજ બન્યુ હોય તેવું છે.

લોહાણા મહાજન સમિતીના સભ્યોની પસંદગીની વાત કરીએ તો તેમાં સમાજના વેપાર ઉદ્યોગ ક્ષેત્રના ૪ર વેપારીઓ, વિવિધ ફેકલ્ટીના ૧૩ નામાંકિત તબીબો અને ૮ જેટલા પ્રોફેશ્નલો જેમાં ર ચાર્ટડ એકાઉન્ટન્ટનો સમાવેશ થાય છે. તેનો આ યાદીમાં સમાવેશ છે. આ યાદીમાં જ્ઞાતીની વિવિધ સામાજીક સંસ્થાઓના  સંચાલનના અનુભવીઓ તેમજ સમાજ હિત માટે સતત કાર્યરત રહેતા કાર્યકરોની પણ મહાજન સમિતીમાં સમાવેશ છે. આમ દરેક રીતે સમતોલ પ્રતિનિધિત્વ માટેના પ્રયાસો સફળ નિવડયા છેેે.

રા.લો.મહાજન ટ્રસ્ટના બંધારણમાં મહિલાને અનામત આપવાની જોગવાઇ મુજબ ઓછામાં ઓછા ૧૧ મહિલાઓ મહાજન સમિતીમાં હોવા અનિવાર્ય હતા પરંતુ આ વખતે મહાજન સમિતીમાં ૩૦ જેટલી બેઠકો ઉપર મહિલાઓને સ્થાન આપી સ્ત્રીસશકિતકરણને વાસ્તવિક રીતે પ્રાધાન્ય આપવામાં આવેલ છે તે બાબતને પણ સમાજના મહિલા આગેવાનોએ હોશે હોશે વધાવી છે.

લોહાણા સમાજમાં કોઇ જાતના વાદવિવાદ અને હુસાતુસી વગર મહાજન સમિતીના સભ્યોની પ્રક્રિયા થાય તે માટે સમાજના જે શ્રેષ્ઠીઓએ પોતાના અનુભવ આધારે નામાંકિત થયેલા સમાજ શ્રેષ્ઠીઓની યાદીઓ જેઓએ મોકલી હતી તેમાં સર્વશ્રી કાશ્મીરાબેન નથવાણી, રાજુભાઇ પોબારુ, રમેશભાઇ  ધામેચા, જનકભાઇ કોટક, વિણાબેન પાંધી, હસમુખભાઇ બલદેવ, યોગેશભાઇ પુજારા, સંજયભાઇ લાખાણી સહિતના આગેવાનોનો સમાવેશ છે. અગાઉ જણાવ્યું તેમ ઉકત આગેવાનોએ જ્ઞાતીના વિશાળ હિતમાં પોતાના અનુભવ આધારિત નામોની પસંદગી કરી લીસ્ટતો મોકલ્યુ પરંતુ આજસુધી લોહાણા જ્ઞાતીના ઇતિહાસમાં ભાગ્યેજ બન્યુ હોય તેવુ બન્યુ જેની નોંધ લીધા સિવાય ચાલે તેમ નથી. ઉકત આગેવાનોએ પોતાના નામ સ્વૈચ્છાએજ લીસ્ટમાં ન ઉમેરી લોહાણા સમાજ ધારે તો તેવી અભૂતપૂર્વ એકતા દર્શાવી શકે છે તેનુ અદભુત ઉદાહરણ પુરુ પાડયુ છે.

આ યાદીમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે રાજકોટના લોહાણા સમાજના અગ્રીમ હરોળના શ્રેષ્ઠીઓ અને એક સમયના લોહાણા મહાજનના પ્રમુખ પદ માટેના દાવા માટે સક્ષમ એવા યોગેશભાઇ પુજારા અને રમેશભાઇ ધામેચાએ સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓને સેવાની તક મળે અને સમિતીમાં સ્થાન મળે તે માટે પોતાની ઉમેદવારી પરત ખેંચી, ''હું'' નહિં, ''તુ'' ની ભાવના ઉજાગર કરી હતી. તેઓના આ નિર્ર્ણયથી તેમના વ્યકિતત્વ અને સામાજીક કદમાં નોંધપાત્ર વધારો થયાનું લોહાણા સમાજ અહેસાસ કરી રહ્યા છે. એજ રીતે સેવાભાવી અગ્રણી શ્રી અનિલભાઇ વણઝારાનો સતત સરાહનિય સહકાર મળતો રહયો હતો. 

ચુંટણીની સમગ્ર પ્રક્રિયા બંધારણના ધારાધોરણો અને નિયમો મુજબ પુર્ણ કરી બિન–હરીફ ચુંટાયેલ લોહાણા સમાજના શ્રેષ્ઠીઓની યાદીનુ લીસ્ટ અને ચુંટણી પ્રક્રિયાના સાધનિક કાગળો (રેકર્ડ) ચુંટણી અધિકારી ડો.પુરૂષોત્તમ પીપરીયાએ ચુંટણી સમિતીને સુપ્રત કરી આપેલ છે. ચુંટણી સમિતી બિન–હરીફ ચુંટાયેલ મહાજન સમિતીના સભ્યોની બેઠક તુરત બોલાવશે.

આગામી મહાજન સમિતીની બેઠકમાં પ્રવર્તમાન મહાજન સમિતીના સભ્યો અને ચુંટણી પ્રક્રિયામાં હાલમા બિન–હરીફ ચુંટાયેલ સભ્યોની સંયુકત રીતે બેઠક મળશે. આ બેઠકમાં બંધારણીય એજન્ડા તૈયાર કરવામાં આવશે અને તે એજન્ડાની આઇટમ મુજબ લોહાણા મહાજન પ્રમુખની ચુંટણી કરવામાં આવશે તેમજ અન્ય હોદેદારો સહિત કારોબારી સમિતીની પણ ચુંટણી કરવામાં આવશે.

(3:39 pm IST)