Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ZRUCCના સભ્ય તરીકે પાર્થ ગણાત્રા બહુમતીથી ચૂંટાયા : ૧૦ વર્ષથી કમીટીમાં છેઃ પ્રશ્નો મોકલવા અનુરોધ

સૌરાષ્ટ્ર-કચ્છના રેલ્વેના પ્રશ્નો માટે સતત જાગૃત રહે છેઃ રજુઆતો કરી સુવિધા અપાવે છે : નવી ટર્મમાં મુસાફરોને વધુમાં વધુ રેલ સુવિધા અપાવવા કોલ

રાજકોટ તા. ૧૩ : વેસ્ટર્ન રેલ્વે, રાજકોટ ડીવીઝનની, ડીવીઝનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટિ–DRUCCની તા.૧ર–૧૦–ર૦ર૧ ના રોજ ડિવીઝનલ રેલ્વે મેનેજરશ્રી અનિલ કુમાર જૈન તથા ડિવીઝનલ કોમર્શીયલ મેનેજરશ્રી અભિનવ જૈફની અઘ્યક્ષતામાં મળેલ બેઠક માં આ કમિટિ સભ્યો માંથી સૌરાષ્ટ્ર લેવલે એક સભ્યનું નામ  ZRUCCના સભ્ય તરીકે મોકલવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ. જેમા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા તેમજ અન્ય બે સભ્યોના નામની ભલામણ થયેલ. આ ત્રણ પૈકી એકની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા. મિટીંગમાં ઉપસ્થિત ર૧ સભ્યોમાંથી ૧૧ સભ્યોએ શ્રી પાર્થભાઈ ગણાત્રાની તરફેણમાં મત આપતા તેઓની ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટિ (ZRUCC) સભ્ય તરીકે તરીકે ભવ્ય બહુમતીથી ચૂંટાઈ આવતા નિમણુંક થયેલ છે.

શ્રી પાર્થભાઈ ગણાત્રા ૧૦ વર્ષથી રેલ્વે કમિટિ સાથે સંકળાયેલ છે. તેમજ અગાઉ પણ આ પોસ્ટ ઉપર રહી તેઓએ રાજકોટ–સૌરાષ્ટ્રના મુસાફરોને રેલ સુવિધામાં પડતી મુશ્કેલી અને તેના નિરાકરણ માટે રજૂઆતો કરી મહદઅંશે સફળતા પણ મેળવેલ છે. તેઓ રેલ્વેના વર્તમાન પ્રશ્નો જેવા કે કોઈપણ સંજગોમાં મુંબઈ સેન્ટ્રલ–હાપા વચ્ચે દોડતી દુરન્તો એક્ષપ્રેસને બોરીવલી અથવા મલાડ સ્ટેશને સ્ટોપ આપવા, જામનગર–બાન્દ્રા ટ્રેન હમસફર એકસપ્રેસ હાલ અઠવાડીયામાં ત્રણ વખત ચાલુ છે, જેને કાયમી ધોરણે ચાલુ કરવી, ઓખા–દેહરાદુન એકસપ્રેસ અઠવાડીયામાં એક વખત જાય છે આ ટ્રેન હરિદ્ઘાર મુસાફરી કરનાર માટે ખુબ જ અનુકુળ અને ઉપયોગી હોવાને કારણે કમ સે કમ અઠવાડીયામાં ત્રણ વખત ચલાવવી, પોરબંદરથી દિલ્હી સરાઈ રોહિલા જતી ટ્રેન ૧૪ કલાક સરાઈ રોહિલા પડી રહે છે તેને બદલે આ ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવી, અમદાવાદ–હરિદ્ઘારા દિલ્હી મેઈલ કાલુપુર સ્ટેશન પર ૧૪ કલાકનો લાંબો હોલ્ટ ધરાવે છે જેને રાજકોટ સુધી લંબાવવી, રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ર ઉપર મુકવામાં આવેલ એસ્કેલેટર માત્ર અપ સાઈડની સુવિધા પુરી પાડે છે. આ સ્થળે ચોથું એસ્કેલેટર તાત્કાલીક મુકવા, રાજકોટથી ચેન્નઈ જવા માટે ડાયરેકટ ટ્રેનની કોઈ સુવિધા ન હોવાને કારણે મુસાફરોને વાયા અમદાવાદ જવું અને આવવું પડે છે. તેથી ચેન્નઈ–અમદાવાદ ટ્રેન નવજીવન એકસપ્રેસને રાજકોટ સુધી લંબાવવી, ઓખા–જોધપુર વચ્ચે કોઈ ડાયરેકટ ટ્રેનની સુવિધા ન હોવાથી અઠવાડીક ટે્રન ચાલુ કરવી, ઓખા–દિલ્હી વચ્ચે અઠવાડીક ટે્રન ચાલુ કરવી, રાજકોટ રેવા ટ્રેન હાલ અઠવાડીયામાં એક વખત જાય છે. જેને અઠવાડીયામાં બે વખત શરૂ કરવી, વગેરે પ્રશ્નોને કેન્દ્ર તથા રાજય સરકાર અને ZRUCC તથા DRUCC મિટીંગોમાં પ્રધાન્ય આપી રાજકોટ ડીવીઝનને વધુ રેલ્વે સુવિધા મળે તે માટે સતત પ્રયત્નશિલ રહેશે. તેથી રેલ્વેને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને મોકલી આપવા અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:07 pm IST)