Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સિવીલ હોસ્પીટલના વર્ગ-૩ અને ૪ના ૪૫૦ મહિલા કામદારોનો કલેકટર કચેરીમાં આર્તનાદ : કોન્ટ્રાકટર પગાર આપતા નથી

પગાર ૧૬ હજાર નક્કી થયો છતા ૭ હજાર આપે છેઃ ગયા મહિનાનો પગાર આવ્યો નથી : કલેકટર તંત્ર સમક્ષ કોન્ટ્રાકટર નાકરાણી-સોલંકીની વિગતો આપીઃ ૭ દિવસથી હડતાલ ઉપર

કલેકટર કચેરીમાં સિવીલ હોસ્પીટલમાં કામ કરતી કોન્ટ્રાકટ બેઈઝ મહિલા કામદારોએ દેખાવો-સૂત્રો પોકારી કોન્ટ્રાકટરની શોષણ નીતિ સામે કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું.

રાજકોટ, તા. ૧૩ :. મહાદલિત પરિસંઘ રાજકોટ એકમે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ સરકારી સિવિલ હોસ્પીટલમાં વર્ગ-૪/૩ કોન્ટ્રાકટ સીસ્ટમ બંધ કરી મહિલા કામદારોનું આર્થિક, શારીરિક અને માનસિક શોષણ થતું અટકાવવા વર્ષોથી ખાલી પડેલ સેટઅપની આપના દ્વારા ભરતી કરવા માંગણી કરી હતી.

કલેકટર કચેરીએ ૪૦થી ૫૦ મહિલાઓ ઉમટી પડી હતી, ૭ દિવસથી હડતાલ પર આ લોકો ઉતર્યા છે. કોન્ટ્રાકટર નાકરાણી અને સોલંકી સમક્ષ આક્ષેપો કરી પગાર નહિ આપ્યાનું ઉમેર્યુ હતું.

આવેદનમાં જણાવેલ કે રાજકોટ સરકારી સિવિલ હોસ્પીટલમાં ઘણા વર્ષોથી અમારા યુનિયન તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વર્ગ-૪/૩ની ભરતી કરવા બાબત અનેક વખતથી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે. તેમજ ઉપવાસ આંદોલનો, હડતાલો કરવામાં આવેલ હોવા છતાં પણ આજ દિવસ સુધી રાજકોટ સરકારી સિવિલ હોસ્પીટલમાં વર્ગ ૪/૩ની ભરતી કરવામાં આવેલ નથી. અન્ય સ્ટાફોમાં અન્ય સરકારી ખાતાઓની કચેરીઓમાં ભરતી કરવામાં આવતી હોય તો રાજકોટ સરકારી સિવિલ હોસ્પીટલમાં શા માટે નહીં ? આવી વાલાદવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે તેને ધ્યાનમાં લઈ સિવિલ હોસ્પીટલમાં વહેલી તકે આપના દ્વારા ન્યાયની માંગણીઓને ધ્યાનમાં રાખી આપના દ્વારા ભરતી કરવા આપને નમ્ર વિનંતી છે. હાલ ધરણા આંદોલન ચાલુ છે તેને ધ્યાનમાં લઈ સહકાર અને સહયોગ આપી વહેલી તકે રાજકોટ સરકારી સિવિલ હોસ્પીટલની અંદર કોન્ટ્રાકટરો દ્વારા મહિલા કામદારોનું આર્થિક, શારીરીક અને માનસિક શોષણ થતુ અટકાવવા કલાસ ૪/૩ની ભરતી કરવા આપને નમ્ર વિનંતી અરજ છે. આવેદન આપવામાં કિરણભાઈ વાઘેલા, જ્યોત્સનાબેન સોલંકી, રમેશભાઈ વાઘેલા જોડાયા હતા.કલેકટર કચેરીએ દોડી આવેલ આ મહિલાઓએ કલેકટર તંત્ર અને પત્રકારો સમક્ષ રજૂઆતમાં જણાવેલ કે કોન્ટ્રાકટરો નાકરાણી-સોલંકીએ ગયા મહિનાનો પગાર આપ્યો નથી, અમારો પગાર ૧૬ હજાર નક્કી થયો છે, છતાં માંડ ૭ હજાર અપાય છે. અમે ૧૫ થી ૨૦ વર્ષથી ફરજ બજાવીએ છીએ. કોન્ટ્રાકટર સોલંકીનો કોઈ પત્તો નથી, તેના બદલે નાકરાણી સંચાલન કરે છે. સિવીલ હોસ્પીટલમાં કોી સાંભળતુ નથી.

(4:02 pm IST)