Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

આરોગ્ય કેન્દ્રો આધુનિક લેબોરેટરી સાધનોથી સજ્જ થશે : પુષ્કર પટેલ

હવે શહેરીજનોને વિનામૂલ્યે મોંઘા બ્લડ ટેસ્ટ - હૃદયરોગના ટેસ્ટ અને એકસ-રેની સુવિધા મળશે : બ્લડ સેલ કાઉન્ટર મશીન, ડીજીટલ એચ.બી.મશીન, ડીજીટલ બી.પી. મશીન, ઇ.સી.જી.સેન્ટ્રીફયૂજ મશીન, ઓટો એનાલાયઝર મશીન, ડીજીટલ એકસ-રે, મોબાઇલ કાઉન્ટેડ એકસ-રે મશીન સહિતના સાધનો ખરીદાયા : કોર્પોરેટરોએ ફાળવેલી ગ્રાન્ટમાંથી આરોગ્ય કેન્દ્રોનું અપ ગ્રેડેશન કરાયુ : સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન - આરોગ્ય ચેરમેન ડો. રાજેશ્રી ડોડીયાની જાહેરાત

રાજકોટ તા. ૧૩ : મ.ન.પા.ના ૨૩ જેટલા આરોગ્ય કેન્દ્રોની લેબોરેટરીઓ હવે આધુનિક લેબોરેટરી સાધનોથી સજ્જ થશે જેના કારણે શહેરીજનોને હવે આરોગ્ય કેન્દ્રોમાં જ મોંઘા બ્લડ ટેસ્ટ, હૃદયરોગ અંગેના ટેસ્ટ અને એકસ-રેની સુવિધા મળવા લાગશે. કેમકે કોર્પોરેટરો દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી આ નવા ૫૬૦ નંગ આધુનિક સાધનો ખરીદાયા છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાએ વિગતો આપતા જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓને પ્રત્યેકને સને ૨૦૨૧/૨૨ની વાર્ષિક ગ્રાન્ટ રૂ.૧૫ લાખ ફાળવણી કરવામાં આવેલ જે પૈકી પ્રત્યેક કોર્પોરેટરશ્રી દ્વારા રૂ.૦૫ લાખની ગ્રાન્ટ કોરોના વૈશ્વિક મહામારીના કપરા સમયમાં લોકોની સલામતી અર્થે, લોકોને પૂરી પાડવામાં આવતી આરોગ્યલક્ષી સેવા સુદઢ બનાવવામાં સહયોગ આપી શકાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા માટે ફાળવવામાં આવેલ. જે અન્વયે આરોગ્ય શાખા દ્વારા અંદાજીત કુલ રૂ.૨૮૧.૭૧ લાખના ખર્ચે, નીચે જણાવ્યા મુજબના જુદા જુદા ૧૩ પ્રકારના કુલ ૫૬૦ નંગ ઇકિવપમેન્ટ/ઇન્સ્ટુમેન્ટ સરકારશ્રીના GEM(જેમ) પોર્ટલ મારફત ગણતરીના દિવસોમાં ખરીદ કરવામાં આવશે અને શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં આવેલ કુલ ૨૩ આરોગ્ય કેન્દ્રમાં શહેરીજનોની સુવિધા અર્થે મુકવામાં આવશે.

આ અદ્યતન સાધનોના ઉપયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે પૂરી પાડવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓનું સ્તર ઉચું આવશે તેમ અંતમાં ચેરમેનશ્રી, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલે જણાવેલ છે.

(4:00 pm IST)