Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

અબ કી બાર નહિં ચાહિયે મહેંગાઈ કી સરકાર

ભાજપના રાજમાં વિકાસ તો થયો જ છે પણ માત્ર મોંઘવારીનો જઃ ભટ્ટી- મકવાણા- અનડકટ- મુંધવાના પ્રહારો

રાજકોટ,તા.૧૩: કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારે જાણે માલેતુજાર લોકો સામે હથિયાર નીચે મૂકી દીધા હોય તેમ દિવસેને દિવસે મોંઘવારીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. ત્યારે અબ કી બાર મહેંગાઈ કી નહિ સરકાર હેઠળ લોકોએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. સાથોસાથ તાયફાઓમાં વ્યકત ભાજપ સામે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે અને પ્રજાના પ્રશ્નને લઈને વિવિધ કાર્યક્રમો આપી રહી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઈ અનડકટ અને રણજીત મૂંધવાની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારના પાપે દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કરિયાણું વગેરેના ભાવો આસમાને પહોંચી ગયા છે. કોઈ પરિવાર બે ટંક જમી શકતો નથી.

એક અહેવાલ મુજબ ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૨૧માં પેટ્રોલ જે ૬૦માં મળતું હતું તે હવે ૧૦૦થી વધી ગયું છે. તેવી જ રીતે ડીઝલ જે રૂ.૫૫ માં મળતું હતું તે પણ ૧૦૦ રૂપિયે પહોંચી ગયું છે. ગેસ સિલિન્ડર ૪૧૪માં મળતો એ ૯૦૦ને પાર થઈ ગયો છે. દાળ ૭૦માં મળતી જે ૧૯૦ પહોંચી ગઈ છે. ૧૭ રૂપિયે મળતો લોટ ૩૦ રૂપિયે, ૩૫૦માં મળતું ઘી ૬૫૦એ, ૫૨ રૂપિયે મળતું તેલ ૨૧૦ રૂપિયે અને ૩૦ રૂપિયે મળતું દૂધ ૬૦ રૂપિયે પહોંચી  ગયું છે. ભાજપના રાજમાં વિકાસ થયો છે. તો માત્ર મોંઘવારીનો  એ હકકીત છે.

ત્યારે આવી પૈસાદાર લોકોને વધુ પૈસાદાર કરી ગરીબોના હક છીનવતી સરકારને હવે બાય બાય કહેવાનો વખત આવી ગયો છે. અબ કી બાર નહીં ચાહિયે મહેંગાઈ કી સરકાર એ સૂત્ર સાથે મોંઘવારી સામે જજુમતી  પ્રજા ભાજપને ઝાકારો આપશે એ નિશ્ચિત છે. તેમ જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઈ અનડકટ અને રણજીત મુંધવાની યાદીના અંતમાં જણાવાયું છે.

(3:57 pm IST)