Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગૂમ થયેલા પ્રોૈઢ મહેશભાઇ ઠુમ્મરની ધરમ સિનેમા પાછળના બંધ કવાર્ટરના ફળીયામાંથી લાશ મળી

આસપાસમાં થતી ચર્ચા મુજબ આ પ્રોૈઢ દિવાલ પકડીને ચાલતા હતાં: તાલુકા પોલીસમાં ગૂમ થયાની જાણ થઇ હતી

બંધ કવાર્ટરના ફળીયામાંથી પુરૂષની લાશ મળતાં પીઆઇ એલ. એલ. ચાવડા સહિતનો સ્ટાફ તપાસ માટે પહોંચ્યો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: ધરમ સિનેમા આર વર્લ્ડ પાછળ આવેલા કવાર્ટરમાં બંધ પડેલા કવાર્ટરના ફળીયામાંથી આજે બપોરે અજાણ્યા આશરે ૫૫ થી ૫૮ વર્ષના પુરૂષની લાશ મળી આવતાં ચકચાર જાગી છે. આ પુરૂષના નાક અને નેણ પર ઇજા જેવા નિશાન છે. નાક પરથી લોહી પણ નીકળી ગયું છે. મોત ગત રાતે અથવા એ પહેલા થયાનું લાશ જોતાં પોલીસનું અનુમાન છે. પડી જવાથી ઇજા થઇ છે કે પછી બીજા કોઇ કારણોસર? તે જાણવા પોસ્ટ મોર્ટમ  રિપોર્ટની રાહ જોવી પડશે. પોલીસે તપાસ શરૂ કરતાં આ લાશ મહેશભાઇ ડાયાભાઇ ઠુમ્મર (ઉ.વ.૫૭-રહે. જગન્નાથ પ્લોટ)ની હોવાનું અને તેઓ ગૂમ થયાની જાણ પણ તાલુકા પોલીસમાં થયાનું જાણવા મળ્યું છે. 

ધરમ સિનેમા પાછળ આવેલા સરકારી કવાર્ટરમાં એક કવાર્ટર લાંબા સમયથી બંધ પડ્યું હોઇ તેના ફળીયામાં એક પુરૂષની લાશ પડી હોવાની જાણ કોઇ રહેવાસી મારફત થતાં પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ આર. એસ. સાકરીયા, સંજયભાઇ દવે, ગોૈતમભાઇ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે તપાસ કરતાં એવી પ્રાથમિક માહિતી રહેવાસીઓ પાસેથી મળી હતી કે ગઇકાલે આ પ્રોૈઢ કવાર્ટર નજીક દિવાલ પકડીને ચાલતા હતાં. તેમને ચાલવામાં કોઇ તકલીફ હતી કે કેમ તે જાણવા મળ્યું નથી. બંધ કવાર્ટરના ફળીયામાંથી લાશ મળતાં રહેવાસીઓમાં ચકચાર મચી ગઇ હતી. આ પુરૂષ ચાલતાં ચાલતાં પડી જતાં નાક નેણ પર ઇજા થઇ હોઇ શકે છે. જો કે મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ પેનલ ડોકટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવશે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી.

દરમિયાન પોલીસને એવી માહિતી મળી છે કે આ પ્રોૈઢ તાલુકા પોલીસ મથક હેઠળના જગન્નાથ પ્લોટ વિસ્તારમાં રહેતાં હતાં. તેઓ ગૂમ થયાની જાણ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. તેમના સગાને પોલીસે ઘટના સ્થળે બોલાવ્યા છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર મહેશભાઇ ઠુમ્મર જગન્નાથ પ્લોટ એ. પી. પાર્ક પાછળ બીગ બાઝાર પાછળ રહેતાં હતાં. તેમને માનસિક તકલીફ જેવું હતું અને ગઇકાલે સવારે આઠેક વાગ્યે ઘરેથી નીકળી ગયા હતાં. ગૂમ થયાની જાણ પુત્ર પાર્થભાઇ ઠુમ્મરે તાલુકા પોલીસને કરી હતી.

(4:02 pm IST)