Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ભાજપમાં એક વિઝન સાથે યુવા મોરચો કામ કરે છેઃ પ્રદીપ ડવ

યુવા મોરચાના નવનિયુકત હોદેદારો કિશન ટીલવા (પ્રમુખ) અને મહામંત્રીઓ કુલદીપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયા કહે છે યુવાઓનું ઘડતર થાય, દેશ પ્રત્યે રાષ્ટ્રવાદની ભાવના થાય તેવા પુરતા પ્રયાસો કરીશું, યુવાઓનું સંગઠન વધુને વધુ મજબુત બનાવીશું

રાજકોટઃ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના નેતૃત્વમાં ગુજરાતભરમાં સંગઠન સંરચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલજી, પ્રદેશ મહામંત્રી તથા સોરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જ વિનોદભાઈ ચાવડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેમજ પ્રદેશ યુવામોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ તથા રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર સાથે સંકલન કરી રાજકોટ મહાનગર યુવા મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવા અને મહામંત્રી તરીકે કુલદીપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયાની નિયુકિત કરવામાં આવી છે.

 યુવા મોરચાના હોદેદારો કિશન ટીલવા (પ્રમુખ) તેમજ મહામંત્રીઓ કુલદીપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયાએ જણાવ્યુ હતુ કે યુવા મોરચો ખુબ મજબુત છે અને તેને વધુ મજબુત બનાવવાના પુરતા પ્રયાસો કરીશું. પૂર્વ મોરચાના હોદેદારો જે રીતે કાર્યકરોનો વ્યાપ વધાર્યો તેવી જ રીતે વધુ વ્યાપ વધારવા પ્રયત્નો કરવામાં આવશે.

શ્રી ટીલવા, શ્રી જાડેજા અને શ્રી પીપળીયાએ વધુમાં જણાવેલ કે કોલેજ કેમ્પસ, બોર્ડીંગ સહિત સ્થળોએથી સભ્યોને જોડવાના પ્રયાસો કરીશું ઉપરાંત યુવાઓનું ઘડતર થાય દેશ પ્રત્યે રાષ્ટ્રભાવના પ્રગટે તેવા પુરતા પ્રયાસો કરવામાં આવશે.

આ તકે મેયર પ્રદીપભાઇ ડવએ જણાવેલ કે ભાજપની કામગીરીમાં યુવાઓનું ખુબ જ મહત્વ પહેલાથી જ રહેલુ છે. આગામી વર્ષે ધારાસભાની ચુંટણી આવી રહી છે. તેમાં યુવા ટીમ પ્રચાર-પ્રસારની કામગીરીમાં જોડાશે. પક્ષને મજબુત બનાવવા યુવાઓ ખુબ મહેનત કરી રહયા છે. હાલ કોર્પોરેશન લેવલે સાત કોર્પોરેટરો એવા છે જે ૩૫ વર્ષની નીચેની ઉમરના છે.

પ્રદીપભાઇ ડવએ વધુમાં જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ખાસ કરીને યુવાઓને પક્ષમાં ખુબ જ મહત્વ આપે છે. યુવા મોરચાને તક આપે છે. જેથી તેને ઘડતરની સાથો સાથ અનુભવ પણ મળે છે. ભાજપ એક વિઝન સાથે યુવા મોરચો કામગીરી કરે છે. યુવાઓને સંગઠનમાં પણ તક આપવામાં આવેેે છે. જે સરાહનીય છે.

યુવા મોરચાના નવા હોદેદારોનો પરીચય જાણીએ તો કિશન ટીલવાએ વ્યવસાયે એડવોકેટ છે. શ્રી ઉમીયા પ્રોફેશનલ સમિતિ સૌરાષ્ટ્રના પ્રમુખ છે. શહેર યુવા ભાજપના પૂર્વ મંત્રી અને પૂર્વ યુવા કારોબારી સભ્ય છે. જયારે કુલદીપસિંહ જાડેજા યુવા ભાજપ મંત્રી અને શિવશકિત એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે. હેમાંગ પીપળીયા શહેર યુવા ભાજપના પૂર્વ મંત્રી અને વોર્ડનં.૯ના પુર્વ પ્રમુખ છે.

આ તમામ નવનિયુકત હોદેદારોએ 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આર્શીવાદ લીધા હતા. તસ્વીરમાં શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મેયર પ્રદીપભાઇ ડવ તેમજ નવનિયુકત હોદેદારો કિશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા અને હેમાંગ પીપળીયા તેમજ કાર્યકરો નજરે પડે છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:51 pm IST)