Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

સાથિયા પૂરાવો દ્વારે... દિવડા પ્રગટાવો રાજ... આજ મારા આંગણે પધારશે માઁ પાવાવાળી

રાજકોટ : જગત જનની માઁ જગદંબાની ભકિત કરવાનંુ પાવનકારી મહાપર્વ એટલે આસો નવરાત્રી. અશ્વિની નવરાત્રીમાં સમી સાંજ પડતા જ ધુપ - દિપ - દુહા - છંદ સંગ સમગ્ર માહોલ ભકિતમય બની જાય છે. શહેરી ચોક અને ઘરે ઘરમાં મામ્ પાહી ઓમ ભવ દુઃખ કાપો..નું સ્તુતિગાન, આરતી, ગરબા ગવાય છે. માતાજીની ભકિત કરી ભાવિકો ધન્ય બની રહ્યા છે. શેરી અને સોસાયટીના ચોક જાણે ચાચર ચોક હોય તેમ નાની બાળાઓ ખૂબ ઉત્સાહ અને ભાવપૂર્વક માતાજીને વિનવે છે કે યા દેવી સર્વભૂતેસુ શકિત રૂપેણે સંશથિતા નમસ્યે નમસ્યે નમો નમઃ શહેરના રેલનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપ (૨ બીએચકે) ખાતે છેલ્લા પાંચ વર્ષથી આસો નવરાત્રીનું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવે છે. સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી ગરબી મંડળની ૪૩ બાળાઓ દાંડીયા રાસ, તાલી રાસ, ટીપ્પણી રાસ, ખંજરી રાસ, બેડા રાસ સહિતના રાસની રમઝટ બોલાવે છે. ભાવિકો દ્વારા ગરબે ઘૂમતી બાળાઓને દરરોજ લ્હાણી અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. છત્રપતિ શિવાજી ટાઉનશીપના ગરબીના ભવ્ય આયોજનને સફળ બનાવવા માલાબેન છાટબાર, ઇલાબેન પડિયા, ચંદ્રીકાબેન જાની, અલ્પાબેન કોટડીયા, અંજલીબેન ધનવાણી, સેજલબેન મહેતા સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસે રમતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે.

(3:11 pm IST)