Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગોંડલ રોડ ચોકડીએ 'હિટ એન્ડ રન': રસ્તો ઓળંગી રહેલા યુવાનના પેટ પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું: મોત

અજાણ્યા આશરે ૨૪ વર્ષના યુવાને સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ઓળખ મેળવવા માલવીયાનગર પોલીસની તપાસ

રાજકોટ તા. ૧૩: ગોંડલ રોડ ચોકડી હિટ એન્ડ રનની ઘટના બની હતી. રસ્તો ઓળંગી રહેલો એક યુવાન ટ્રકની ઠોકરે ચડી ગયા બાદ તેના પેટ પર ટ્રકનું વ્હીલ ફરી વળતાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ જીવ બચી શકયો નહોતો.

જાણવા મળ્યા મુજબ સવારે એક અજાણ્યો આશરે ૨૪ વર્ષનો યુવાન ગોંંડલ રોડ ચોકડીએ રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે અચાનક એક ટ્રક આવી જતાં ઠોકરે ચડી ગયો હતો. તેમજ તેના પેટ પર વ્હીલ ફરી વળ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. અકસ્માત સર્જી ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો.

ગંભીર રીતે ઇજા પામનાર અજાણ્યા યુવાનને ૧૦૮ના ઇએમટી ઋતુ રાખોલીયા અને પાઇલોટ ડી. કે. વાળાએ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહિ તુરંત સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ થોડા કલાકોની સારવાર બાદ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ બી. બી. રાણા અને પ્રશાંતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર યુવાને લીલા રંગનું પેન્ટ તથા કેસરી ટી-શર્ટ પહેર્યા છે. ઓળખ થાય તેવું કંઇ મળ્યું નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ પરિચીત વાલીવારસ હોય તો પોલીસનો ૦૨૮૧ ૨૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:07 pm IST)