Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

હનુમાન મઢી પાછળ હિરામનનગરમાં ૪૦ વર્ષથી યોજાય છે હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમાન શ્રી નવદૂર્ગા ગરબી

સ્વ. નારણભાઇ બારડે શરૂ કરેલી પ્રાચીન પરંપરાને પુત્રો રાજેશભાઇ અને જીતુભાઇએ જાળવી રાખીઃ કોર્પોરેટર સ્થાયી સમિતીના એસ્ટેટ શાખાના ચેરમેન જીતુભાઇ કાટોડીયાનું સન્માન કરાયું

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૯ના રૈયા રોડ હનુમાન મઢી પાછળ આવેલા હિરામન નગરમાં છેલ્લા ૪૦ વર્ષની હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમાન શ્રી નવદૂર્ગા ગરબીનું આયોજન થાય છે. આ ગરબીમાં હિન્દુ પરિવારની બાળાઓ સાથે મુસ્લિમ પરિવારની બાળાઓ પણ ભાગ લઇ ગરબા રમે છે. ગરબી આયોજનનો પ્રારંભ ચાલીસ વર્ષ પહેલા જીઇબીના કર્મચારી સ્વ. નારણભાઇ બારડ દ્વારા કરવામાં આવી હતી. તેમના અવસાન પછી તેમના પુત્રો રાજેશભાઇ બારડ (પીજીવીસીએલ) અને જીતેન્દ્રભાઇ બારડે ગરબીનું સંચાલન યથાવત રાખ્યું છે. દરરોજ બાળાઓ અલગ અલગ રાસ રજૂ કરે છે અને માતાજીની ઉપાસના કરે છે. શ્રી નવદૂર્ગા ગરબી મંડળમાં બારડ પરિવારના રાજેશભાઇ, જીતેન્દ્રભાઇ, શોભનાબેન, સોનલબેન અને મંડળના સભ્યો નિલેષભાઇ ભટ્ટી, પૂનમબેન ભટ્ટી, ક્રિષ્નાબેન વાઘેલા, કવિતાબેન ગોહેલ, શૈલેષભાઇ ગોહેલ, આમદભાઇ શાહમદાર, રાજુભાઇ શાહ, કિર્તનભાઇ શાહ, અશોકભાઇ સોલંકી સહિતના દર વર્ષે નવરાત્રી આયોજનમાં જહેમત ઉઠાવે છે. ગઇકાલે વોર્ડના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના ચેરમેનશ્રી જીતુભાઇ કાટોડીયાએ ખાસ ઉપસ્થિત રહી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી. તેમનું જીતેન્દ્રભાઇ બારડ અને  અશોકભાઇએ હારતોરાથી સન્માન કર્યુ હતું.

(3:02 pm IST)