Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

પોર્ન સાઇટના રવાડે ચડેલા તુષારને ગાજીયાબાદની સપનાએ મોહજાળમાં ફસાવી ૮૫ લાખ પડાવ્યા

નાગેશ્વરમાં રહેતાં એકાઉન્ટન્ટ યુવાન સહિત ૧૦ વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ : સપના સાથે પોર્ન સાઇટ મારફત સંપર્ક થયા બાદ તેની સાથે લગ્નનું સપનુ જોયું ને લાલચમાં પોતાના શેઠ ઇરફાનભાઇના ૮૫ લાખ યુવતિના નામે ટ્રાન્સફર કરી દીધાઃ બીજા ૧૬ લાખ પોર્ન સાઇટના ટોકન ખરીદવામાં ઉડાવી દીધાનું ખુલ્યું

રાજકોટ તા. ૧૩: ઓનલાઇન છેતરપીંડીના અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવી ગયા છે. ત્યાં હવે એક કિસ્સામાં શહેરમાં રહેતાં અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં યુવાનને એક પોર્ન સાઇટ મારફત ગાજીયાબાદની યુવતિ સાથે સંપર્ક કરવાનું મોંઘુ પડી ગયું છે. આ યુવતિએ તેને મોહજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રૂ. ૮૫ લાખ પડાવી લીધા છે. એકાઉન્ટન્ટ પાસે આટલી રકમ નહોતી, તેણે પોતાના શેઠના રૂપિયા યુવતિના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતાં. કુલ એકાદ કરોડની ઠગાઇની ફરિયાદ અમદાવાદના વેપારીએ પોતાના એકાઉન્ટન્ટ સહિત ૧૦ જણા સામે રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવતા તપાસ શરૂ થઇ છે.

આ બનાવ અંગે સીઆઇડી ક્રાઇમના પીઆઇ શેરગીલે અમદાવાદ રહેતાં ઇરફાન શેખ (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી રાજકોટમાં જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં રહેતાં અને પોતાને ત્યાં  એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં તુષાર સેજપાલ, ગાજીયાબાદની સપના, સપનાની માતા રાજકુમારી ગીતા, યોગેશ, ચરણસિંગ, સુશિલ, ફકીરસિંગ સહિત દસ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યા મુજબ હાલ અમદાવદ રહેતા અને રાજકોટમાં પણ મકાન ધરાવતા વેપારી ઈરફાન શેખ (ઉ.વ.૩૯) કે જે ગ્રાફિક ડિઝાઇનનું કામ કરે છે તેને ત્યાં બાર ચોપડી ભણેલો તુષાર સેજપાલ છેલ્લા ઘણા સમયથી એકાઉન્ટન્ટ તરીકે રાજકોટ રહી નોકરી કરે છે. તુષારનો સંપર્ક એક પોર્ન સાઈટ મારફતે ગાજીયાબાદની સપના સાથે થયા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. દરમિયાન તુષારે લગ્ન કરવા માટે સપનાને કહેતાં તેણીએ પૈસા માંગવાની શરૂઆત કરી હતી.

તુષાર સપનાની મોહજાળમાં એવો ફસાઇ ગયો હતો કે તેણે ર૦૧૯થી ૨૦૨૦ સુધીના સમયગાળામાં પોતાના શેઠ-વેપારી ઇરફાન શેખના રૂ. ૮૫ લાખ કટકે કટકે સપનાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જયારે અન્ય આરોપીઓએ સપનાની મદદગારી કરી હતી. વેપારી ઇરફાન શેખના રાજકોટના મકાનના લોનના હપ્તા અડધા જ ભરાતાં હોય શંકા ઉપજતાં તેણે તપાસ કરતાં એકાઉન્ટન્ટ તુષારે કરેલી ગોલમાલ સામે આવી હતી. એ પછી ઘરમેળે તપાસ કરી હતી અને બાદમાં સીઆઇડી ક્રાઇમમાં જાણ કરતાં ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ માહિતી માટે તુષારે સપના સાથે સંપર્ક થયા પછી તેણીને ૮૫ લાખ મોકલ્યા હતાં. આ ઉપરાંત વધારાના ૧૬ લાખ રૂપિયા તેણે પોર્ન સાઇટના ટોકન ખરીદવામાં પણ ઉડાડી દીધા હતાં. ૨૦૧૯-૨૦માં જ તુષારે અધધધ ૮૫ લાખ જેવી પોતાના શેઠની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. એ વખતે લોકડાઉન હોઇ ઇરફાન શેખને વધુ પૈસાની જરૂર ન હોઇ શંકા ઉપજી નહોતી. અંતે ભોપાળુ ખુલતાં ફરિયાદ નોંધાવતા સીઆઇડી ક્રાઇમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(12:46 pm IST)