Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજકોટ ડેરી વિક્રમી નફા તરફ : દૂધ, દહીં, ઘી, છાશના વેંચાણમાં જબ્બર વધારો

રાજકોટ - મોરબી જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી ડેરીમાં ગોરધનભાઇના કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ : ભેળસેળ બદલ ૫૪ મંડળીઓ બંધ : ધાકની અસર અને વધારામાં કરકસર

રાજકોટ તા. ૧૩ : જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી)ની છેલ્લી સામાન્ય ચૂંટણી પછી ગોરધનભાઇ ધામેલિયાએ ડેરીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યાને ગઇકાલે ૧ વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષમાં ડેરીમાં પરિવર્તન અવિરત રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૬ માસનું સરવૈયુ દર્શાવે છે કે, આ વર્ષે ડેરીનો નફો વિક્રમસર્જક થશે. ડેરીની બનાવટોના વેચાણમાં મોટો વધારો નોંધાયો છે. જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ ડેરી ગતિ સાથે પ્રગતિના પંથે છે.

ડેરીની વિવિધ આઇટમોમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જબ્બર વધારો થયો છે. જેમાં દૂધમાં ૯ ટકા, છાશમાં ૩૭ ટકા, ઘી માં ૨૫ ટકા અને છાશમાં ૧૭૩ ટકા વધારાનો સમાવેશ થાય છે. દૂધ સંપાદનમાં ૫ ટકા વધારો થયો છે. દૂધ ઉત્પાદકોને પાછલા વર્ષની સરખામણીએ કિલો ફેટે રૂ. ૯ વધુ ચૂકવાયા છે. રાજકોટ શહેરમાં ૨ સ્થાનોએ ગોપાલ પાર્લર શરૂ કરવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં વેચાણ બાબતે ફેડરેશન સાથે ઉકેલ આવેલ છે જેના પરિણામે પેકીંગ થતા દૂધમાં ૨૦ હજાર લીટરનો દૈનિક વધારો થયો છે.

ડેરી સંકુલમાં અને મંડળીઓ સાથે મળી વૃક્ષારોપણ કરાયું છે. ૮૦ હજાર વૃક્ષારોપણનો સંકલ્પ છે. વિતેલા એક વર્ષમાં ભેળસેળ બદલ ૫૪ મંડળીઓનું દૂધ સ્વીકારવાનું બંધ કરાયેલ છે. આણંદપરમાં અમૂલ માઇક્રો એ.ટી.એમ. શરૂ કરાયેલ છે. ગોરધનભાઇ ધામેલિયાના નેતૃત્વમાં સતત પ્રગતિ બદલ ડેરીના સંચાલક મંડળ અને વહીવટી પાંખ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:47 am IST)