Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગૃહ ઉદ્યોગ સંભાળતા બહેનો માટે રવિવારે રાજકોટમાં સ્વરોજગારલક્ષી સેમીનાર

વડોદરાના નવજીવન ગૃપ દ્વારા મહિલા સશકિત કરણ અને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપતુ આયોજન : નામ નોંધણી શરૂ

રાજકોટ તા. ૧૩ : બહેનો આત્મ નિર્ભર બને તેવા હેતુથી નવજીવન ગ્રુપ ઓફ કંપની બરોડા દ્વારા આગામી તા. ૧૭ ના રવિવારે રાજકોટમાં સ્વરોજગારી માટેનો એક અનોખો સેમીનાર ગોઠવવામાં આવ્યો છે.આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવજીવન ગ્રુપના એમ. ડી. નિરવ સોલંકી અને ટીમ મેમ્બર મુબારકભાઇ મલેક તથા પીન્ટુભાઇ બજાજે જણાવ્યુ હતુ કે વડાપ્રધાનશ્રીના સ્વપ્ન 'વોકલ ફોર લોકલ' તેમજ મહિલા સશકિતકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળે તેવા હેતુથી અમે ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલા બહેનોને સંગઠીત કરી આત્મનિર્ભર બનાવા આ કાર્યક્રમ ગોઠવેલ છે.

આ અંતર્ગત હાલ રજીસ્ટ્રેશન કાર્ય ચાલુ છે. જેમાં ગૃહઉદ્યોગ જેમ કે પાપડ, મઠીયા, અથાણા બનાવવા કે ભરત ગુંથણ  કે પછી કોઇપણ હસ્તકલાને લગતુ કાર્ય કરતા બહેનોના નામોની નોંધણી કરવામાં આવી રહી છે. નોંધાયેલા બહેનોને આ સેમીનારમાં આમંત્રિત કરાશે. તેમની પાસે જે કલા હશે તેને પ્રોત્સાહીત કરવા પુરતો અવકાશ અપાશે. જેમ કે કોઇ બહેન પાપડ અથાણા બનાવતા હશે તો તેમનો માલ ખરીદવાથી લઇને વેંચાણ વ્યવસ્થા ગોઠવી અપાશે. ટુંકમાં બહેનો પોતાના સ્થાનિક વ્યવસાયને વધુ બળવતર બનાવી શકે તેવા પ્રયાસો કરાશે.

હાલમાં લોકો મોલ અને ઓનલાઇન ખરીદી તરફ વળ્યા છે. ત્યારે તેમને તેમના ગામમાં કોઇપણ વસ્તુ સરળતાથી અને સસ્તી મળી રહે તેવો કન્સેપ્ટ આ સેમીનાર પાછળ રહેલો છે.

તા. ૧૭ ના રવિવારે સવારે ૧૦ થી ૧૨ સુધી આત્મિય કોલેેજ સેનેટોરીયમ હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધી યોજાનાર બહેનો માટેના આ સેમીનારમાં અંદાજીત ૨૦૦ થી વધુ બહેનો જોડાય તેવો લક્ષ્યાંક રખાયો છે.આ બહેનોને રોજગાર લક્ષી માર્ગદર્શન અને તેમના વ્યવસાયને વધારવાની તકો ઉપલબ્ધ કરાવાશે. ભારતની ખુબી અને કૌશલ્ય નિર્મિત વસ્તુઓને ભારતની બજારમાં જ સન્માન સાથે સ્થાન મળે તેવા પ્રયાસો કરાશે. દેશભરમાંથી કોઇપણ ગૃહઉદ્યોગ કરનાર બહેનો જોડાઇ શકશે.આ મહીલાઓ માટેના ગૃહઉદ્યોગ અને સ્વરોજગાર લક્ષી સેમીનારમાં જોડાવા ઇચ્છુક બહેનોએ નામ નોંધણી માટે મો.૭૪૮૬૦ ૩૭૩૧૧ અથવા ૭૪૮૬૦ ૩૭૩૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવજીવન ગ્રુપના એમ. ડી. નિરવ સોલંકી અને ટીમ મેમ્બર મુબારકભાઇ મલેક નજરે પડે છે.

(11:47 am IST)