Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રંગીલા રાજકોટમાં ગાંજાની બજાર ફુલ ગરમઃ પાંચ દિવસમાં પાંચ પકડાયાઃ મુળ સુધી પહોંચવા મથામણ

વૃંદાવન સોસાયટી રોડ પર વાહન ચેકીંગમાં તાલુકા પોલીસે બેડીપરા અને ગંજીવાડાના સાજીદ-અફઝલને ૧.૬૧૪ ગ્રામ ગાંજા સાથે દબોચ્યાઃ જંગલેશ્વર તરફથી લાવ્યાનું બંનેનું રટણઃ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૧૩: શહેરમાં વધુ બે શખ્સને ગાંજા સાથે પકડી લેવાયા છે. થોડા દિવસ પહેલા એસઓજી ઓરીસ્સાના શખ્સને ગાંજા સાથે પકડ્યા બાદ યુનિવર્સિટી પોલીસે આ શખ્સને ગાંજો સપ્લાય કરનાર બીજા બે શખ્સને પકડ્યા હતાં. ત્યાં હવે તાલુકા પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમિયાન વૃંદાવન સોસાયટી મેઇન રોડ પ્રદ્યુમન ગ્રીન સીટી સામે આવાસ કવાર્ટર પાસે એકસેસ લઇને નીકળેલા બે શખ્સને અટકાવી તલાશી લેતાં રૂ. ૧૧૨૯૮નો ૧.૬૧૪ કિ.ગ્રા. ગાંજો મળતાં બંનેની ધરપકડ કરી રૂ. ૪૩૨૯૮નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પાંચ દિવસમાં પાંચ શખ્સો ગાંજા સાથે પકડાતાં શહેરમાં દારૂ, ભાંગની ગોળીઓ સહિતના નશા પછી આવા માદક પદાર્થોના નશાનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યાનું જણાઇ આવે છે. ગાંજાની બજાર ગરમ ચાલી રહી હોય એમ પાંચ દિવસમાં પાંચ શખ્સો ગાંજા સાથે પકડાયા છે.
તાલુકા પોલીસની ટીમ વાહન ચેકીંગ માટે કાલાવડ રોડ આસપાસના રસ્તા પર હતી ત્યારે બે શખ્સ એકસેસ નં. જીજે૦૩એલએસ-૦૮૪૭માં શંકાસ્પદ રીતે પ્રદ્યુમન ગ્રીનસીટી સામેના રોડ પરથી આવતાં તેને અટકાવી તલાશી લેવાતાં બંનેના ખિસ્સાઓમાંથી કંઇ શંકાસ્પદ મળ્યું નહોતું. ડેકી ખોલીને જોતાં અંદર કાપડની એક થેલી હતી. જેમાં માદક વાસ ધરાવતાં વનસ્પતીના સુકા જેવા પાંદડા અને ડાળખા મળ્યા હતાં. આ પદાર્થ ગાંજો જણાતાં એફએસએલ અધિકારીને બોલાવી ખરાઇ કરાવી હતી. તેમણે આ વનસ્પતી ગાંજો હોવાનું સ્પષ્ટ કર્યુ હતું.
પકડાયેલા બંને શખ્સે પોતાના નામ સાજીદ ફિરોઝભાઇ દસાડીયા (સિપાહી) (ઉ.૨૩-રહે. બેડીપરા ફાયર બ્રિગેડ મનહરપરા-૧) તથા અફઝલ કાસમભાઇ શાહમદાર (ફકીર) (ઉ.૨૩-રહે. ગંજીવાડા મહાકાળી મંદિર સામે એકતા દવાખાનાની બાજુમાં) જણાવ્યા હતાં. બંને પાસેથી ગાંજો, બે મોબાઇલ ફોન અને વાહન કબ્જે કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોરહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, જે. એસ. ગેડમની સુચના અને રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, અમીનભાઇ ભલુર, હરસુખભાઇ સબાડ, મનિષભાઇ સોંઢીયા, હર્ષરાજસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાએ આ કામગીરી કરી હતી. પકડાયેલા બંને મજૂરી કામ કરે છે.  ટૂંકા રસ્તે માલદાર થવા બંને આવા રવાડે ચડ્યાનું રટણ કર્યુ છે. ગાંજો જંગલેશ્વર તરફથી લાવ્યાનું રટણ કર્યુ હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે. પાંચ દિવસમાં પાંચ શખ્સો ગાંજા સાથે પકડાયા હોઇ આવા પદાર્થ કયાંથી કોણ પહોંચાડે છે તેના મુળ સુધી પહોંચવા પોલીસની ટીમો કામે લાગી છે.  અગાઉ આવા કેસોમાં પોલીસની તપાસના પગેરા સુરત, રાજસ્થાન સુધી પહોંચ્યા હતાં.
 

 

(11:41 am IST)