Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 'જન્મભૂમિ'ચોટીલા તથા 'બાલ્યાવસ્થાની લીલાભૂમિ'રાજકોટ ખાતે 'રઢિયાળી રાત'નાં પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા ગુંજયાં

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી સતત ૧૨મા વર્ષે ગુજરાતભરમાં 'રઢિયાળી રાત'નાં પ્રેરક આયોજનો થયાં છે : (૧)(૨)(૩) ચોટીલા : એન.એન.શાહ સ્કૂલ (૪) (૫) રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં. ૮

રાજકોટ,તા. ૧૩: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્ત્।ે નવરાત્રીનાં પાવન પર્વ દરમિયાન એમના સંશોધિત-સંપાદિત રઢિયાળી રાતના પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા ગુજરાતભરમાં ગુંજયાં. નવી પેઢી આપણા ગૌરવવંતાં સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી સતત ૧૨મા વર્ષે રઢિયાળી રાતના પ્રેરક આયોજનો થયાં છે.

ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા સ્થિત એન. એન. શાહ સ્કૂલ (મામાની જૂની સ્કૂલ) ખાતે યોજાયેલ રઢિયાળી રાત કાર્યક્ર્મમાં શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ઘર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજકોટ જિલ્લા મદદનીશ ગ્રંથાલય નિયામક – સુરેન્દ્રનગર જિલ્લા ગ્રંથપાલ લલિતભાઈ મોઢ, આચાર્ય ઉગ્રસેનસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઙ્ગ

ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ – સદર સ્થિત તે સમયની તાલુકા શાળા અને હાલ રાજકોટ મહાનગરપાલિકા – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં ૮ ખાતે પણ રઢિયાળી રાત કાર્યક્ર્મ યોજાયો હતો. ૧૯૦૧માં ઝવેરચંદ મેઘાણીએ આ ઐતિહાસિક શાળામાંથી શાળા શિક્ષણનો આરંભ કર્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, નિવૃત્ત્। નાયબ પોલીસ અધિક્ષક પી. બી. સાપરા, આચાર્ય રમેશભાઈ માંગરોલિયા, શિક્ષકો હીનાબેન શાહ, સેજલબેન પરમાર, મનિષભાઈ ભાલાળા અને બંસીબેન પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં. ઙ્ગ

ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, કાન તારી મોરલી, સોના વાટકડી રે, સોના ઈંઢોણી રૂપા બેડલું રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, ઝૂલણ મોરલી, મારી શેરીએથી કાનકુંવર, કુંજલડી રે, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, અડવડ દડવડ નગારાં વાગે, ઊભી ઊભી ઊગમણે દરબાર, આવી રૂડી અંજવાળી રાત જેવાં સદાબહાર પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા પર વિઘાર્થીઓ મન મૂકીને ગરબે રમ્યાં હતાં.

લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે તેમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. ધૂળધોયાનું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જયારે લગભગ નાશ થઈ ચૂકયો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખુંધ્યા. ૪૫૦થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ રઢિયાળી રાતનો પહેલો ભાગ ૧૯૨૫માં અને ચોથો ભાગ ૧૯૪૨માં પ્રગટ થયો હતો. મહાત્મા ગાંધી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી પાસેથી લોકગીતો સાંભળીને રાજી થયા હતા જે ખાસ ઉલ્લેખનીય છે. (૨૨.૧૧)

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(9:55 am IST)