Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

તું કેમ શેરીના કૂતરાને રોટલી નાંખે છે અને પાછળ દોડાવે છે? કહી વાળંદ મહિલા અને તેના ભાણેજને છરીના ઘા ઝીંકાયા

લક્ષ્મીવાડીના શારદાબેન શીશાંગીયા (ઉ.૫૦) અને મવડીમાંથી તેમના ઘરે બેસવા આવેલા ભાણેજ દિપક ભટ્ટી (ઉ.૩૭)ને ગંભીર ઇજાઃ શેરીમાં જ રહેતાં હાર્દિક, તેજસ અને અજાણ્યા શખ્સે 'આજે તો બચી ગયા હવે પછી મારી નાંખશું' તેવી ધમકી પણ દીધી

વાળંદ મહિલા શારદાબેન શીશાંગીયા અને તેના ભાણેજ દિપકભાઇ ભટ્ટીને છરીના ઘા ઝીંકાતા  ગંભીર ઇજા થતાં બંને હોસ્પિટલમાં દાખલ થયા છે, છરીના ઉંડા ઘા તસ્વીરોમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: લક્ષ્મીવાડીમાં રહેતાં વાળંદ મહિલાને 'તું કેમ કૂતરાઓને શેરીમાં રોટલી નાંખે છે અને કેમ અમને કરડાવે છે?' તેમ કહી ત્રણ શખ્સોએ ગાળો દઇ છરીથી હુમલો કરી તેમજ ધોકાવાળી કરી ઇજા કરતાં અને મારી નાંખવાની ધમકી આપતાં તેમજ ભાણેજ વચ્ચે પડતાં તેને પણ ધોકાથી માર મારતાં ફરિયાદ થઇ છે. માસી-ભાણેજ બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રાત્રે દસેક વાગ્યે લક્ષ્મીવાડી-૭/૧૫ના ખુણે રહેતાં શારદાબેન રવજીભાઇ શીશાંગીયા (ઉ.૫૦) નામના વાળંદ મહિલા અને મવડી પ્લોટમાં રહેતાં તેમના બહેનના દિકરા દિપક રસિકભાઇ ભટ્ટી (ઉ.૩૭) પોતાના પર ઘર પાસે હતાં ત્યારે તેજસ, હાર્દિક અને અજાણ્યા શખ્સે છરી-ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગરના પીએસઆઇ ડી. એ. ધાંધલ્યાએ શારદાબેનની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

શારદાબેનના કહેવા મુજબ પોતે પ્રાઇવેટ નોકરી કરે છે. રાત્રે સાડા આઠેક વાગ્યે પોતે દશાશ્રીમાળી દવાખાનેથી ઘરે આવ્યા ત્યારે બહેનનો દિકરો દિપકભાઇ તેના પત્નિને લઇને બેસવા આવ્યો હતો. તે વખતે પોતે શેરીમાં કૂતરાને રોટલી નાંખવા ગયા હતાં. થોડીવાર બાદ પડોશી હાર્દિકે આવીને 'બહાર નીકળ તું કેમ કૂતરાને રોટલી નાંખે છે? કેમ અમારી પાછળ કરડાવવા દોડાવે છે?' કહી ગાળાગાળી કરી હતી. આ વખતે દિપકે તેને સમજાવીને રવાના કર્યો હતો.

શારદાબેને વધુમાં જણાવ્યું છે કે  થોડીવાર બાદ હાર્દિક તેના મિત્ર તેજસ અને બીજા એક શખ્સ સાથે ધોકા-છરી સાથે આવ્યો હતો અને ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. જેમાં પોતાને ડાબા હાથે તથા જમણા પડખામાં અને બેઠક પર તેમજ ભાણેજ દિપકને પણ પીઠ અને બેઠકના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. બંને સિવિલમાં સારવાર લઇ ખાનગીમાં દાખલ થયા છે.  ત્રણેય હુમલાખોરોએ આજે તો તમે બચી ગયા છો, બીજી વાર મળશો તો જાનથી મારી નાંખવા છે તેવી ધમકી પણ આપી હતી. હુમલાને પગલે લોકો ભેગા થઇ જતાં ત્રણેય શખ્સો ભાગીગયા હતાં. (૧૪.૮)

 

(4:07 pm IST)