Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ગાંધીગ્રામમાં ઋષિરાજસિંહ ગોહિલનો રાત્રે આતંકઃ રજપૂત યુવાન અને તબિબ પુત્રને છરીના ઘા ઝીંકયા

આકાશ રજપૂત મિત્ર વિનય સાથે ઉભો'તો ત્યારે ઋષિરાજે ગાંજો પીવા માંગ્યો, નહિ હોવાનું કહેવાતાં ડખ્ખોઃ તબિબ પુત્ર સમીર બાવાજી પાસે કોઇના ફોન નંબર માંગી પેટમાં છરી ભોંકીઃ એક લારીવાળાને પણ મારકુટ કરી

રાજકોટ તા. ૧૩: ગાંધીગ્રામ વિસ્તારમાં ગત રાત્રે એક દરબાર શખ્સે આતંક મચાવી કારણ કારડીયા રજપૂત યુવાનને, બાવાજી યુવાનને છરીના ઘા ઝીંકી દઇ તેમજ એક ચાઇનીઝ પંજાબીની લારીવાળાને મારકુટ કરી લેતાં દેકારો મચી ગયો હતો. જેમાં બે યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

પોલીસે વાવડી કિસ્મત એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૧માં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં આકાશ અશોકભાઇ ડોડીયા (ઉ.૨૪) નામના કારડીયા રજપૂત યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ વિસ્તારના ઋષિરાજસિંહ ગોહિલ સામે ગુનો નોંધ્યો છે. આકાશના કહેવા મુજબ તેને રાત્રે મિત્રો સાથે દાંડીયારાસ રમવા જવાનું હોઇ જેથી તે પોતાના મિત્ર વિનય ઉકેડીયા સાથે તેના એકટીવા જીજે૩જેકે-૪૨૯૨ લઇને ગાંધીગ્રામ શેરી નં. ૬/૨ના ખુણે રાજેશ પાન પાસે આવ્યો હતો અને સિગારેટ પીવા ઉભો હતો. આ વખતે ઋષિરાજસિંહ કાળા એકટીવા પર આવ્યો હતો અને મિત્ર વિનયને કહેલ કે મને ગાંજો આપ. જેથી મિત્ર વિનયએ પોતે ગાંજો પીતો નથી એટલે ન હોય તેમ કહેતાં તેણે એકટીવાની ચાવી કાઢી લીધી હતી. ચાવી પાછી માંગતા તેણે આપી દીધી હતી. એ પછી પોતે પત્નિનો ફોન આવતાં તેની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે ઋષિરાજસિંહે પાછળથી દોડીને આવી ગાલ અને હાથ પર છરીના ઘા ઝીંકી દીધા હતાં અને ભાગી ગયો હતો.  બાદમાં પોતે સારવાર માટે દાખલ થયો હતો.

બીજી તરફ રાત્રે અગિયારેક વાગ્યે ગાંધીગ્રામ-૧૧માં પરફેકટ શો રૂમ સામે રહેતાં ડોકટર પી. કે. ગોસ્વામીના પુત્ર સમીર પ્રવિણભાઇ ગોસ્વામી (ઉ.૨૫)ને તે રાત્રે ગરબી જોઇને આવીને ઘર નજીક ઉભો હતો ત્યારે ઋષિરાજસિંહે આવી કોઇના ફોન નંબર માંગતા સમીરે પોતાની પાસે નંબર નથી તેમ કહેતાં તેણે ગાળો દઇ પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતાં અને સમીરને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ઋષિરાજસિંહ નશો કરેલો હોવાનું સમીરના માતાએ જણાવ્યું હતું. આ શખ્સે એક ચાઇનીઝ ફૂડની લારીએ કામ કરતાં યુવાનને પણ કારણવગર મારકુટ કરી હોવાનું કહેવાય છે. સમીર બાઇકના શો રૂમમાં નોકરી કરે છે. ગાંધીગ્રામના પીએસઆઇ એન. એમ. સોલંકી અને સ્ટાફે તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(4:06 pm IST)