Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ભોગ બનનાર સ્ત્રી સાથે લગ્ન ન કરી ગુનો આચરતા આરોપી દશરથ કોળીને ૧૦ વર્ષની સજા

લગ્નની લાલચ આપી ૪ મહિના સુધી શરીર સંબંધ બાંધ્યો હતો

રાજકોટ, તા.૧૩ : આ કેસની ટુંકી હકીકત એવી છે કે રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના વડવાજડી ગામમાં રહેતી ફરીયાદ (ભોગ બનનાર) સાથે આરોપી દશરથ કોયા મુળ રહે. હડમતીયા, જી. મહીસાગર વાળાએ પ્રેમસંબંધ બાંધેલ અને લગ્નની લાલચ આપી આરોપી દશરથ કોયા પોતાના વતન હડમતીયા મુકામે ભોગ બનનાર ફરીયાદી સ્ત્રીને લઈ ગયેલ અને પોતાની સાથે ચાર મહિના સુધી સાથે રાખેલ અને આ ચાર મહિનામાં અવાર - નવાર શરીર સંબંધ બાંધેલ અને ભોગ બનનાર સાથે લગ્ન કરેલ નહિં જેથી ભોગ બનનારે લોધીકા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સહિતની કલમ-૩૭૬ મુજબની ફરીયાદ તા.૩૦-૬-૧૬ના રોજ આપેલ.

ત્યારબાદ લોધીકા પોલીસે આરોપીની ધરપકડ કરેલ અને આરોપી સામે ચાર્જશીટ કરેલ ત્યારબાદ ઉપરોકત કેસ સેશન્સ અદાલતમાં કમીટ થતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઈ કે. ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફ દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ તથા કુલ ૧૩ સાહેદોને તપાસવામાં આવેલ અને પુરાવો રેકર્ડ ઉપર લેવામાં આવેલ અને ભોગ બનનાર ફરીયાદીની જુબાની ડોકટરશ્રીની જુબાની તથા અન્ય સાહેદોની જુબાની ધ્યાને રાખી તેમજ સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઈ કે. ડોબરીયાની ધારદાર દલીલો ધ્યાને રાખી આરોપી દશરથ કોયા કોળીને ભારતીય દંડ સહિતાની કલમ - ૩૭૬ના ગુન્હામાં  તકસીરવાન ઠરાવી નામદાર સેશન્સ જજ શ્રી જે. એન. વ્યાસે દસ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૫૦૦૦નો દંડ ભરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઈ કે. ડોબરીયા રોકાયેલ હતા.(૩૭.૬)

(3:58 pm IST)