Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ટુ વ્હીલરની ડેકીમાંથી મોબાઇલની ચોરી કરતી કશ્યપ અને સમીર પકડાયા

પ્ર.નગર પોલીસે બાતમી પરથી બંનેને રેસકોર્ષ પાસેથી દબોચ્યા : બંને શખ્સો પાસેથી રૂ. ૪૮ હજાર રોકડા ચાર મોબાઇલ તથા બાઇક કબ્જે

રાજકોટ, તા. ૧૩:  શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી પાર્ક કરેલા ટુ-વ્હીલરની ડેકીમાંથી મોબાઇલની ચોરી કરતા બે શખ્સોને પ્ર.નગર પોલીસે રેસકોર્ષ સ્ટેડીયમના ગેઇટ પાસેથી પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ મોહસીનખાન, પ્રદિપસિંહ તથા હેમેન્દ્રભાઇને મળેલી બાતમીના આધારે રેસકોર્ષના ક્રિકેટ સ્ટેડીયમના ગેઇટ પાસેથી જીજે ૩ એફઆર ૯૯૩૯ નંબરનું બાઇક લઇને પસાર થતા કશ્યપ નીતિનભાઇ ચુડાસમા (ઉ.વ.૧૯) (રહે. જામનગર રોડ ગોડાઉન રોડ ગોકુલ બંગ્લોઝ) અને સમીર અબ્દુલ ગફૂરભાઇ ઠેબા (ઉ.વ.ર૧) (રહે. ર/૧૧ નો ખૂણો ગાયકવાડી જંકશન પ્લોટ) ને ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધા હતા. પોલીસે બંને પાસેથી ચાર ચોરાઉ મોબાઇલ ફોન મળી આવતા ધરપકડ કરી હતી. બંનેની પુછપરછ કરતા બંનેએ જુદા જુદા સ્થળે પાર્ક કરેલા ન્યુપીયર ટુ-વ્હીલરની ડેકીમાંથી ચોર્યાની કબુલાત આપી હતી. પોલીસે બંને પાસેથી બાઇક રૂ. ૪૮ હજાર રોકડા, ચાર મોબાઇલ ફોન કબ્જે કરી વધુ તપાસ આદરી છે. (૯.૧પ)

(3:57 pm IST)